ધ 'કોલ્ડપ્લે' ઈફેક્ટ !

જે રીતે ‘કોલ્ડપ્લે’ નામના એક મ્યુઝિક બેન્ડની ટિકીટો ૨૦ લાખ અને ૪૦ લાખમાં વેચાઈ રહી છે અને જેના ‘ઓન’ માટે ઓનલાઇન ૧.૨૦ કરોડ લોકો ‘લાઇન’માં ‘ઓન’ છે… એને હવે ‘કોલ્ડપ્લે ઇફેક્ટ’ કહેવાય છે ! જરા સમજો…

***

કાલે ઊઠીને આ ‘કોલ્ડપ્લે’નું કોઈ નવું સોંગ રેકોર્ડ થશે… એની સોશિયલ મિડીયામાં એવી જબરદસ્ત હાઈપ ઊભી થશે કે જાણે ઓહોહો… શું સોંગ છે !!! પણ.. પણ.. ઊભા રહો ! એ સોંગ હજી કોઈને સાંભળવા જ નથી મળ્યું ! છતાં એને ડાઉનલોડ કરવા માટે અમુક ‘ફી’ ચૂકવવી પડશે…

અને એ ફી ચૂકવવા માટે પણ ૧૧.૨૦ કરોડ લોકોની ‘લાઈન’ હશે !!

***

પછી તો ‘કોલ્ડપ્લે’ની એક ફિલ્મ એનાઉન્સ થશે ! એનાઉન્સ થતાં જ એના મ્યુઝિક રાઈટ્સ, ડિજીટલ રાઇટ્સ, ઓટીટી રાઈટ્સ, વર્લ્ડ રાઈટ્સ બધા અધધ ભાવે વેચાઈ જશે ! (જેની રૂપિયામાં કિંમત કંઈ ૩૫૦ લાખ કરોડની હશે) પણ… ઊભા રહો…

એ ફિલ્મ રિલીઝ થશે ડિસેમ્બર ૨૦૨૫માં ! જેનું બુકિંગ ખુલશે ૧૦ જાન્યુઆરી ૨૦૨૫માં… અને…

કરેક્ટ ! તમે વિચાર્યું છે એ જ રીતે બુકિંગની વેબસાઈટ ક્રેશ થઈ જશે ! પછી એ ટિકીટો કંઈ ગાંડા જેવા ૪૦ લાખ ૫૦ લાખના ભાવે વેચાવા લાગશે…

તમને હવે લાગશે કે આ મન્નુભાઈ કંઈ વધારે પડતી ખેંચી રહ્યા છે, રાઈટ ? તો આગળ વાંચો…

***

થોડાં વરસો પહેલાં એક મલયાલમ મુવીના ટ્રેલરમાં એક પ્રકાશ વોરિયર નામની છોકરી આંખ મારે છે એવી ક્લિપના કંઈ બિલિયન્સના હિસાબે વ્યુ થઈ ગયા હતા. રાઈટ ?

પછી શું થયું ? ફિલ્મ ક્યારે આવીને જતી રહી કોઈને ખબર પણ ના પડી !

***

હજી થોડા પાછળ જાઓ… તો અનિલ અંબાણીની કંપની ‘રિલાયન્સ પાવર’ના શેર કંઈ ગજબના ઊંચા ભાવે ખુલ્યા હતા… રાઈટ ?

પછી શું થયું ? બધા જાણે છે !

***

હજી એનાથી પણ થોડા પાછળ જાઓ… ૧૯૯૨માં હર્ષદ મહેતા નામનો એક માણસ હતો…! રાઈટ ?

બસ, એ જ હર્ષદ મહેતાનું ભૂત આ વખતે ‘ધ કોલ્ડપ્લે ઇફેક્ટ’ બનીને ફરી રહ્યું છે ! હવે સમજ્યા ?

***

ફરક એટલો જ છે કે આજની યંગ જનરેશનને તમે ‘ગાડરિયો પ્રવાહ’ કહો તો એને ખોટું લાગશે. પણ જો એને ‘ફોલોઅર’ કહેશો તો ગમશે..

બાકી ગાડરિયું એટલે કે ‘ઘેટું’ અને ‘ફોલોઅર’ બંનેનું એક જ કામ છે : સવાલ પૂછ્યા વિના પાછળ પાછળ દોડવું !

***

- મન્નુ શેખચલ્લી

Comments