નવા જમાનાની મહેમાનગતિ !

અગાઉના ટાઈમમાં મહેમાનો આવે કે તરત આપણે કહેતા ‘આવો આવો… રસ્તામાં કંઈ તકલીફ તો નહોતી પડી ને ?’ પછી પાણી આપતા… વગેરે.

પણ હવેના નવા યુગમાં મહેમાનોની આગતા સ્વાગતા કરવાની રીત બદલાઈ ગઈ છે ! નોંધી લેશોજી…

*** 

મહેમાનો આવે કે તરત પૂછવું ‘ગુગલ મેપથી લોકેશન શોધવામાં કંઈ તકલીફ તો નથી પડી ને ?’

*** 

પાણી આપતાં પહેલાં અરજન્ટલી પૂછી લેવું ‘મોબાઈલ ચાર્જિંગમાં તો છે ને ? ના હોય તો એકસ્ટ્રા ચાર્જર આપું ? મહેમાનો માટે જ રાખ્યાં છે !’

*** 

પાણી બાણી આપ્યા પછી મહેમાનો જરા રિલેક્સ થાય કે તરત એમને તમારા ઘરના ‘વાઈ-ફાઈ’નો પાસવર્ડ આપી દેવો ! ખાસ કરીને યંગસ્ટર્સોને !

*** 

વડીલો સાથે વાતે વળગો એ પહેલાં ખાસ બે મિનિટ કાઢીને યંગસ્ટર્સના ખબર અંતર પૂછી લેવાં ‘કેમ છે બેટા ? ભણવાનું કેવું ચાલે છે ? મને ઓળખે છે કે ભૂલી ગયો ?’ વગેરે.

કેમકે એ પછી એ યંગ લોકો પોતપોતાના કાનમાં વટાણા ખોસીને મોબાઈલમાં ખૂંપી જવાના છે !

*** 

નાનાં બાળકોને ટીવીમાં વિડીયો ગેમ ચાલુ કરીને મોબાઈલો પકડાવી દેવાના ! સાથે હેડફોન અથવા બ્લુ-ટૂથ ઇયરપ્લગ આપી દેશો તો ગેમનો ઘોંઘાટ ‘ડિસ્ટર્બ’ નહીં કરે.

*** 

જોકે ચા-નાસ્તો વગેરે આવે ત્યારે તો બધાને ‘ડિસ્ટર્બ’ કરવા જ પડશે ! પણ એમાં એવું કરવાનું કે ગ્રુપ વિડીયો કોલ કરીને રીંગો મારતા રહેવું (મેસેજ તો નહીં જુએ.)

*** 

છેવટે જ્યારે મહેમાનો વિદાય લેતા હોય ત્યારે નાનાં બાળકોના હાથમાં એમની મમ્મીઓના મોબાઈલ પકડાવીને ૧૦૦-૨૦૦ રૂપિયા ઓનલાઇન સેન્ડ કરી દેવા !

*** 

અને ‘બાય… આવજો…’ વગેરે કરતી વખતે ખાસ પૂછી લેવું : ‘કોઈના ચાર્જરો રહી તો નથી જતાં ને ?’

***

- મન્નુ શેખચલ્લી

Comments