સરકારી સિસ્ટમની વારતા !

એક ધનિક મહિલાએ હોટ એર બલૂનની રાઈડ લીધી. પણ બલૂન ઉડતું ઉડતું ભલતી જ દિશામાં પહોંચી ગયું. એમાંથી હવા નીકળી રહી હતી.

છેવટે તે એક સુમસામ વિસ્તારમાં જમીનથી ૩૦ ફૂટ ઊંડે ઊંચે લટકતું અટકી ગયું ! મેડમે નીચેથી પસાર થતા એક ગામડીયાને પૂછ્યું :

‘હું ક્યાં છું ?’

ગામડીયાએ કહ્યું, ‘તમે રામપુર ગામની સીમમાં છો.’

‘હા, પણ રામપુર ગામ ક્યાં છે ?’

‘અહીં નજીકમાં જ !’

મેડમ ચીડાઈ ગયાં. ‘આ તે કંઈ જવાબ છે ? તું ડફોળ ગામડીયો લાગે છે !’

એટલામાં ત્યાંથી એક પેન્ટ-શર્ટ-ટાઈ પહેરેલો માણસ બાઈક પર જતો દેખાયો. મેડમે તેને પૂછ્યું : ‘હું ક્યાં છું ?’

પેલા માણસે મોબાઈલ કાઢીને કંઈક ગણત્રીઓ માંડ્યા પછી કીધું : ‘મેડમ, તમે જમીનથી ૩૦ ફૂટ ઊંચે છો, જે સ્થાન ૨૧.૪૦ ઉત્તર અક્ષાંશ અને ૭૧.૯૯ પશ્ર્ચિમ રેખાંશ પર આવેલું છે. જ્યાં પવનની ગતિ માત્ર પાંચ કિ.મી. છે અને સમય સાંજના ૫.૨૨નો થયો છે !’

મેડમ પહેલાં તો અકળાયાં ! પછી કહે છે : ‘શું તમે કોઈ સરકારી એક્સ્પર્ટ છો ?’

‘હા, તમને શી રીતે ખબર ?’

‘કેમકે તમે આપેલી માહિતી સાચી છે, ચોક્કસ છે, ખૂબ અટપટી છે, છતાં મારે કોઈ જ કામની નથી !’

હવે નીચેવાળો અકળાયો. તેણે કહ્યું, ‘મેડમ, તમે કોઈ સરકારી કંપનીના મેનેજમેન્ટમાં છો ?’

‘હા, તમે શી રીતે જાણ્યું ?’

‘કેમકે તમે ક્યાં છો, ક્યાંથી આવ્યા, ક્યાં જઈ રહ્યા છો એની તમને જરાય ખબર નથી. છતાં તમને એમ જ છે કે તમારી નીચેવાળા જ એના માટે જવાબદાર છે ! ઉપરથી, સામાન્ય પ્રજા શું કહે છે એ તમારે સાંભળવું જ નથી !’

એવામાં એક માણસ કાર લઈને આવ્યો. તેણે કહ્યું, ‘મેડમ, તમે બલૂનને નીચે ઉતારી દો. હું તમને તમારા ઘરે પહોંચાડી દઈશ. ફક્ત ૨૫૦૦૦ રૂપિયા થશે.’

મેડમ તરત જ નીચે આવી ગયાં. પેલાએ તેમને કારમાં બેસાડીને ઘરે પહોંચાડ્યા. પણ એમાં ફક્ત પચ્ચીસ જ કિલોમીટર થયા !

મેડમે પૂછ્યું, ‘તમે છો કોણ ?’

પેલો કહે છે ‘હું સરકારી કોન્ટ્રાક્ટર છું ! હોટ એર બલૂન ઉડાડવાનો કોન્ટ્રાક્ટ દર વખતે મને જ મળે છે ! અને હું જ બલૂનમાં કાણાં પાડી રાખું છું !’

***

- મન્નુ શેખચલ્લી

Comments