અમુક સમાચારો અને અમુક ઘટનાઓ વિશે વાંચ્યા પછી અમારી ખોપડીના પાછળના ભાગમાં અચાનક ખંજવાળ ઉપડે છે અને વિચાર આવે છે કે, ભૈશાબ આવું, કેવું ? જુઓ...
***
કોલકતામાં મમતા બેનરજી પાંચ પાંચ દિવસ સુધી લાઇવ સ્ટ્રીમિંગ સાથે ડોક્ટરોને મળવાનો ઇન્કાર કરતાં રહ્યાં… અને આ બાજુ દિલ્હીમાં સુપ્રીમ કોર્ટમાં પણ કપિલ સિબ્બલે કોર્ટનું લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરવાની માગણી કરી !
ભૈશાબ, આવું કેવું ?
***
થોડાં વરસ પહેલાં કંગના રાણાવતની ઓફિસ ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું, ત્યારે નહીં, પણ તાજેતરમાં આંધ્ર પ્રદેશ, યુપી અને ગુજરાતમાં ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ચાલ્યાં ત્યારે જ કેમ સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ મુકવાનો ‘ન્યાય’ સુઝ્યો છે ?
ભૈશાબ, આવું કેવું ?
***
રશિયાથી સમાચાર છે કે ઘટતી જતી વસ્તી વધારવા માટે પુતિન સાહેબ કહે છે કે ઓફિસમાં લંચ બ્રેક અથવા કોફી બ્રેક વખતે સેક્સ કરો ! અરે સાહેબ, જે પતિ પત્ની અલગ અલગ ઠેકાણે નોકરી કરતાં હોય એમણે શું કરવાનું ? ટેક્સી કરીને જવાનું ? ફટાફટ ?
ભૈશાબ, આવું કેવું ?
***
લેબેનોનમાં જે આતંકવાદી હિજબૂલ્લા સંગઠનના સભ્યો હતા એમનાં એક હજાર જેટલાં પેજરો બોમ્બની જેમ ફાટ્યાં ! અલ્યા, સ્માર્ટ ફોનના જમાનામાં આ લોકો જુના જમાનાનાં પેજરો કેમ વાપરતા હતા, એ તો કહો ?
ભૈશાબ, આવું કેવું ?
***
જે વિકીપિડીયામાં સામાન્ય માણસ કોઈ માહિતી અપલોડ કરવા માગે તો તે સાત ગળણે ગાળ્યા પછી જ પ્રકાશિત થાય છે, એ જ વિકીપિડીયા કોલકતા રેપ-મર્ડર પિડીત યુવતીનું નામ અને ફોટો હટાવવા માટે ઠાગાઠૈયા કરી રહ્યું છે ! જે ખરેખર તો ભારતીય કાનૂનની વિરુદ્ધ છે, છતાં !
ભૈશાબ, આવું કેવું ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment