નવરાત્રિના ટાઇમમાં જો સૌથી દયાજનક પાત્ર હોય તો એ છે નવા નવા પપ્પા બનેલા યુવાનો !
જેમનું બાળક હજી એકાદ બે વરસનું હોય, અને ઉપરથી ઘરમાં વડીલો ના હોય તો આ જુવાનની જે દશા થતી હોય છે…
***
સૌથી પહેલાં તો એ બિચારો પત્નીનાં નવાં ચણિયા-ચોળી અને બ્યુટિ પાર્લરના ખર્ચામાં જ ૧૦,૦૦૦ રૂપિયાનું પોતાનું ‘કરી’ ચૂક્યો હોય છે !
***
ઉપરથી બિચારો રોજ પાસ માટે ફાંફે ચડતો હોય ! એમાંય જો પત્ની પોતાની ઓળખાણથી પાસ લઈ આવે તો ટોણા સાંભળવાના ‘રહેવા દો, તમારાથી કશું મેનેજ થતું નથી !’
***
અચ્છા, પત્નીની જે બહેનપણી થકી પાસનું ગોઠવાયું હોય એની જોડે ગરબા રમવાનું તો મળવાનું જ નથી ! કેમકે પોતાનું ટેણિયું સાચવવાનું છે !
***
ગરબા ચાલતા હોય ત્યારે આ નવા પપ્પા દૂરથી જ ઓળખાઈ આવે છે. એક હાથે બાળકને તેડ્યું હોય, બીજા હાથમાં એને રમાડવાનું રમકડું હોય, ખભે થેલો હોય, જેમાં બાળકનાં ડાઈપર્સ, પાણીની બાટલી તથા બીજો સરંજામ હોય, એ જ થેલામાં પત્નીનું પર્સ અને મોબાઈલ પણ હોય ! વધારામાં પત્ની અને એની સખીઓએ એમની સેન્ડલો અને ચંપલો પણ ત્યાં જ કાઢી હોય !
ઉપરથી પત્નીની સૂચના હોય ‘આટલામાં જ રહેજો, ક્યાંક ખોવાઈ ના જતા !’
***
આ રીતે ભાઈસાહેબ બિચારા નવરા ઊભા હોય ત્યાં, જે રીતે ખાલી ખીંટી ઉપર ગમે તે માણસ ભીનો ટુવાલ લટકાવતો જાય, એમ આવતી જતી અન્ય ઓળખીતી ભાભીઓ એમના મોબાઈલ અને પર્સ સાચવવા આપતી જાય !
***
અચ્છા, બ્રેક પડે કે તરત જ પત્ની આવીને કહેશે ‘લાવો, બેબી મને આપો. અને તમે કૂપનો કઢાવીને નાસ્તો લેતા આવોને?’
***
હજી તો બાકી છે… પત્ની અને એમનું સખીમંડળ વોશરૂમ જાય ત્યારે બહાર ઊભા રહીને ચોકી કરવાની ! છતાંય પત્ની પાછી આવતાંની સાથે જ પૂછશે : ‘ક્યાં ડાફોળિયાં મારતા હતા ?’
***
અને છેલ્લે પાછા વળતાં સોસાયટીવાળા પૂછે છે : ‘શું વાત છે, ભઈ ! આજકાલ ભાભીની જોડે ગરબા ગાવાની મઝા આવે છે, નહીં ?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment