થોડા દિવસ પહેલાં સંવત્સરી ગઈ ત્યારે સૌએ એકબીજાને ‘મિચ્છામિ દુક્કડમ’ પાઠવીને માફી માગી. આમાં આપણી ભાવના તો ખરેખર સાચી હોય છે. પણ વિચારો… જાહેર જીવનમાં જેણે ખરેખર માફી માગવી જોઈએ એમાંથી કેટલાએ માફી માગી ?
***
સૌથી પહેલાં તો મોદી સાહેબને જ યાદ કરો. છેલ્લાં આટલાં વરસોમાં એમણે માત્ર એકવાર માફી ક્યારે માગી ?
જ્યારે મહારાષ્ટ્રમાં શિવાજી મહારાજનું પૂતળું ગબડી પડ્યું ત્યારે !
***
ગુજરાતમાં આટઆટલા કાંડ થયા… મોરબી કાંડ, હરણી કાંડ, રાજકોટમાં ગેમિંગ ઝોન કાંડ અને છેલ્લે વડોદરામાં પૂર કાંડ… પણ શું કોઈ નેતાએ માફી માગી ?
***
આપણી પાસે દર વરસે રોડ ટેક્સ લે છે, વાહન ખરીદતાંની સાથે જ રોડનો ટેક્સ ઉમેરાઈ જાય છે, છતાં સતત વરસો લગી રોડમાં મોટા મોટા ખાડા પડતા જ રહે છે… એ માટે કોઈ નેતા, અધિકારી કે કોન્ટ્રાક્ટરે માફી માગી ?
***
‘નીટ’ની પરીક્ષામાં આટ આટલા ગુનેગારો પકડાયા. હજારો વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા… છતાં કોઈપણ જવાબદાર વ્યક્તિએ માફી માગી ?
***
તૂટી ગયેલા, તણાઈ ગયેલા અને ખખડી ગયેલા પુલોની તો વાત જ ના કરતા ! એ બધા પુલોનું ખાતમુહુર્ત અને ઉદ્ઘાટન કરનારાઓ નેતાઓએ કદી માફી માગી ?
***
છેલ્લા દસ-બાર વરસમાં તો ફેક-ન્યુઝની ભરમાર થઈ છે. એમાંથી અડધો અડધ ન્યુઝ સાવ ખોટા હતા એવું સાબિત પણ થઈ જાય છે… છતાં કોઈએ એના માટે માફી માગી ? બોલો.
***
હા, પુરુષોત્તમ રૂપાલા નામના એક નેતાએ જાહેરમાં ત્રણ વાર અને ખાનગીમાં કંઈ કેટલીયે વાર માફી માગી !!
પણ શેના માટે ? ચૂંટણીમાં સજ્જડ હારથી બચવા માટે !
***
બાકી, જનતા જનાર્દન ખરેખર ઉદાર છે ! વડોદરામાં જ્યારે નેતાઓ આવે છે ત્યારે લોકો જ હાથ જોડીને કહે છે : ‘માફ કરો ભાઈ, આગળ જાવ, આગળ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment