નવાં નવાં સાંસદ બનેલા કંગના રણૌતની ‘ઇમરજન્સી’ નામની ફિલ્મ સેન્સર બોર્ડમાં ફસાઈ ગઈ છે. કંગનાબેન અકળાયાં છે, પણ અમે તો કહીએ છીએ કે તમામ સાંસદોને લઈને ફિલ્મો બનવી જોઈએ ! જુઓ નમૂના…
***
હમ સબ ચોર હૈં
આ ૫૪૩ મિનિટ લાંબી ફિલ્મ હશે. એમાં દરેક સંસદને એક-એક મિનિટ ફાળવવામાં આવશે ! દરેક સાંસદ પોતાનો પરિચય આપશે અને સાથે સાથે ટાઇટલ્સ ચાલતા હશે જેમ કે :
ખુદગર્જ, કામચોર, ગદ્દાર, મુજરીમ, ડકૈત, મિ. નટવરલાલ, હત્યારા, કૈદી, દરિન્દા, ચાલબાજ, શરીફ બદમાશ, બ્લફ માસ્ટર, બદતમીઝ, ભક્ષક, ભેડિયા, શૈતાન, ચોરની, કટ્ટપૂતલી… વગેરે.
***
સફેદ હાથી
એક ભવ્ય ફિલ્મ ! જેમાં આપણા સાંસદો આપણા પૈસે કેવા જલસા કરે છે. કેવા પોશ બંગલામાં રહે છે, કેવી મોંઘી કારો ફેરવે છે અને કેવા ઠાઠથી દેશની ‘સેવા’ કરે છે તેનો જાજરમાન ચીતાર હશે !
***
મેરા કસૂર ક્યા હૈ
અતિશય ઇમોશનલ મૂવી ! જેમાં હત્યા, બળાત્કાર, ખંડણી, અપહરણ, છેતરપિંડી, ભ્રષ્ટાચાર, કૌભાંડ જેવા ક્રિમિનલ કેસો જેની ઉપર ચાલી રહ્યા છે તેવા સાંસદો આંસુ છલકતી આંખે પોતાની સફાઈ રજુ કરતા હશે !
***
જીન્સ
આપણે પહેરીએ છીએ તે નહીં, પણ માણસના લોહીમાં જે જિન્સ (ડીએનએ) હોય છે તેની વાત છે. આ ફિલ્મમાં સાંસદોના સંતાનો, ભાણિયા, ભત્રીજા, સાળા, બનેવી, જમાઈ, ભાઈઓ, કાકાઓ, મામાઓ વગેરેના લોહીમાં જે ભ્રષ્ટાચારનાં જીન્સ છે તેના વડે કેવાં ‘પરાક્રમો’ થાય છે તેની શૌર્ય કથાઓ હશે !
***
યાદેં
આ હોરર ફિલ્મ હશે ! ચૂંટાયાને પાંચ વરસ થઈ ગયાં… અરેરે, હવે ફરી મતદારોનો સામનો કરવો પડશે ? મતદારોને મારું નામ, મારો ચહેરો અને મારાં કર્મો ‘યાદ’ હશે તો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment