નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
અમારા અંબુ માસ્તરની કુંડળીમાં વાહનસુખ લખાયું હશે કે ‘વાહન દુઃખ’ તેની અમને ક્યાંથી ખબર હોય ? ટાંકલ ગામમાં રહેતા અંબાલાલ માસ્તર આમ તો રોજ સાઇકલ લઈને બાજુના ગામની નિશાળમાં ભણાવવા જાય. પણ દિવાળી વેકેશનમાં એમને ‘ટ્રેનસુખ’ પામીને સુરત શહેરમાં રહેતા એમના બનેવીને ત્યાં જવાનું થયું.
બસ. આ કહાણીની અસલી શરૂઆત ત્યાંથી જ થઈ ! બન્યું એવું કે એક સાંજે બન્ને કુટુંબો ત્યાંના એક આનંદમેળામાં મહાલવા ગયા.
અહીં વિવિધ મનોરંજનો ઉપરાંત એક ઇનામી લોટરી પણ ચાલી રહી હતી. પહેલું ઇનામ હતું એક સરસ મઝાની ધોળી, ગોરી સરખી એમ્બેસેડર કાર ! બીજાં, ત્રીજાં, ચોથાં વગેરે કુલ ૧૦૧ ઇનામો એ જમાનાના ‘લેમ્બ્રેટા’ સ્કૂટરથી માંડીને છેક પ્રેશર કૂકર, સ્ટીલનાં તપેલાં અને અગરબત્તીઓનાં સેટ સુધીનાં હતાં.
અંબુ માસ્તરની પત્ની બકુલાબેનના કહેવાથી માસ્તરે પણ એક ટિકીટ લીધી. હવે નસીબ જુઓ ! સાંજના છ વાગે શરૂ થયેલી ઇનામોની જાહેરાતના અંતે જ્યારે પહેલા ઇનામની જાહેરાત રાત્રે દસ વાગ્યાના સુમારે થઈ ત્યારે એ ઇનામ અંબુ માસ્તરની ટિકીટને લાગ્યું !
બન્ને કુટુંબો તો ગાંડા-ઘેલા થઈ ગયાં ! પણ સમસ્યાઓની લાંબી લંગારની શરૂઆત એ જ શુભ મુહુર્તમાં થઈ. આનંદમેળાના આયોજકે એમ્બેસેડરની ચાવી આપીને કહ્યું, ‘ગાડી તમારે આજે, હમણાં જ લઈ જવી પડશે, કેમકે આનંદમેળો આજે પુરો થાય છે ! એ પછી જો ગાડી અહીં પડી રહેશે સુરતની મ્યુનિસિપાલીટી આ મેદાનનું ભાડું માગશે !’
હવે આ બે જણામાંથી કોઈને કાર ચલાવતાં ક્યાંથી આવડતી હોય ? અંબુ માસ્તર મુંઝાયા. પણ બનેવીએ હિંમત રાખી. એ પહોંચ્યા સુરતના રેલ્વે સ્ટેશનના ટેક્સી સ્ટેન્ડે અને પકડી લાવ્યા એક ડ્રાઈવરને. ડ્રાઈવર માત્ર ૧૭૫ રૂપિયામાં (આજના હિસાબે ૧૭૫૦ રૂપિયા થાય) તૈયાર થયો.
જ્યાં આખેઆખી એમ્બેસેડર કાર અધધ ૨૦,૦૦૦ રૂપિયામાં મળતી હોય ત્યાં ૧૭૫ રૂપિયા તો નાળિયેર અને ફૂલહાર જેવા ગણાયને ? પણ ઊભા રહો, હજી બાકી છે…
ડ્રાયવરે ગાડી સ્ટાર્ટ કરીને હજી મેદાનની બહાર કાઢી ત્યાં તો ડચકું ખાઈને અટકી પડી ! બોનેટ ખોલીને, આમ તેમ સંશોધન કર્યા બાદ ડ્રાયવરે જાહેર કર્યું કે ‘ટાંકીમાં ડીઝલ જ ખલાસ છે !’
એ જમાનામાં સુરત જેવા શહેરમાં પણ રાતે અગિયાર વાગે કરફ્યુ જેવો સન્નાટો છવાઈ જતો હતો. એવામાં આ ‘ધોળી’નું પેટ ભરવાનું ‘પીણું’ ક્યાંથી લાવવું ?
ડ્રાયવર કાબો હતો. બન્ને કુટુંબનાં ભોળાં અને ગભરાયેલાં મોં જોઈને એણે નવો સોદો પાર પાડ્યો : ‘મને પચ્ચા રૂપિયા આપે તો મેં ચાલતો જેઈને ડિઝલનો કેરબો ભરીને લેઈ આવું.’
જે સમયે ભલે ડિઝલ દોઢ રૂપિયે લીટર હતું પણ આ બેમાંથી એકેય પાસે નાનું અમથું ‘લેમ્બ્રેટા’ કંપનીનું ટમટમિયું (મોપેડ) પણ હોય તો ભાવની ખબર હોય ને ? ખેર, ‘વ્હી હજ્જારની કાર મફટમાં મલટી છે ટો પચ્ચી રૂપિયા હામું કોણ જોયા કરે ?’ એમ કરીને એ પણ આપ્યા.
એ પછી સુરતથી અમારા ટંકાલા ગામ સુધીની સફર ખરેખર મજેદાર હતી ! એ વખતની એમ્બેસેડરમાં કચકચાવીને બેસો તો સાત જણાં સમાઈ જાય ! જ્યારે અહીં તો ડ્રાયવર સહિત માત્ર દસ જ થતાં હતાં ! અંબુ માસ્તરની પત્ની અને એમનાં બે છોકરાં, પ્લસ બેન-બનેવી અને એમનાં ત્રણ ! વાહ અંબુભાઈ વાહ !
જોકે રસ્તામાં ડ્રાઇવરે આ મઝામાંથી થોડી હવા કાઢી નાંખી. એણે પોતાના અનુભવથી કહ્યું, ‘હહરી કારને ખાલી નવું રંગરોગાન જ કરાવલું લાગે, બાકી ઓછામાં ઓછી દહ વરહ જુની છે ! આજની તારીખે ડહ હજાર હો કોઈનીં આપે !’
થોડીવાર માટે કારમાં જ કારનું બેસણું જેવું વાતાવરણ થઈ ગયું. પણ બકુલાબેન કહે, ‘ડહ અ’જાર તો ડહ અ’જાર ! આપડે હપનામાં હો કાં જાયેલા ? જલ્સા કરોનીં ?’
એમ કરતાં કરતાં ટાંકલ ગામે પહોંચતાં લગભગ સવાર પડી ગઈ. બરોબર સુરજ ઉગ્યો ત્યારે કારને નવેસરથી નવડાવીને એને ચાંલ્લા કર્યા, હારતોરા પહેરાવ્યા અને ડ્રાઇવરને પણ શીરો જમાડીને હાથમાં નાળિયેર પકડાવીને એસટી બસમાં વિદાય કર્યો ! ફળિયામાં તો અંબુ માસ્તરનો જયજયકાર થઈ ગયો !
અઠવાડિયા સુધી તો આજુબાજુના ગામેથી ઓળખીતાં પાળખીતાં અને સગાવ્હાલાં અંબુકાકાની નવી ‘ધોળી’ જોવા આવતાં રહ્યાં !
અરે ભાઈ, જ્યાં આખા તાલુકામાં માંડ કોઈને ત્યાં કાર હોય એવો એ જમાનો હતો ! ગામમાં ભૂલેચૂકે કોઈની કાર દાખલ થાય તો એની પાછળ પાછળ ઉડતી ધૂળમાં ગામનાં પચ્ચીસ ટાબરીયાં કિલકિલાટ કરીને દોડતાં હોય !
અહીં માસ્તર-પત્ની બકુલાના મનમાં ય હરખના હારડા લટકતા હતા કે ક્યારે મારો ધણી કાર લઈને ગામમાંથી નીકળે અને ક્યારે ગામનાં છોકરાં ‘ધોળી’ની ધૂળમાં નહાવાનો લહાવો લે !
આમ ને આમ પંદર દિવસ વીતી ગયા. અંબુ માસ્તરને ઘણી ઇચ્છા થાય કે ‘એની બેનને… કાર જાતે ચલાવતાં હીખી લેવા જોયે..’ પણ શીખવાડે કોણ ? એ સમયે ચીખલી-બિલીમોરા જેવા ટાઉનમાં પણ ‘ડ્રાઇવીંગ સ્કુલો’ ક્યાં હતી ?
છેવેટે બકુલાબેને હિંમત આપી કે ‘પેલો હુરતવાલા ડાયવર કેમ કરીને ચલાવતો ઉતો, તે યાદ કરીને ચલાવી જુવોનીં ? એમ કરતાં કરતાં આવડી જાહે !’
આખરે અંબુ માસ્તરે એક રવિવારે સાંજે સારું મહુરત જોઈને કાર સ્ટાર્ટ કરી ! એ સાથે જ ફળિયાનાં છોકરાં તો ઠીક, મોટાં પણ આ ‘વિજયયાત્રા’ જોવા આવી પહોંચ્યા હતા ! ડચકાં ખાતી કાર ઉપડી પણ ખરી !
અટ્ટે-ગટ્ટે ગિયર બદલતાં ઝાટકા ય લાગી રહ્યા હતા અને વચ્ચે વચ્ચે બંધ પણ પડી જતી હતી. છતાં અંબુ માસ્તરે ગામના ધૂળિયા રસ્તા ઉપર એમની ‘ધોળી’ને દોડતી કરી દીધી ખરી !
પણ નસીબ જુઓ ! કારની માંડ વીસ કિલોમીટરની ઝડપથી અંબુ માસ્તર જેટલા ઉત્સાહમાં હતા એનાથી ચાર ગણા ઉત્સાહમાં ગામનાં ટાબરિયાં અને જુવાનિયાઓ હતા ! એમનાં ગામ ગજવતા શોરબકોરમાં તળાવેથી પાછી ફરતી બે ત્રણ ભેંસો ભડકી !
ભડકેલી ભેંસો જોઈને અંબુ માસ્તર ગભરાયા ! જોરથી બ્રેક મારવાને બદલે એક્સીલરેટર ઉપર પગ દાબી બેઠા ! સરવાળે એક ભડકેલી ‘કાળી’ની ટક્કર અંબુ માસ્તરની ‘ધોળી’ સાથે થઈને જ રહી !
જોકે પેલી ‘કાળી’ ગબડી પડ્યા પછી થોડીવારે બેઠી થઈને જતી તો રહી પણ અંબુ માસ્તરને પગથી માથા સુધીની ધ્રુજારી પડી ગઈ ! છેવટે એમની વિનંતીને માન આપીને ટાબરિયાંઓએ ધક્કા મારીને ‘ધોળી’ને માસ્તરના ઘર પાસે પહોંચાડી !
એ પછી માસ્તરે મહાલક્ષ્મી માતાના સોગંદ ખાધા કે ‘અ’વે મેં આ ‘ધોળી’ને બાપ જન્મારામાં નીં ચલાવા ! હહરીને વેચી લાખવા પડે તો તેમ જ હારું પડે !’ પણ એમ કંઈ દસ વરસ જુની ‘અંબાસેટર’ને ખરીદનારા રેઢા પડ્યા હોય ?
બીજી બાજુ અંબુ માસ્તરની બૈરી બકુલાને તો કારમાં હરવા ફરવાના હરખ પુરા કરવાના બાકી જ હતા ! એવામાં ક્યાંકથી ખબર આવ્યા કે ‘નવસારીનો એક પારસી ઇન્ડિયા છોડીને લંડન જતો રેયલો છે. તેનો ડાયવર આપડા એંધલ ગામનો જ છે !’
આ બાજુ આપણા અંબુ માસ્તરનો પુરો પગાર પાંચસોને સત્તાવન રૂપિયા, છતાં બકુલાની જીદને લીધે પેલા ‘પારહીના ડાયવર’ને પુરા પંચાણું રૂપિયાના પગારે રાખવો પડ્યો ! હવે આ સેમી-અંગ્રેજ માલિકનો ડ્રાયવર તો ‘દોઢ-પારસી’ હતો. નામ ભલે હરિયો પણ પોતાને ‘હેરી’ કહેવડાવે !
એનાં નખરાં પણ કંઈ ઓછાં હતાં ? એંધલ ગામથી અહીં પોતાના જુના ‘લેમ્બ્રેટા’ બ્રાન્ડના ટમટમિયા ઉપર આવે. આવીને પહેલાં તો કપડાં બદલે ! સફેદ આર કરેલું પાટલૂન, ઉપર સોનેરી બટનવાળો કોટ અને માથે નેવીના કેપ્ટન જેવો ધોળો ટોપો ! પગમાં ચળકતા કાળા બૂટ પહેરતાં પહેલાં જાતે જ દસ મિનિટ લગી ‘પાલીસ’ કરે !
બકુલાનો તો આ જોઈને હરખ ના માય ! પણ અંબુ માસ્તરને મનોમન થયા કરે કે ‘એની બેનને… માલિક તો ડાયવર જ લાઇગા કરે ! મેં તો જાણે એનો નોકર !’ અને વાત પણ ખોટી નહીં… હેરી ડ્રાઇવર ચાલુ કારે અંબુ માસ્તરને સુચના આપે ‘હરખા બેહો, બારીમાં હાથ નીં મુકવાનો. આ કંઇ તમારી એસટી બસ નીં મલે !’
બકુલાએ તો ડ્રાયવરનો કસ કાઢવા માંડ્યો. દૂરનાં અને નજીકનાં ગામમાં જેટલાં પિયરવાળાં સગાં હતાં એમને ત્યાં ધણી અને બાળકો સહિત ‘કાર બટલાવવા’ જવાનું ! સગાંઓ કાર કરતાં ડ્રાઇવરના વખાણ વધારે કરે ! એમાં અંબુ માસ્તરનો જીવ બળી જાય !
