નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
***
યાદ છે, આપણે નાના હતા ત્યારે ભૂતના આત્માને બોલાવવા માટેની ગેઈમ રમતા હતા ? એમાં એક રીત એવી હતી કે ખાના પાડીને એમાં એબીસીડી લખતા, અને પેલું પ્રેત એની મેળે આપણી કૂકરી ખસેડીને ‘સ્પેલિંગ’ વડે જવાબ લખાવતું હતું !
જોકે અમારા કાંતલિયા ગામનાં છોકરાઓનું અંગ્રેજી સાવ કાચું એટલે એમણે બીજી રીત અપનાવેલી. એમાં એવું હોય કે સરસ રીતે હાથપગ ધોઈને, ત્રણ જણા એક પ્રાયમસને થાળી ઉપર ગોઠવે. પછી ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં પ્રાયમસ ઉપર હથેળીઓ મુકી રાખે…તો સાલું, પ્રાયમસની એક ટાંગ એની મેળે ઊંચી થતી હતી ! (આ પ્રયોગ તો મેં ખુદ કરેલો છે, ભલે સરકાર અંધશ્રધ્ધા વિરોધી કાનૂન લાવે !)
હવે વાત એમ હતી કે કાંતલિયા ગામમાં એક મોટી આંબલીના ઝાડમાં ભૂત થાય છે એવી વાતો ઉડ્યા કરતી હતી. કોઈ કહેતું કે ‘રાતના ટાઈમે તાંથી નીકળે તો હહરીનું કોઈ પછવાડી પછવાડી આઈવા કરતું લાગે !’ કોઈને વળી એવો અનુભવ થયેલો કે ‘એની બેનને… એવું અડ્ડાય (ચીસ પાટે) કે મૂતરાવી લાખે !’ અને કોઈનો દાવો હતો કે ‘એની માંયને (એની માને) મને તો બચકું હો ભરેલું !’
અમારા કાંતિયા ગામનાં પોયરાંઓએ પેલું પ્રાયમસવાળું કર્યું ત્યારે એક મિનિટમાં પ્રાયમસે ટાંગ ઊંચી કરી નાંખી ! એ જોઈને શરૂઆતમાં તો પોયરાંઓએ ખાતરી કરવા સાદા સવાલ કર્યા. જેમકે ‘મારી ઉંમર કેટલી છે ?’ તો જવાબમાંપ્રાયમસની ટાંગ એક… બે… ત્રણ… એમ કરતાં કરતાં સળંગ અગિયાર વાર થાળી ઉપર પછડાઈ ! બીજા પોયરાએ પૂછ્યું ‘મેં કયા ધોરણમાં ભણતો છે ?’ જવાબમાં પાંચ ટકોરા પડ્યા ! (સહી જવાબ !)
હવે પોયરાંઓ જરા રિસ્કી સવાલ પૂછવા લાગ્યા : ‘ભગુ ગોકળને કેટલાં બૈરાં છે ?’ જવાબ મળ્યો : ‘બે !!’ પોયરાંઓને મજા પડી ગઈ ! એ વધુ ઊંડા ઉતર્યા. ‘જીવલા કેશવનું બૈરું બાજુના ગામના શુક્કર નારણ હાથે ચાલુ છે, તે વાત હાચી કે ખોટી ? જો ખોટી ઓ’ય તો એક ટકોરો મારજે, ને હાચી ઓ’ય તો બે ટકોરા પાડજે !’
સાલું, પેલા જાણભેદુ પ્રેતાત્માએ બે ટકોરા પાડ્યા ! હવે તો પોયરાં બરોબરનાં ચગ્યાં ! જાણે ન્યુઝ ચેનલમાં ખતરનાક ખબરીનો એકસક્લુઝિવ ઇન્ટરવ્યુ ચાલતો હોય એવા સવાલો પૂછવા માંડ્યાં : ‘પેલા વિનુ માસ્તરની પોરી કેટલા પોયરા હાથે ચાલુ છે ?’ ‘ગામનો ઉતાર ભગલો કેટલી પોરીને ફેરવતો છે ?’ ‘બેચરકાકાનાં બે છોકરાંનો બાપ એ પોતે છે કે કોઈ બીજો ? પોતે ઓ’ય તો એક, નીં તો બે ટકોરા પાડજે !’
જ્યાં સુધી આ રમત માત્ર ગમ્મત હતી ત્યાં સુધી તો ઠીક હતું પણ જ્યારે આ પોંયરાઓએ ‘બિન અધિકૃત સ્ત્રોત’ વડે પ્રાપ્ત થયેલી માહિતીઓ આખા ગામમાં ફેલાવવા માંડી ત્યારે અમુક લોકોના પેટમાં ફાળ પડી ! બીજી તરફ અમુક લોકોને હજી મોટી મોટી પોલ ખોલવામાં રસ પડવા લાગ્યો.
એમણે પોયરાંઓને બોલાવીને કીધું. ‘અમારી નજર હાંમે તમારા ભૂતને બોલાવી બતલાવો ! અમે હો તેને સવાલ પૂછવાના ! જોયે તો ખરા, ભૂત કેટલુંક જાણતું છે ?’
પોયરાંઓએ આ વખતે દસ બાર મોટાંઓની હાજરીમાં પ્રેતાત્માને તેડું મોકલાવ્યું ! સૌના આશ્ર્ચર્ય વચ્ચે સાલું, પેલા પ્રાયમસની ટાંગ ઊંચી પણ થઈ ગઈ ! પરંતુ જેવા મોટા લોકોએ સવાલો પૂછવા માંડ્યા કે ‘ડાહ્યલો ડોહો તેની નહેરવાળી જમીન ખરેખર કોના નામે કરીને ગેલો ?’ ‘રણછોડ ચીમનાની ભેંસને છનિયા કુંવરજીના નોકરે ઝેર ખવડાવીને મારી લાખેલી, તે વાત હાચી કે ખોટી ?’ ‘ગામના સરપંચે તળાવના ખોદકામમાંથી પૈહા મારી ખાધેલા, વાત ખરી કેનીં?’
આવું બધું સાંભળીને પ્રાયમસ જાણે ગુસ્સામાં આવી ગયો હોય તેમ થાળી ઉપર ગોળ ગોળ ફરવા લાગ્યો ! અને પછી તો એની કમાન છટકી હોય તેમ ઉછળી ઉછળીને વાંકો-ત્રાંસો થઈને થાળી ઉપર પોતાની ટાંગો પછાડવા લાગ્યો !
છોકરાંઓ કહે ‘હહરીનું ભૂત ખિજવાઈ ગિયું લાગે !’ મોટાઓ કહેવા લાગ્યા : ‘ભૂત-બૂત કંઈ નીં મલે ! આ પોયરાં જ કંઈ જાદૂ હીખી લાવલાં લાગે…’ ખેર, જે હોય તે, પણ આખો કિસ્સો આજુબાજુનાં ગામડાંઓમાં ચર્ચાનો થઈ ગયો કે કાંતલિયા ગામમાં ખરેખર ભૂત થતું છે. સૌને હતું કે ‘હાહરીનું પેલું આમલીવારું જ ભૂત ઓહે, રે !’
આ બાજુ ‘લાઈવ ડેમોન્સ્ટ્રેશન’માં ફેઈલ થયેલાં પોયરાંઓ થોડાં નાસીપાસ થઈ ગયા. છતાં એક બે પોયરાંએ બીજાઓને સધિયારો આપવા માટે કારણ શોધી કાઢ્યું. ‘એ તો હહરાં મોટાં લોકને જોઈને બિચારું ગભરાઈ ગેલું ઓહે !’ બીજાએ અસલી કારણ શોધી કાઢ્યું હોય તેમ કહ્યું, ‘હહરીના, એવા અઘરા અઘરા સવાલ પૂછે તો ભૂતની છટકે જ કેનીં ?’
ટુંકમાં નક્કી થયું કે પ્રેતાત્માને ફરી નિમંત્રણ આપવામાં આવે. અને ખરેખર એ આવ્યું પણ ખરું ! આ વખતે પોયરાંઓએ ભોળા અને સાદા જ સવાલો પૂછ્યા : ‘મેં પાસ થવા કે નાપાસ?’ ‘મારા ગણિતમાં કેટલા આવહે ?’ ‘વિનુ માસ્તરની બદલી થેઈ જાહે કે ?’ ‘મારા ફળિયાવાળી રમલી મને લવ કરતી છે કે ?’ વગેરે.
પરંતુ એ પોયરાંઓમાં એક ધીરુ નામનો છોકરો હતો એને સરપંચના છોકરા સાથે મારામારીવાળો ઝગડો થયેલો. એણે પૂછી નાંખ્યું ‘તળાવના ખોદકામમાં સરપંચ પૈહા ખાઈ ગેલો છે તે વાત હાચી કે ? ખોટી ઓય તો એક, ને હાચી ઓય તો બે ટકોરા પાડજો, ભૂતભાઈ !’
અને ભૂતે ખરેખર બે ટકોરા પાડ્યા ! આ છટ્ઠા ધોરણમાં ભણતા ધીરીયાએ ધીમે ધીમે આ ખૂફિયા માહિતી ગામમાં ફરતી કરવા માંડી. વાત ઉડતી ઉડતી સરપંચ ગુણવંત નાથા પાસે પહોંચી. એમણે તાત્કાલિક પગલાં લીધાં !
સરપંચ ગુણવંત નાથાએ ચાર ગામ દૂર રહેતા ફેમસ ભૂવા ભૈરવને તેડાવ્યો. એમણે કહ્યું : ‘આ આંબલીના ઝાડમાં જે ભૂત છે તેને ગમ્મે તેમ કરીને ગામમાંથી કાઢ ! તને પંચાયત તરફથી રૂપિયા પાંસ્સો અપાવા, ને મારી તરફથી પુરા બે હજ્જાર !’
જે દિવસે ભૂવો આવ્યો એ સાંજે આખું ગામ તમાશો જોવા ભેગું થયું ! માત્ર અમારું ગામ જ નહીં, આજુબાજુના ગામમાંથી પણ ટોળેટોળાં વિના ટિકીટનો આ તમાશો જોવા આવી પહોંચ્યા !
સાંજે બરોબર સુરજ ડૂબવાના ટાણે ભૂવા ભૈરવે ધૂણી પ્રગટાવી.. પછી ડાકલાં વગાડતાં વગાડતાં સામે મૂકેલી બે ખોપડીઓમાંતી લોહી કાઢી બતાડ્યું ! લોકો તો તાળીઓનો ગડગડાટ કરવા લાગ્યા ! ભૂવો ભૈરવ વધારે તાનમાં આવ્યો. એણે ધૂણતાં ધૂણતાં એવા કંઇક મંત્રો ભણ્યા કે નીચે પાથરેલી અડદની ઢગલીઓ ઉપર મુકેલાં લીંબુ હવામાં ઉછળ્યાં !
‘ઓહોહો ! આહાહાહા !’ લોકોના આશ્ર્ચર્યનો પાર નહોતો. હવે ભૂવાએ આંબલીમાં રહેતા ભૂતને લલકાર્યો. ‘હહરીના… આ ઝાડવામાં હંતાઈને હું બેઠેલો ? તારી પછવાડીમાં છાંણ ઓ’ય તો આવ મારી હામે ! તને મારા બાટલામાં પુરીને ડુમ્મસના ડરિયામાં ડૂબકી નીં ખવડાવું તો મારું નામ ભૂવો ભૈરવ નીં મલે !’
એવામાં પેલી આંબલીની ડાળીઓ કંઈ વિચિત્ર રીતે ધ્રુજી ! અંદરથી એથી યે વિચિત્ર ચિત્કાર સંભળાયો ! અને ત્રીજી ક્ષણે તો જાણે ભૂવા ભૈરવને લકવો મારી ગયો હોય તેમ એ ભોંય ઉપર ચત્તોપાટ પડી ગયો !
ટોળામાં હાહાકાર મચી ગયો ! ‘ભૂત આઈંવું… હહરીનું ભૂત આઈવું જો !’ એમ કરતાંકને બધાં નાઠાં ! આ બાજુ ભૂવો ભૈરવ માંડ માંડ અડધા કલાકે બેઠો તો થયો પણ હવે એનામાં જરીકે જોશ રહ્યું નહોતું ! એ ચૂપચાપ એનો સામાન સમેટીને ચાલતો થયો.
પરંતુ ખરો ચમત્કાર તો એ પછી થયો ! બિચારા ભૂવા ભૈરવને સતત પાતળા ઝાડા થવા લાગ્યા ! દહાડે દહાડે એનું શરીર સૂકાતું ચાલ્યું ! બે મહિનામાં તો એનાં હાડકાં દેખાવા લાગ્યાં !
આ બાજુ કાંતલિયા ગામમાં આંબલીવાલા ભૂતની એવી જબરદસ્ત ધાક બેસી ગઈ કે દિવસના સમયે પણ ત્યાંથી એકલ-દોકલ પસાર થવાની હિંમત ન કરે.
જોકે આમાં સૌથી મોટું નુકસાન અમારા ગામને જ થયું. કેમકે એ આંબલી, જે સડકને કિનારે હતી, ત્યાંથી એસટી બસો પસાર થતી હતી. ભૂતના ડરથી એસટી બસના ડ્રાયવર કંડકટરોએ ડેપોમાં પૂછ્યા વિના રૂટ જ બદલી નાંખ્યો ! આના કારણે ગામલોકોએ બસ પકડવા માટે છેક ચાર કિલોમીટર દૂરના ચોથા ગામે જવું પડવા લાગ્યું.
