ઝીણાકાકાની પૂનમનો 'પપલતો' ચાંદો !


નવી શ્રેણી… ઝાંઝવું નામે ગામ

‘મને એક જ્યોટિસે કીધેલું કે તુ જે દા’ડે મરી જાહે તે દા’ડે આકાસમાં પૂનમનો ચાંડો (ચાંદો) પપલતો (ચળકતો) ઓહે. ને નીચે ઢરટી (ઘરની) ઉપર, ટારી  ચિટામાં આગ લપલપટી ઓહે…’

આવું ૬૭ વરસનો ઝીણોકાકો વારેઘડીએ છાતી ઠોકીને કહેતો હતો ! છાતી ઠોકીને એટલા માટે કે ઝીણાકાકાને ઓલરેડી બબ્બે હાર્ટ-એટેક આવી ચૂક્યા હતા છતાં એ જીવતા હતા. એમને તળેલું ફરસાણ ખાવાનો પણ એટલો જ શોખ અને નોન-વેજ ખાવાનો પણ એટલો જ શોખ. ઉપરથી જો બાટલી મળે તો ‘ઢરતી પર સ્વર્ગ આઇવું જો !’ એમ કહીને નાચે !

ટુંકમાં બબ્બે હાર્ટ-એટેકની વોર્નિંગ છતાં ઝીણોકાકો ખાવા કે પીવા બાબતમાં કોઈની સલાહ માને નહીં. હા, એટલું જ કે જો પૂનમની તિથી નજીકમાં હોય તો જરા સાચવે કે ‘એની બેનને.. મેં મરી-બરી ગિયો તો ?’

પરંતુ જે દિવસે ઝીણોકાકો કનુ કમ્પાઉન્ડર, ગનુ ગેરેજવાલો ને ભગુ ભમરી ઉપરાંત રમણ, ભીખો અને રાકેશ જેવા જુગારીઓ સાથે પત્તાં રમવા બેઠેલો, તે દિવસે સાંજે તેરસ હતી. જોકે આ છમાંથી એકેયને પંચાગ જોવાની કદી જરૂર જ નહોતી પડતી એટલે એ લોકોને ખબર જ નહોતી કે આ તેરસ પછી ચૌદસ છે જ નહીં, અને રાત્રે દસેક વાગ્યા પછી સીધી પૂનમ છે !

આ બાજુ પત્તાંના જુગાર સાથે ચીખલી ચાર રસ્તાનાં ફેમસ માંમણા (મટન ખીમા), દમણથી મંગાવેલો દારૂ અને ઝીણાકાકાની બીજી બૈરીએ બનાવી આપેલાં કંદના ભજિયાંની મહેફિલ ચાલી રહી હતી. જોકે ઝીણાકાકાની બંને બૈરીઓને આવી દારૂડિયાઓની મહેફિલ ઘરમાં થાય તે પસંદ જ નહીં એટલે આ બધું ચાલી રહ્યું હતું. ગનુ ગેરેજવાલાના ગેરેજમાં !

આમ જોવા જાવ તો રાતના દસ તો વાગી જ ચૂક્યા હતા અને પૂનમનો ચાંદો આકાશમાં ‘પપલાવા’ જ લાગેલો હતો પરંતુ એનો અંદાજ આ ઝીણાકાકા ઉપરાંત બીજા કોઈને પણ હતો નહીં. અને પછી જે બન્યું તે પેલા જ્યોતિષીની ભવિષ્યવાણી જેવું જ બન્યું !

બન્યું એમ, કે સળંગ સાત બાજીથી ઝીણાકાકાને સાવ ફાલતુ પત્તાં આવી રહ્યાં હતાં પણ આ આઠમી બાજી હાથમાં લઈને ધીમેથી એનાં પત્તાં ખોલતાં જ એમના હાર્ટને નાનકડો એટેક આવી ગયો ! કેમકે હાથમાં ત્રણ રાણીનો ‘ટ્રાયો’ હતો !

પરંતુ એટલા અમથા સુખદ આઘાતથી કંઈ ઝીણોકાકો મરતો હશે ? જોગાનુજોગે સામે બેઠેલો ગનુ ગેરેજવાળાના હાથમાં ત્રણ બાદશાહનો ટ્રાયો હતો ! પછી તો શું, ચાલ ઉપર ચાલ ચાલતી રહી… રૂપિયાની નોટનો ઢગલો થતો રહ્યો… 

અને છેલ્લે બચ્યાં બે જ ખેલાડી. એક ઝીણો કાકો અને બીજો ગનુ ગેરેજ. બંને પોતપોતાનાં પાનાં ઉપર મુસ્તાક ! છેવટે બંનેએ બીજાઓ પાસેથી લઈ લઈને પણ રૂપિયા બાજીમાં લગાડી દીધા પછી દાવ મુકવાનું કંઈ બચ્યું જ નહોતું એટલે ‘શો’ કરવો પડ્યો.
શો થતાં જ ઝીણાકાકાને બીજો માઈલ્ડ એટેક આવી ગયો !

કેમકે વચમાં જે રૂપિયાનો ઢગલો પડ્યો હતો તે ગનુ ગેરેજવાળો ઘુંટણીયેથી ઊંધો પડીને બંને હાથે સમેટી રહ્યો હતો. ઝીણોકાકો જોઈ રહ્યો હતો અને દાંત ભીંસી રહ્યો હતો કે ‘એની બેનને… જો આ જ બઢા રૂપિયા લેઇ ગિયો ટો આખી રાટ આપડે કરવાના હું ? અ’જુ ટો દમ્મણવારાં બે બાટલાં બાકી !’

પરંતુ દાંત ભીંસતાં ભીંસતા ઝીણાકાકાની ઝીણી નજર ગનુ ગેરેજવાળાના પેન્ટની પાછળના ભાગે પડી ! અહીં ગનુનું ટી-શર્ટ ઊંચું થઈ જવાને કારણે પેન્ટમાં ખોસેલું એક પત્તું ડોકાઈ રહ્યું હતું ! ઝીણો કાકો ઉછળ્યો ‘ટારી ટો… અ’મણાં કેઉં ટે ? આ ટારી પછાડી કયું પટ્ટું ખોહી રેલો, ગનિયા ?’

ગનુ ગેરેજવાળો અડધી ક્ષણમાં સમજી ગયો કે આ તો આખો દલ્લો હાથથી જવાનો ! એટલે બીજા ખેલીઓ હજી કંઈ સમજે એ પહેલાં તે ઝીણાકાકા ઉપર ત્રાટક્યો. ‘હહરીના ? હારવાનો વારો આઈવો એટલે મને ચીટર કે’તો છે?’ એમ કરીને તેણે ઝીણાકાકાને માર્યો ધક્કો…

બસ, એની બીજી ક્ષણે જાણે પેલા જ્યોતિષીની ભવિષ્યવાણી સાચી પડવાની હો તેમ, ઝીણોકાકો ગબડ્યો… અને એનું માથું અથડાયું પાછળની બાજુએ ગેરેજમાં પડી રહેલા એક લોખંડના હથોડા ઉપર ! ઝીણાકાકાએ ‘ઓ મરી ગિયો રે…’ એવી ચીસ પાડી અને ખરેખર…

‘હહરીનો, આ તો હાચેહાચ મરી ગિયો લાગે !’ થોડી વાર પછી જ્યારે ડોળા ચડાવી ગયેલો ઝીણોકાકો એની જાતે બેઠો ના થયો ત્યારે નશામાં ધૂત થઈ ચૂકેલા કનુ કમ્પાઉન્ડરે ઝીણાકાકાની નાડી તપાસીને કીધું : ‘આ ઝીણોકાકો તો ગિયો !’

હવે ? બાકીનાં પાંચેય જણા ગભરાયા !

થોડીવાર સુધી તો કંઈ સમજ જ ના પડી કે આ શું થઈ ગયું ? પછી ધીમે રહીને કોઈક બોલ્યું ‘હહરીની પોલીસને ખબર પડહે તો આપડે ભેરવાઈ પડવાના…’ 

બીજાએ કહ્યું ‘પોલીસને કાંથી ખબર પડવાની ? હહરીના, તું કે’વા જવાનો કે ?’ 

ત્રીજાએ કહ્યું ‘આપડે આ ઝીણાકાકાનાં ઘેરવાળાંને બોલાવીને કે’ઈએ કે આ તો બાજીમાં તોણ-તોણ (ત્રણ-ત્રણ) રાણી આઈવી એમાં હાર્ટ એટેક આઈવો લાગે !’ 

ચોથો બોલ્યો ‘એમ થોડી માનવાનાં ? આપડે એમ કે’વા પડે કે ગનુ ગેરેજવાલાને ત્રણ બાશ્શા નીકઈડા, એમાં જે આઘાટ લાઈગો !’

આ બધું ચાલી રહ્યું હતું ત્યાં કનુ કમ્પાઉન્ડર બોલ્યો : ‘હહરીનાઓ, ચૂપ મરો ! ઝીણાકાકાનાં ઘેરવાલાંને બોલવવામાં માલ નીં મલે.. આ જુવો, કાકાના માથા પછાડીથી (પાછળથી) લોહી નીકળી ચાઈલું !’

સાલો, આ સીન તો ઔર ખતરનાક હતો ! હવે તો આખી જુગાર મંડળી ટેન્શનમાં આવી ગઈ. એવામાં ભગુ ભમરીને વિચાર આવ્યો. ‘એક કામ કરોનીં, હૌથી પેલ્લાં ઝીણાકાકાને સમશાને લેઈ જેઈને કૂટી બાળો… પછી હૌ થેઈ પડહે !’

કનુ કમ્પાઉન્ડરને પણ આ આઇડિયા ગમી ગયો. ‘એ જ હારું પડવાનું ! પોલીસ-બોલીસનું લફરું જ નીં ! ઓ ગનિયા, તારા ગેરેજની બહાર ટેમ્પો પડેલો છે તે કોણનો છે ?’

‘ઘરાકનો જ છે !’ ગનુને ગેડ બેસી ગઈ. ‘ચાલો, ઝીણાકાકાને ઉંચકીને લાખો ટેમ્પામાં…’

સાડા ચાર બાટલીઓ પેટમાં ઉતારી ચૂકેલા દારૂડીયાઓએ ઝીણાકાકાને જેમતેમ ઉંચકીને ટેમ્પામાં નાંખ્યા. એ જ વખતે ભીખાની નજર આકાશમાં પડી ! એ બોલ્યો : ‘આહાહા… આજે તો પૂનમની રાત લાગે જો ! જુવોનીં, આકાસમાં ચાંદો કેવો પપલ્યા કરે !’

આહા ! એ જ ઘડીએ પાંચેય દારૂડીયાઓને લાઇટ થઈ ! ‘આ તો હહરીની ભવિષ્યવાણી હાચી પડી જો !’

આ જબરદસ્ત ‘મેચિંગ’ જોગાનુજોગ જોઈને કનુ કમ્પાઉન્ડરે ઝીણાકાકાના મોત પાછળની ‘સ્ટોરી’ બનાવી કાઢી. ‘આપડે એમ કે’વાનું કે ઝીણાકાકાની અંટિમ ઇચ્છા ઉતી કે ઉપર પૂનમનો ચાંદો પપલતો ઓય, ને નીચે એમની ચિતામાં આગ લપલપતી ઓય… એ જ રીતે એવણનુ મોત આવે ! એટલે, હવાર લગી રાહ જોયા વિના, ને હગાં વ્હાલાંને બોલાઈવા વિના, આપડે ઝીણાકાકાને ડાયરેક્ટ સમશાનમાં…’

‘લેઈ ચાઈલા !!’ બાકીના ચારેયે સામુહિક ટાપસી પુરાવી દીધી.

ગનુ ગેરેજવાળાનો ટેમ્પો ઉપડ્યો. તે ચાર ગામ દૂરના એક પાકા છાપરાવાળા સ્મશાને જઈને ઊભો રહ્યો.

રાતના બાર તો વાગી જ ગયા હતા. ટોળકીએ ત્યાંની ખોલીમાં રહેતા માણસને જગાડ્યો : ‘ભાઈ, તારે એક આત્માની મુક્તિનું કામ અરજન્ટમાં કરવા પડવાનું છે. ફટાફટ બેઠો થા, ને લાકડાં તોલવા માંડ…’

પેલો બિચારો આંખો ચોળતો બેઠો થયો. આ લોકોએ એને ઝીણાકાકાની ‘પૂનમની રાટના આકાશમાં પપલતા ચાંદા’ની વારતા સમજાવી. એ બિચારો હજી આખી વાત બરાબર સમજી નહોતો શકતો એટલે ગનુ ગેરેજવાળાએ થેલીમાંથી પેલી જીતેલી બાજીનાં રૂપિયાનો ઢગલો ઉતાવળમાં ભરી લીધેલો તે બતાડીને કહ્યું ‘પૈહાની ચિંટા નીં કર… મરનારનો આત્મા તેની સગવડ કરીને જ ગેલો છે !’