ઉપરથી ‘હેરી’નાં નખરાં તો સાહેબના પણ સાહેબ જેવા : ‘જમવાનું તો મને ટેબલ ખુરશી પર જ ફાવે… ચાયમાં દૂધ નીં લાખવાનું… નવટાંક દારૂ હો જોઈહે… તમે ભાજીપાલો ખાયા કરો, મને તણ ઇંડાની આમલેટ કરી આપો… તમુંને મરઘી રાંધતાં જ નીં આવડે, પણ ચાલો, ખાઈ લેવા !’
આ બધી સાહેબી તો અંબુ માસ્તર નાછુટકે સહન કરી લેતા હતા પણ આ ‘હેરી ડાયવર’ માસ્તરના મિકેનિકલ અજ્ઞાનનો ફાયદો ઉઠાવીને ‘સાયલેન્સર સાફ કરાવવા પડવાનું, કારની ક્લચ-પ્લેટ બડલાવવા પડ હે, ગિયર બોક્સમાં રિપેરીંગ માંગટું છે…’ એમ જાતજાતનાં વાંધા ઊભા કરીને પોતે પૈસા મારી ખાવા લાગ્યો.
ત્રણ મહિના પછી હિસાબ ગણતાં અંબુ માસ્તરને સમજાયું કે જે ‘ધોળી’ની કિંમત દસ હજાર પણ આવે તેમ નથી એના ‘ધોળા હાથી’ જેવા ડ્રાઈવરે ત્રણ હજાર ચારસો ને બત્રીસ રૂપિયા (અને બાવન પૈસા પુરા)નો ચૂનો લગાડી દીધો હતો. પત્ની બકુલાને આખું અંકગણિત સમજાવ્યું, તે માનતી નહોતી, છતાં અંબુ માસ્તરે ઘરકંકાસનું જોખમ વહોરીને ‘હેરી’ને પાણીચું પકડાવી દીધું !
પણ હવે ? મહિનો માસ તો કાર 'ધૂળ ખાધા વિનાની' ઘર સામે જ પડી રહી. કેમકે પત્ની બકુલા પોતાનાં બાળકોને ના નવડાવે એટલા પ્રેમથી એમની ‘ધોળી’ને રોજ નવડાવતી હતી !
માસ્તર હવે આ ‘ધોળી’થી છૂટવા માગતા હતા. પણ એવા ઠાઠીયાને ખરીદે કોણ ? એવામાં જાણે ચમત્કાર થયો હોય તેમ બે વરસથી મસ્કત ગયેલો બકુલાનો ભાઈ પ્રવીણ ઉર્ફે ‘પવલો’ પાછો આવ્યો. એ મસ્કતમાં ટેમ્પો લઈને ચલાવતો હતો. એેણે જોરદાર ઓફર આપી.
‘બનેવીલાલ, મેં તમુંને દહ નીં પણ અગિયાર હજાર આપા ! પણ ટુકડે ટુકડે… ‘ધોળી’ને મેં ટેક્સીમાં કરી લાખા.’
આમ જોવા જાવ તો અંબુ માસ્તરને માટે ‘જા બિલાડી મોભામોભ’ જેવા ઘાટ હતો. પરંતુ સાળો મહા-ગિલિંડર હતો. બે ત્રણ વાર બસો પાંચસો આપી ગયો પછી તો જ્યારે આવે ત્યારે કંઈ ‘પોગરામ’ બનાવીને આવે :
‘ચાલો પોયરાંઓ, મહાલક્ષ્મીના મેળામાં જવાના !’ ‘બનેવીલાલ, રેડી થેઈ જાવો… આપડે દમ્મણ જવાના !’ ‘વલહાડમાં શોલે આવલું છે ! ચાલો જોવા જવાના !’
સાળો તમામ ખર્ચા બનેવીલાલ પાસે કરાવે અને ઉપરથી ઠાંસ મારે ‘જોયું ? મેં કેવો જલસો કરાઈવો !’
જોકે આ ‘ધોળી’ બલાથી અંબુ માસ્તરને આખરે છૂટકારો મળ્યો ખરો. થયું એવું કે એક દિવસ પોલીસે પવલાને મુદ્દામાલ સાથે ઝડપીને કલમ લગાડી કે ‘આ ગાડી તેં ચોરેલી છે !’
એ તો મોડેમોડે ખબર પડી કે ‘ચોરી’ની ફરિયાદ પેલા સુરતના આનંદમેળાવાળાએ જ કરેલી ! દર છ મહિને એની કાર આનંદમેળામાંથી ‘ચોરાઈ’ જતી હતી !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
શાહબુદિન ભાઈ જેટલી મજા કરાવી.
ReplyDeleteઆભાર વિપુલભાઈ !!
ReplyDeleteમોજ પાડી દીધી!
ReplyDelete