ક્યારેક અમુક સમાચારો એવા આવી ચડે છે કે એમાં ‘મમરો’ મુક્યા વિના રહેવાતું નથી ! જુઓ નમૂના…
***
સમાચાર :
મ્યામારની સરહદેથી ૩૦૦ આતંકવાદીઓ મણીપૂરમાં ઘૂસી આવ્યા છે.
મમરો :
અચ્છા ? એ ૩૦૦ હતા એ શી રીતે જાણ્યું ? ગણ્યા ત્યારે ખબર પડી ? અને જો ગણ્યા, તો એ જ વખતે રોક્યા કેમ નહીં ?
***
સમાચાર :
‘વન નેશન વન ઇલેક્શન’ના પ્લાનને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.
મમરો :
જોજો આમાં છેતરાતા નહીં ! અગાઉ આ લોકોએ ‘વન નેશન વન ટેક્સ’નું ચલાવ્યું હતું. પણ છતાં આજે ઇન્કમટેક્સ, રોડ ટેક્સ, ટોલ ટેક્સ, કેપિટલ ગેઇન ટેક્સ, ગિફ્ટ ટેક્સ, એકસાઇઝ, વેટ… બધું જ છે ને !
***
સમાચાર :
આજકાલ જુની ફિલ્મો રિ-રિલિઝ થઈને હિટ થઈ રહી છે.
મમરો :
એ તો થવાનું જ હતું ! જુઓ, રાહુલ ગાંધી પંદરમી વખત રિ-રિલિઝ થયા પછી હિટ થઈ ગયા કે નહીં ?
***
સમાચાર :
અમેરિકાએ ખાલીસ્તાની આગેવાનોને ખાત્રી આપી છે કે અમેરિકામાં તેઓ સલામત રહેશે !
મમરો :
આ સાંભળીને અલ-કાયદા અને લશ્કર-એ-તોયબાના સભ્યો પણ અમેરિકામાં જઈને રહી પડવાનું વિચારી રહ્યા છે !
***
સમાચાર :
મમતા બેનરજીએ ઝારખંડથી આવતી ટ્રકોને પ.બંગાળની બોર્ડર પર અટકાવી દીધી. કેમકે ઝારખંડના ડેમમાંથી છૂટેલા પાણીમાં પ.બંગાળનાં ગામડાંઓમાં પુર આવી ગયું.
મમરો :
અભિનંદન મમતાજી ! ભારતનાં રાજ્યો વચ્ચે નવી નવી બોર્ડરો બનાવવાની પહેલ તો તમે જ કરી શકો !
***
સમાચાર :
ચંદ્રબાબુ નાયડુ કહે છે કે તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જે ઘી વપરાયું તેમાં પશુની ચરબી અને માછલીનું તેલ હતું !
મમરો :
લો બોલો, અત્યાર સુધી આપણે એમ માનતા હતા કે નકલી ઘી એટલે ‘વેજિટેબલ’ ઘી… પણ આ તો નવું નીકળ્યું… ‘નોન-વેજ’ ઘી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment