શબ્દો અંગ્રેજી... સ્વભાવ ગુજરાતી !

આમ તો આપણે ગુજરાતી ભાષામાં ડઝનબંધ અંગ્રેજી શબ્દો અપનાવી લીધા છે, જેમ કે; ટેબલ, ફોન, મોબાઈલ, ટિકીટ, કાર, પંચર, કલર, ટીવી, ટ્રેન, બસ, સાઇકલ વગરે.

પરંતુ કેટલાક અંગ્રેજી શબ્દો એવા છે કે જે ‘દિલ’થી તો ‘ગુજરાતી’ જ હતા ! જુઓ લિસ્ટ…

*** 

ફ્રી….

દરેક ગુજરાતીને સૌથી વહાલો હોય એવો આ શબ્દ થોડાં વરસો પહેલાં ત્રણ અક્ષરનો હતો : મ-ફ-ત !

પણ અંગ્રેજીમાં આ દોઢ અક્ષરનો શબ્દ હવે સંપૂર્ણપણે ગુજરાતી થઈ ગયો છે !

*** 

બીપી…

અલ્યા ભઈ, થોડાં વરસો પહેલાં બીપીનો અર્થ પેલી અશ્લીલ ફિલ્મ એટલે કે ‘બ્લુ પ્રિન્ટ’ થતો હતો ! પણ જ્યારથી દસમાંથી પાંચ ગુજરાતીઓને શેરબજાર હોય કે પત્ની, બેમાંથી એક કારણસર ‘પ્રેશર’ વધી ગયું ત્યારથી…

*** 

એટેક…

આર્મીવાળાઓ અને આંતકવાદીઓ જે શબ્દને ખતરનાક ‘હૂમલા’ માટે વાપરે છે એ જ સોફામાં આળોટતા આપણા ફાંદાળા ગુજરાતીઓ ‘હાર્ટ એટેક’ માટે વાપરે છે ! એટલું જ નહીં, હવે તો જાણે એ સ્ટેટસ સિમ્બોલ છે : ‘જુઓને મને તો ઓલરેડી બબ્બે એટેક આઈ ગયા છે !’

*** 

પાસ…

હમણાં નવરાત્રિ આવવા દો, બધાને આ શબ્દ યાદ આવશે ! અને તમે જુઓ, અંગ્રેજી શબ્દ ‘પાસ’ ઉપરથી જ આપણે ગુજરાતી શબ્દ ‘નાપાસ’ બનાવ્યો ને ?

અને હા, ‘એટેક’ પછી શું આવે ? ‘બાય-પાસ’ !

*** 

શુગર…

ફોરેનવાળા પોતાની પત્નીને ‘શુગર’ કહે છે. અને અહીં પત્નીઓ કહે છે : ‘તમારા ભઈને રિપોર્ટમાં શુગર આયું !’ અને તમે જુઓ ‘શુગર-ફ્રી’માં તો આપણું પ્રિય ‘ફ્રી’ પણ આવ્યું ! બોલો.

*** 

ચેક…

આ પણ સ્વભાવે ગુજરાતી શબ્દ જ છે ! બીપી ‘ચેક’ કરવાનું, શુગર ‘ચેક’ કરવાનું, માલ ‘ચેક’ કરીને લેવાનો… ‘ચેક’ પણ ‘ચેક’ કરીને લેવાનો અને ઓનલાઇન પેમેન્ટ આવી ગયું ? ‘ચેક’ કરી લેવાનું !

***

- મન્નુ શેખચલ્લી

Comments