આ એસટી બસનું જોઈને આજુબાજુના ગામના ટેમ્પોવાળા પણ રસ્તો બદલીને જતા થઈ ગયા. અને છેવટે તો ગામનાં ગાડાં પણ આંબલીથી આઘાં ચાલવા લાગ્યાં.
આમાં તો અમારા ગામની અને આજુબાજુના ત્રણ ગામની કરિયાણાની દુકાનોનો ધંધો અડધો થઈ ગયો ! આ બધી જફામાં ગામના માસ્તર વિનુભાઈને વિચાર આવ્યો કે ‘હોય ના હોય, આંબલીમાં કોઈ અવગતે ગયેલો આત્મા ફસાયેલો લાગે. જો એને મુક્ત કરવામાં આવે તો કદાચ -’
હવે પેલાં પોયરાંઓને ફરી હિંમત આવી. ફરી એકવાર નાહી ધોઈને ભગવાનનું નામ લઈને પ્રાયમસ ઉપર હથેળીઓ ધરી. અને વાહ ! પ્રાયમસે એક ટાંગ ઊંચી કરી ! છોકરાંઓએ પૂછ્યું ‘તું કોણ છે ?’
પણ એમ જવાબ થોડો મળે ? એટલે પોયરાંઓએ ફળિયાનાં નામ દઈને પૂછવા માંડ્યું. ‘તું કુંભાર ફળિયાનો ? સુથાર ફળિયાનો ? સોની ફળિયાનો ?’ આમ કરતાં કરતાં ગામનાં તમામ ફળિયાનાં નામ પતી ગયાં ! હવે ?
પેલા છઠ્ઠા ધોરણમાં ભણતા ધીરુને નવો જ સવાલ સૂઝ્યો : ‘તું માણહ છે કે જનાવર ? જો માણહ હોય તો એક, નીં તો બે ટકોરા પાડજે !’
અને જુઓ ! પ્રાયમસે બે ટકોરા પાડ્યા !
હવે પોયરાં જોશમાં આવી ગયાં. ‘તું કોણ જનાવર છે ? તારું નામ આવે તો ટકોરા મારજે !’ બોલ… તું બલિયો છે ? (બળદ) ગાય છે ? ભેંસ છે ? પાડો છે ? બકરી… બકરો… મરઘો… મરછી… એમ કરતાં જેવું ‘કૂતરો’ નામ પડ્યું કે તરત પ્રાયમસની ટાંગે થાળીમાં ‘ટન્ન’ કરતો ટકોરો માર્યો !
‘અરે, આ તો આપણો લાલિયો !’ પોયરાંઓ ઉછળી પડ્યાં.
આ એ જ લાલિયો કૂતરો હતો જે ગામનાં નાનાં મોટાં છોકરાંઓને ખુબ જ પ્રિય હતો… એક દિવસ ભૂલથી એસટી બસની અડફેટે આવીને, બરોબર પેલી આંબલી પાસે જ મરી ગયો હતો !
આ વાત પહોંચી ભૂવા ભૈરવ પાસે… એણે કહેવડાવ્યું ‘કોઈ હારા બામણને લેઈને ચાણોદ જાવો અને લાલિયાનું હરાદ (શ્રાધ્ધ), હરાવો… (સરાવો) કદાચ છે ને, હારાં વાનાં થેઈ હો જાય, જો !’
પછી તો શું ! ખુદ ભ્રષ્ટ સરપંચે બ્રાહ્મણને તેડાવ્યો, દસ પંદર જણા સાથે સૌ રાજપીપળા પાસે આવેલા ચાણોદ ગામે ગયા. પુરેપુરી વિધિ કરીને પાછા આવ્યા.
કહે છે કે એ પછી પોયરાંઓએ બહુ કોશિશ કરી, પણ પેલા પ્રાયમસની ટાંગ ઊંચી થઈ નહીં ! લોકો એવું પણ કહે છે કે શ્રાધ્ધવિધિ કર્યા પછી ‘પેલી આંબલીને તો નવાં પાન આઈવાં, જો !’
અને હા, પેલા ભૂવા ભૈરવનું શું થયું ? તો કહે છે કે એનું ધોવાઈને પાતળું થઈ ગયેલું શરીર તો પાછું ભરાયું જ નહીં, પણ હા, એને પાણી જેવા જે ઝાડા થતા હતા તે બંધ થઈ ગયેલા !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
ગાય છે..કે ભેંહ ? એ ભૈરવને તો મેં હો જોયલો! મસ્ત મસ્ત લેખ. बरो मझो आयो बाबा,बरो मझो आयो।,(सिंधी) જીવતો રે' જે જેઠ મહિના હૂધી...[ કઇ સાલનો જેઠ મહિનો તે અદ્રષ્ય]
ReplyDelete