બોલીવૂડમાં આજકાલ જુની ફિલ્મો ‘રિ-રિલિઝ’ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો છે ! તો અમને થયું કે દેશના રાજકારણને હિસાબે અમુક જુની હિન્દી ફિલ્મોનાં ટાઇટલો પણ શા માટે બાકી રહે ।
***
ઓમ શાંતિ ઓમ
આહાહા… કેવા સુંદર દિવસો હતા ! એક બાજુ આખા દેશમાં ભવ્ય આતશબાજી ચાલતી હોય એ રીતે ઠેર ઠેર બોમ્બ ફૂટી રહ્યા હતા અને બીજી બાજુ મનમોહનસિંહ મુશર્રફ સાથે ત્રણ ત્રણ વરસ લગી ‘શાંતિમંત્રણા’ કરી રહ્યા હતા !
***
મહેબૂબા
કાશ્મીરના મહેબૂબા મુફ્તીને નજરકેદમાંથી રિલીઝ કર્યા પછી એ કંઈ ખાસ બોલતાં જ નથી ! એમને હવે ‘રિ-રિલિઝ’ કરો… જેથી તેઓ આખા પાકિસ્તાનને પસંદ પડે એવું ફરી બોલવા લાગે !
***
હંગામા
ક્યાં ગયો એ જમાનો, જ્યારે લોકસભામાં નોટોનાં બંડલો ઉછળતાં હતાં ! વિધાનસભાઓમાં માઇક ખેંચીને રીતસર મારામારી થતી હતી ! અમારી લોકશાહીપૂર્ણ માગણી છે કે એવા ‘હંગામા’ ફરી રજુ કરવામાં આવે ! જાહેર જનતાના મનોરંજન માટે…
***
ગુરુ
એ ગોલ્ડન પિરિયડના રાજકારણમાં કેવા કેવા પુરુષોનો દબદબો હતો ! ધીરેન્દ્ર બ્રહ્મચારી, આસારામ, સત્ય સાંઈબાબા, શ્રી શ્રી રવિશંકર… એમને ફરી લોન્ચ કરો ભૈશાબ ! એકલા બાબા રામદેવ કેટલું ખેંચી શકશે ?
***
કભી હાં, કભી ના
આ જવાબદારી પણ માત્ર નિતીશ કુમાર ઉપર છે ! બાકી, એક જમાનો હતો જ્યારે ધારાસભ્યોનાં ધાડે ધાડાં ક્યારેક આ પાર્ટીમાં તો ક્યારેક પેલી પાર્ટીમાં…
***
હકીકત
બસ, આ જ એક ફિલ્મ છે જે આજકાલ રિલિઝ થતી જ નથી ! કોલકતા રેપ-મર્ડર હોય, મણિપુર હોય કે ચીનની બોર્ડર… સાલી, હકીકત શું છે એની ખબર જ પડતી નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment