નવી શ્રેણી.... ઝાંઝવું નામે ગામ
‘હહરીનું…. પાછું કોઈ મારા ‘મોફા’ની હવા કા’ડી ગિયું ! આ છે કોણ ? હાથમાં જો આઈવો તો એની બેનને…’
આમાં ‘મોફા’ એટલે શું, ખબર છે ? એક જમાનામાં ‘મોફા’ નામનું મોપેડ આવતું હતું ! અરે, મોપેડ શેનું ? એક જાતની સાઇકલ જ જોઈ લો ! માત્ર ૨૨ સીસીનું એન્જિન, પેટ્રોલની ટાંકી તો શોધી ના જડે, (કેમકે એ ‘પાઈપ’ આકારની હતી.) અને ‘મોફા’ ચાલે તો મીઠો મજાનો ‘કુરકુરકુર’ અવાજ આવે ! અને હા, એના માટે લાયસન્સ પણ લેવું પડતું નહોતું.
આવું સાઇકલ છાપ લબુકીયું ‘મોફા’, એય પાછું ‘સેકન્ડ હેન્ડ’ અમારા તેજલાવ ગામના મોહનલાલ લઈ આવેલા, માત્ર ૧૫૦૦ રૂપિયામાં ! જ્યારથી ‘મોફા’ લાવ્યા, તે દિવસથી ગામલોકો મજાક કરે ‘આ હું લાઈવા મોહનલાલ ? આવી કેવી સાઈકલ ?’
મોહનલાલ ચીડાઈને કહે ‘સાઈકલ નીં મલે, આ તો મોટર સાઈકલ છે !’ ત્યારે લોકો કહેતાં ‘મોટર ? કાં છે મોટર ? પૈંડાં તો બે જ !’
મોહનલાલ એમના ‘મોફા’માં ફીટ કરેલી મુઠ્ઠી જેવડી મિની મોટર બતાડે તો લોકો હસી પડતા. ‘ખેતરના કૂવામાંથી એક લોટો પાણી બી કા’ડી બટલાવે તો તારી મોટર હાચી !’
ટુંકમાં મોહનલાલના ‘મોફા’ની ઓલરેડી ઘણી ફજેતી થઈ ચૂકી હતી. પણ હવે એમાં આ નવી ઉપાધી શરૂ થઈ હતી… રોજ સવાર પડે ને જુએ તો એના બન્ને પૈડાની હવા જ નીકળી ગયેલી હોય ! મોહનલાલ રોજ દાંત કચકચાવે : ‘એની બેનને… હવા કોણ કા’ડી લાખતું છે ? એકવાર જો હાથમાં આઈવો તો -’
ગામમાં મોહનલાલની નાની સરખી દુકાન. એ પણ એમના ઘરના આગળના ભાગમાં જ. એમાં મોહનલાલ સોડા-લેમનની બાટલીઓ રાખે, નિશાળનાં છોકરાંઓ માટે ખાટીમીઠી ગોળી, પિપરમીંટ, ચોકલેટ વગેરે ઉપરાંત નોટબુકો, પેન, પેન્સિલ, રબર, કંપાસ એવું વેચે. ઉઘડતી શાળાએ અહીં પાઠ્યપુસ્તકો પણ મળે.
મોહનલાલનું રોજનું રૂટિન હતું કે સવાર સવારના ‘મોફા’ને સ્ટેન્ડ ઉપર ચડાવીને સીટ પર બેસીને, બાર વાર પેડલ ઘુમાવ્યા પછી જ્યારે તે ‘કુરકુરકુરકુર’ કરતું સ્ટાર્ટ થાય ત્યારે સીટ ઉપર બેઠાં બેઠાં જ ધક્કો મારીને તેને સ્ટેન્ડ પરથી ઉતારે અને પછી નીકળી પડે અમારા તેજલાવ ગામથી પંચ ગામના દૂરના સોનવાડા ગામે, જ્યાં એક પારસી પાસે સોડા લેમનની બાટલીઓમાં ‘ગેસ’ ભરાવી આપવાનું યંત્ર હતું !
મોહનલાલ રોજની લગભગ એક ડઝન ખાલી બાટલીઓનું થેલું ‘મોફા’ના હેન્ડલ પર લટકાવીને જાય અને એકાદ કલાકમાં ડઝન ‘ભરેલી’ બાટલીઓનું ક્રેટ ‘મોફા’ના પાછલા કેરિયરમાં દોરડી વડે બાંધીને લઈ આવે. પણ સાલું, છેલ્લા કેટલાક દિવસથી જેવું ‘મોફા’ સ્ટેન્ડ પરથી ઉતરે કે તરત ‘ધબ’ કરતું પછડાય !
મોહનલાલ વળીને જુએ તો ટાયર ચપટાં ! એ વખતે એમના કાને અચૂક સંભળાય :
‘હું થિયું મોફલા ? તારી પછાડીથી હવા કેમ નીકળી ચાઈલી ?’
મોહનલાલના ઘરની બિલકુલ સામે એ વખતે રોજ એની જ ઉંમરનો મગન રવજી સવાર સવારના દાતણ કરતો બેઠો હોય… અને છેલ્લા પંદર દિવસથી એ મોહનલાલની આ દશા જોઈને મસ્તીથી મજા લેતો હતો. મોહનલાલ ચીડાય :
‘હહરીના…. મગના ! તું જ મોફામાંથી હવા કા’ડી લાખતો લાગે ! એકવાર જો મારી કમાન છટકી, તો તારી ખોપડી ફોડી લાખા !’
‘તુ હું ફોડવાનો ? તારાથી તો જુવારની ધાણી હો નીં ફોડાય !’
મોહનલાલને પાકી શંકા હતી કે આ હવા કાઢવાનું કારસ્તાન મગના રવજીનું જ હોવું જોઈએ. કેમકે એમની બહુ જુની દુશ્મની હતી. એ બન્ને જ્યારે નિશાળમાં ભણતા ત્યારે ‘ફાઇનલની પરીક્ષા’ (સાતમા ધોરણની) વખતે મગને સુપરવાઇઝર શિક્ષકને કીધેલું કે ‘જુઓ, પેલો પોયરો કાપલીમાંથી ચોરી કરતો છે !’
આમાં બિચારો મોહન પકડાઈ ગયો અને તેને નિશાળમાંથી કાઢી મૂકવામાં આવ્યો ! એ પછી મગન રવજી મેટ્રિક પાસ થયો અને તાલુકા કચેરીમાં નોકરીએ લાગી ગયેલો. પરંતુ આ ‘રાઇવલરી’ માત્ર નિશાળ પુરતી નહોતી.
બનેલું એવું કે પરણવા લાયક ઉમરે મોહન ડુંગરી નામના ગામે ગુલાબ નામની એક કન્યાને જોવા ગયેલો. બધું નક્કી જ થઈ ગયેલું પણ પછી પેલી ગુલાબે કહેવડાવેલું કે ‘પોયરો મને નીં ગમતો ! પોરી જોવા કોઈ સાઈકલ પર ડબલ સવારી બેહીને આવે કે ?’
પછી જોગાનુજોગ એ જ ગુલાબની સગાઈ મોટરસાઈકલ પર બેસીને તેને જોવા ગયેલા મગન રવજી સાથે થયેલી ! આ વાતને તો વરસો થઈ ગયાં. મગનના ઘરમાં બબ્બે છોકરાં છે, અને મોહનજી બે વરસ પહેલાં જ બૈરું પામ્યો હતો એટલે મગન રવજી જ્યારે લાગ મળે ત્યારે મોહનલાલને સંભળાવે :
‘હાઈકલ પર બેહીને પોરી જોવા ગેલો એમાં ગુલાબ હાથમાંથી ગેઈ ! આજે, જો તારી છાતી પર બેહીને મારા ઘરમાં કેવી રાજ કરતી છે !’
આ બધી વાતોનો ‘ઘા’ કહેવાય, પરંતુ એની ઉપર ‘મીઠું’ કોને કહેવાય ? કે જ્યારથી મોહનલાલે ‘મોફા’ લીધું ત્યારથી મગન રવજીએ એનું નામ ‘મોહન ફાલતું’ (મો.ફા.નું લોંગ ફોર્મ) પાડી દીધેલું ! જ્યારે જ્યારે ‘મોફા’ સવાર મોહન આવતો દેખાય કે તરત મગન બોલી ઊઠે ‘જો મોહન ફાલતુ આઈવું !’
આગળ જતાં તે મોહનલાલને જ ‘મોફું’ કહેવા લાગેલો : ‘એ… આ મોફું આઈવું !’ ‘ઓહો… મોફું હવાર હવારના કાં ચાઈલું ?’ ‘મોફુનો વટ તો બો ભારી જો ! ચાલે ત્યારે કુરકુરિયાં જેવાં બોલ્યાં કરે !’
બિચારા મોહનલાલ ટાયરમાંથી હવા નીકળી ગયેલી જોઈને ઘરમાં જાય, અંદરથી જુની સાઈકલનો હવા ભરવાનો પંપ લાવે, અને માંડમાંડ પંદર મિનિટે બન્ને ટાયરમાં હવા ભરતાં તો હાંફી જાય ! મગન રવજી દાતણ કરતાં કરતાં શૂરતાન ચડાવતો જાય : ‘અ’જુ જોર માર ! ભાઈ, જોર નીં મલે કે ?’
એમાં આજે મગન રવજીએ લિમિટ ક્રોસ કરી નાંખી. એ બોલ્યો : ‘હહરીના, તારા પંપમાં જ જોર નીં મલે ! મને કીધેલું ઓતે તો ગુલાબની જેમ તારા ઘરમાં હો બે પોયરાં ઓતે !’
બસ, આ સાંભળીને મોહનલાલની છટકી ! એ હવા ભરવાનો સ્ટેનલેસ સ્ટીલનો પંપ લઈને મારવા દોડ્યો ! મગન લોટા સહિત ઘરમાં ઘૂસી ગયો ! પણ મોહનલાલનો ક્રોધ મગન રવજીના ઘરનાં છાપરાં ઉપર તૂટી પડ્યો. એણે ઉપરાછાપરી ઘા મારીને મોહન રવજીના ઘરનાં ચાર પાંચ નળિયાં તોડી નાંખ્યા !
ગામમાં વાત ફેલાઈ ગઈ કે ‘મોહનલાલે મોફાના પંપે-પંપે મગન રવજીને બો માઈરો ! એના નળિયાં હો તોડી લાઈખાં !’ આખી વાતમાં ‘વઘાર’ પાછો એ હતો કે ‘મોહનલાલના ‘મોફા’ની હવા કોણ કા’ડી લાખતું છે ? મગન રવજી તો ના પાડે !’
મગન રવજીનાં ઘરનાં નળિયાં તોડ્યાં પછી મોહનલાલને હતું કે ‘મોફા’માંથી હવા નીકળતી બંધ થઈ જશે, પણ ના ! બીજા દિવસે એ જ હાલ ! મોહનલાલ પંપ વડે હવા ભરે અને મગન રવજી દાતણ કરતો કરતો મૂછમાં હસે !
આ વખતે મોહનલાલે પંપના દરેક ઝટકા સાથે મગન રવજીને મોટી મોટી ગાળો દીધે રાખી. આ જોઈને મગનની બૈરી ગુલાબને લાગી આવ્યું. ‘એ મોફલું તમુંને હાનો આટલી ગાળો દેતો છે ? એને હીધો કરોનીં ?’
જવાબમાં મગન રવજીએ રાતના લાગ જોઈને મોહનલાલના ઘરની બારીના કાચ ફોડી નાંખ્યા ! જાગી ગયેલા મોહનલાલે રાતે જ ફળિયું ગાજે એવી ગાળાગાળી કરી મુકી. પણ સવારે તો એનું એ જ ! ‘મોફા’માં હવા નહીં તે નહીં જ !
તે વખતે સમસમી ગયેલા મોહનલાલે બે દિવસ પછી બદલો લીધો. અડધી રાતે મગનના ખેતરમાં જઈને કૂવા ઉપર લગાડેલી મોટરના વાયરના બે છેડા ભેગા કરીને, કરંટ ચાલુ કરીને, મોટર બાળી નાંખી ! ‘હહરીનો… અ’વે તો હવા કા’ડતો બંધ જ થેઈ જવાનો !’
પણ ‘મોફા’ના ટાયરમાંથી હવા નીકળી જવાનો ક્રમ તો ચાલુ જ હતો ! આ બાજુ આખા ગામમાં સસ્પેન્સ ફેલાઈ રહ્યો હતો કે ‘હહરીનું મોહનલાલના મોફાની હવા કોણ કાઢતું છે ? એની બેનનો… મગન રવજી બી ગાંઠતો નીં મલે !’
મગનની મોટર મોહને બાળી છે એવું કોઈ ‘પ્રુફ’ તો મગન પાસે હતું જ નહીં ? ઉપરથી મોહનલાલ પણ નફ્ફટ થઈ ગયા : ‘તારી મોટરનું તું જાણે હહરીના ! મારા મોફાની મોટર તો તને મુઠ્ઠી જેવડી લાગતી છે ને ? તો અવે તારી તડબૂચ જેવી મોટરની ડંફાસ નખે મારતો !’
સમસમી ગયેલા મગન રવજીએ હવે જબરો બદલો લીધો…
એક રાત્રે જ્યારે મોહનલાલ અને એમની પત્ની ઘરમાં ઘસઘસાટ ઊંઘતાં હતાં ત્યારે ઘરના બન્ને બાજુનાં બારણે મોટાંમોટાં તાળાં મારી દીધાં ! સવારે લેમન-સોડા લેવા જનારા મોહનલાલ જેલમાં ! બારીના સળિયામાંથી આવતા જતા ગામ લોકોને બૂમો પાડે : ‘કોઈ તાળાં તોડો ભાઈ…’
આખરે મોહનલાલ પોતે જ પોતાના ઘરનાં છાપરાંના નળિયા દૂર કરીને, લગભગ ‘છપ્પર ફાડકે’ નીકળ્યા ! અને હથોડી વડે તાળાં તોડ્યાં !
આ તોડફોડ ચાલી રહી હતી એ વખતે મગન રવજી મસ્તીથી દાતણ કર્યા પછી કોગળા કરતાં હસી રહ્યો હતો ! આ જોઈને મોહનલાલનો પિત્તો એવો ગયો કે એમણએ આખેઆખું ‘મોફા’ ઉપાડીને રવજી ઉપર છૂટ્ટું માર્યું !
ગામમાં હાહાકાર મચી ગયો. મગન રવજીએ પોલીસ ફરિયાદ નોંધાવી. મોહનલાલ કાયદાના ગાળિયામાં ફસાયા… આ બધું જ થયું છતાં પેલા ‘મોફા’માંથી હવા નીકળવાની તો અટકી જ નહોતી ! સાલું એ ટીખળ કોણ કતું હતું ?
છેવટે બીજા દસેક દિવસ પછી એનો ભેદ ખૂલ્યો !
બન્યું એવું કે ચીખલી ટાઉનમાં રહેતા મોહનલાલના બનેવીને ત્યાં લગ્ન પ્રસંગ હતો. મોહનલાલ એમની પત્ની સાથે ‘મોફા’ લઈને ત્યાં ગયેલા. પ્રસંગ જ એવો હતો કે રાત રોકાવું પડે. સવારે ઉઠીને જુએ છે તો અહીં પણ ‘મોફા’ના ટાયરમાંથી હવા નીકળી ગયેલી !
‘હહરીનો મગન રવજી અંઈ હો આઈવો કે ?’
એ શક્ય જ નહોતું. તો પછી આ છે કોણ ? બનેવીએ કહ્યું ‘એ બધું છોડો, ચાલો, પંચરવાલા પાંહે જેઈને ચેક કરાવીએ.’
પંચરવાળાએ ચેક કર્યું તો ખબર પડી કે ‘તમારા મોફાનાં બન્ને પૈડાંની વાલ-ટ્યુબ જ જુની ! એટલે હહરીની પોચી પડી ગૈલી ! તીમાં જ જરીક… જરીક… કરીને હવા નીકઈવા કરતી ઉતી !’
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
હા...હા...
ReplyDeleteભાય ભાય, મોહન ભારાડી કે મગન, કઈં સમજણ નીં પડે,પણ વાલ્ટ્યુબે બેઉની હવા કાઢ લાખી. નોગામા · પિપલગભાણ · રેઠવાણીયા · સારવણી · સોલધરા · સુંઠવાડ · સિયાદા · તલાવચોરા · તેજલાવ ...જિંદાબાદ.
ReplyDeleteવાહ વાહ મનુ ભાઈ!
ReplyDelete