સ્મશાનવાળો લાકડાં કાઢીને ચિતા ઉપર ગોઠવવામાં લાગેલો હતો એ દરમ્યાન ગનુએ બીજા લોકો આગળ ચોખવટ પણ કરી લીધી કે ‘જુઓ, અમણાં તો મેં પૈહા આપતો છે, પણ પછી બધાએ ભાગે પડતા આપવા પડહે ! હમઈજા કેનીં?’

લાકડાં ગોઠવાઈ રહ્યાં હતાં એ દરમ્યાન ભીખાને વધુ એક વિચાર આવ્યો. ‘ઝીણાકાકાનાં ઘરવાળાં’ને તેડી લાવતે તો હારું પડતે… કેમકે પૂનમની રાતવાળું પછાડીથી (પાછળથી) હમજાવવા જહે તો કોઈ હમજવા નીં કરહે.’

‘વાત તો હાચી…’ ગનુ ગેરેજવાળાએ ટેમ્પાની ચાવી ભીખાના હાથમાં આપતાં કહ્યું ‘જાનીં, તું  તેડી લાવનીં ?’

ભીખો ઉપડ્યો. આ બાજુ ઝીણાકાકાના મોતનું અસલી કારણ તો જાણે ભૂલાઈ જ ગયું ! બાકી બચેલાં બે દારૂના બાટલા રમણ યાદ રાખીને લઈ આવ્યો હતો. એ લઈને મંડળી સાઈડમાં બેસી ગઈ ! નશાની ધૂનકીમાં આ લોકો એમ જ માનવા લાગ્યા હતા કે પોતે બહુ મોટું પૂણ્યનું કામ કરી રહ્યા છે !

પણ પેલું કહે છે ને, ‘સારા કામમાં સો વિઘન’ એમ, ત્યાં સ્મશાને દરવાજે પોલીસને એક જીપ આવીને ઊભી રહી ! અંદરથી દોડીને આવી રહેલા પોલીસવાળા પૂછી રહ્યા હતા : ‘કાં છે પેલો ઝીણો ? કાં હંતાયેલો છે ?’

હકીકતમાં તો પોલીસ એક ‘ઝીણા મકન’ નામના ભાગેડુ ગુનેગારને શોધતી અહીં આવી હતી ! પણ ગિલ્ટના માર્યા આ પાંચ દારૂડીયાઓ સામે ચાલીને વટાણા વેરવા લાગ્યા ! 

‘ઝીણા કાકાને તો હાર્ટ એટેક જ આવેલો…’ ‘મેં તો જીરીક આમ ધક્કો જ મારેલો..’ ‘અમુંને હું ખબર કે તે જ ઠેકાણે હથોડી પડેલી ઓહે ?’ વગેરે.

પોલીસે ડંડા મારીને પાંચેયને જીપમાં બેસાડ્યા. હજી કાગળિયાં શું બનાવશું એની ચર્ચા ચાલતી હતી ત્યાં ભીખો ટેમ્પો લઈને પાછો આવ્યો ! અંદરથી ઝીણાકાકાનાં બંને બૈરાં અને પાંચેય સંતાનો રોક્કળ કરતાં દોડ્યા પેલી ચિતા પાસે ! અને…

પેલી ભવિષ્યવાણી સાલી જરાક માટે ખોટી પડી ! કેમકે સાત આઠ જણાંની રોક્કળને કારણે ઝીણોકાકો આંખો પટપટાવતાં ચિતા ઉપરથી સળવળ્યો !

કારણ એટલું જ કે નશાની હાલતમાં પેલા કનુ કમ્પાઉન્ડરે ગેરેજમાં જે ‘નિદાન’ કરેલું તે સચોટ નહોતું !

***

- મન્નુ શેખચલ્લી 
E-mail : mannu41955@gmail.com

Comments