ગુજરાતીઓનાં સાત લક્ષણો !

આખી દુનિયામાં ગુજરાતીઓ અનોખા છે કેમકે આપણને આપણી પોતાની જાત ઉપર હસતા આવડે છે ! એટલે જ શાસ્ત્રોમાં ગુજરાતીઓનાં લક્ષણો કહ્યાં છે…

***

ભલે કરવાની હોય ‘વર્લ્ડ-ટુર’ પણ જોડે ગુજરાતી રસોઈયો તો જોઈએ જ !

- આ આપણું પહેલું ‘ઇન્ટરનેશનલ’ લક્ષણ.

***

અમેરિકાથી અહીં ગુજરાતમાં જો કોઈ દેશી આવ્યો હોય તો એ બે જ કારણસર આવ્યો હોય. કાં તો એ દુઃખતી દાઢ કઢાવવા માટે આવ્યો હશે, અથવા બે મહિનાથી પોસ્ટપોન કરેલી બાય-પાસ સર્જરી કરાવવા આવ્યો હશે !

- આ આપણું બીજું ‘કરકસરિયું’ લક્ષણ.

***

લાખો રૂપિયાની મર્સિડીઝમાંથી ઉતરીને શાક લેવા ગયેલાં શેઠાણી શાકવાળા જોડે ભાવતાલની રકઝક તો કરવાના જ !

- આ આપણું ત્રીજું ‘જાગૃત ગ્રાહક’નું લક્ષણ.

***

ગુજરાતી ગૃહિણી રોજ ચાર લારીવાળા પાસેથી શાકભાજી, કેળાં, લીંબુ, ફ્રી ફુદીનો વગેરે તો લેશે જ, પણ સાથે સાથે ચારેય લારીવાળા પાસેથી એક એક પ્લાસ્ટિકની કોથળી પણ લેશે જ !

- આ આપણું ‘ચોથું પ્લાસ્ટિક સંગ્રહાલય’નું લક્ષણ.

***

પોતાના હજારો રૂપિયા શેરબજારમાં હલવાણા હોય છતાં વર્લ્ડના સૌથી ધનિક વ્યક્તિઓમાં અદાણી અને અંબાણીનાં નામો જોઈને છાતી તો ફૂલાવવાની જ !

- આ આપણું પાંચમું ‘શેરબજારીયું’ લક્ષણ.

***

ઘરના રસોડામાં પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનિઝ, કોન્ટિનેન્ટલ વાનગીઓ વારંવાર બનતી હોય છતાં જો ગુજરાતી થાળી ખાવાનું મન થાય તો આખી ફેમિલી રેસ્ટોરન્ટમાં જાય !

- આ આપણું છઠ્ઠું ‘સવાદિયું’ લક્ષણ.

***

અને ભલે વાવાઝોડું આવે, કોરોના આવે, પુર આવે કે કાળો કુદરતી કેર આવે… છતાં એની સતત જોક્સ બનાવીને હસતાં અને હસાવતાં રહેવાનું જ છે !

- આ છે આપણું સાતમું ‘મિજાજી’ લક્ષણ… જય ગુજરાત. જય ગુજરાતી.

***

- મન્નુ શેખચલ્લી

Comments