આપણે ત્યાં કહેવત છે કે ‘સાપ ગયા ને લિસોટા રહ્યા’. એ જ રીતે હવે નવી કહેવત છે કે ‘પૂર ગયાં, ને ખાડા રહ્યા !’
સરકાર ગમે એટલું કરે, પ્રજાના નસીબમાં તો ખાડા રહેવાના જ ! એટલે જ અમુક યાદગાર ગાયનોની પેરોડીઓ પણ આવતી જ રહેવાની.
***
સરકાર હવે રોડ કોન્ટ્રાક્ટરો તરફથી પ્રજાને ‘ગેરંટી’ આપી રહી છે કે…
‘તૂ જહાં જહાં ચલેગા…
તેરા ખાડા, સાથ હોગા…
તેરા ખાડા, તેરા ખાડા…’
***
મોદી સાહેબનો એક વિડીયો છે એમાં તે કહે છે કે ‘રોડ બનાને કે લિયે હમ સ્પેસ ટેકનોલોજી યુઝ કર રહે હૈં !’ આ સાંભળીને ઉપર બેઠેલા ભગવાન પણ વિચારમાં પડી ગયા હશે :
‘ખુદા ભી આસમાં સે
જબ જમીં પર દેખતા હોગા
નયે ખાડે કો કબ,
કિસને બનાયા…
સોચતા હોગા !’
***
આમાં વળી જ્યાં માંડ રોડ વ્યવસ્થિત બન્યો હશે ત્યારે ગટરલાઈન માટે, ગેસ લાઇન માટે કે, બસ, કોઈપણ કારણ વિના રોડમાં ખોદકામ ચાલુ થઈ જશે ! પછી એ મહિનાઓ સુધી નહીં પુરાય…
‘જો ખાડા કિયા વો
વહીં પે રહેગા…
રોકે વો ટ્રાફિક ચાહે
રોકે ‘ખુદાઈ’, ખાડા,
વહીં પે રહેગા !’
***
સરકાર આંકડા બહાર પાડે છે કે અમે ૧૧૩૮ સમથિંગ ખાડાની ગણત્રી કરી છે એમાંથી ૬૫૭ સમથિંગ ખાડા પૂરવાની કામગીરી ચાલુ છે ! મતલબ કે હવે વસ્તી ગણત્રીની જેમ ખાડા ગણત્રીનો સ્ટાફ પણ કામે લાગ્યો છે…
‘યે ખાડા, વો ખાડા,
હર ખાડા…
ગિનતી મેં આયા
નયા ખાડા !’
***
અને છેલ્લે આપણને પ્રખ્યાત ગુજરાતી કાવ્ય પંક્તિઓ યાદ આવે છે કે…
‘મને એ જોઈ, હસવું
હજારો વાર આવે છે,
‘ખાડે ગયેલું’ તંત્ર
અહીં ખાડા જ વધારે છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment