આજના નવા ડિજિટલ યુગમાં હવે નવા શબ્દો આવી રહ્યા છે. જે વડીલો હજી ‘ક-ખ-ગ’ વાળા ટાઈમઝોનમાં ફ્રીઝ થઈ ગયા છે એમના જ્ઞાન માટે પ્રસ્તુત છે કેટલાક નવા શબ્દો…
***
નો-મો-ફોબિયા :
પોતાનો મોબાઈલ ક્યાંક પડી જાય, ખોવાઈ જાય કે માંડ દસ મિનિટ માટે પોતાની પાસે ના હોય ત્યારે નવી જનરેશનને જે ફાળ પડે છે કે ‘ઓહ નો ! નો મોબાઈલ ? ઓહ ગોડ !!’ એને કહે છે ‘નો-મો-ફોબિયા.’
***
સેલ્ફીયર :
સંધિ છૂટી પાડીને લખીએ તો ‘સેલ્ફી-ફિયર’ યાને કે… ‘હાય હાય..! મારી સેલ્ફી કેમ સારી નથી આવતી ?’ એવો જે ડર મનમાં ઘૂસી જાય છે તેને કહેવાય ‘સેલ્ફીયર’.
***
ટ્રોલરન્સ :
અહીં બે શબ્દો છે ‘ઇન્ટ્રોલરન્સ’ અને ‘ટ્રોલરન્સ’. જેમાં સોશિયલ મિડીયામાં જે ‘ટ્રોલર’ નામની નવી પ્રજા ખાઈ-પીને તમારી પાછળ વાહિયાત અને ગંદી કોમેન્ટો કરવાનો ‘વિના-પગારનો’ ધંધો લઈને બેઠી છે તેને તમે ક્યાં સુધી સહન કરી શકો છો ? જો નથી કરી શકતા તો તમારામાં ‘ઇન્ટ્રોલરન્સ’ બહુ છે. અને જો તમે પરવા જ નથી કરતા તો તમારામાં ઘણું ‘ટ્રોલરન્સ’ છે, ટોપા !
***
લાઈકો-મેન્ટેન્ઝાઈટી :
આની પણ સંધિ છૂટી પાડતા સમજાઈ જશે ! લાઈક-કોમેન્ટ-એન્ઝાઈટી… મતલબ કે હજી તો હમણાં ફેસબુકમાં કંઈ મુક્યું છે. છતાં દસ-દસ સેકન્ડે ખોલી ખોલીને જોવાનું મન થયા કરે કે ‘કેટલી લાઈક આવી ? કેટલી કોમેન્ટ આવી ? કેમ હજી કોઈએ પોસ્ટ જોઈ નથી ? નેટવર્ક ખરાબ તો નહીં હોય ? મારો મોબાઈલ બગડી તો નહીં ગયો હોય ? એવા તે શું બિઝી થઈ ગયા છે બધા નવરીનાઓ ?’ વગેરે.
***
ઇમોજીનિયા :
ટુંકમાં, ઇમોજી-મેનિયા ! આવી પ્રજાને એ-બી-સી-ડીમાં કંઈ ફાવતું જ નથી. આપણી દસ દસ ઈંચ લાંબી પોસ્ટ નીચે એ નીંભર લોકો ઊંચો અંગૂઠો, નીચો અંગૂઠો, દિલ, પતંગિયું, પીપૂડી, પોપટ કે સત્તાવીસ જાતનાં ડાચાં જ મુકતા હોય છે… સાવ અભણ પ્રજા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment