નેતાઓ માટે 'પોસ્ટ-ફ્લડ' સુચનાઓ !

વરસાદ તો થંભી ગયો છે પણ પૂરનાં પાણી ઓસર્યા પછી જે ઉભરાઈ રહ્યું છે તે લોકોનું દિમાગ છે ! આથી સર્વ નેતાઓને ખાસ ખાનગી સૂચનાઓ આપવામાં આવે છે કે….

*** 

હવાઈ નીરીક્ષણ કરવાનો સમય તો જતો રહ્યો છે પણ હવે ‘જમીની’ નીરીક્ષણ કરવા માટે કાદવ-કીચ્ચડવાળી જમીનમાં 'પગ' મુકવા જેવું નથી. કેમકે એમ કરવા જતાં 'પગમાં પહેરવાની ચીજો' માથા ઉપર ફેંકાઈ શકે છે.

*** 

ફોટા પડાવવા ખાતર પણ કીચ્ચડ ઉલેચતા હો એવા પોઝ આપવાની જરૂર નથી. આ કીચ્ચડનું કામ સોશિયલ મિડીયા અને વિધાનસભામાં જ ઇઝી પડે છે.

*** 

પૂર વખતે આપણે પ્રજાને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી હતી ને ? હવે પૂર ઓસર્યા પછી તમારે ‘સલામત’ સ્થળે ખસી જવાનું છે ! નહીંતર…

*** 

જનસંપર્કથી બચવા માટે તમે કારમાં ક્યાંક જતા હો તો ગૂગલ મેપ ઉપર બહુ ભરોસો કરવો નહીં. કેમકે તમે જેનું ઉદ્‌ઘાટન કર્યું હોય, એ પૂલ એ સ્થળેથી ગાયબ હોઈ શકે છે !

*** 

અતિવૃષ્ટિ વખતે આપણે જે રીતે ‘ભયજનક’ વિસ્તારોની જાહેરાત કરી હતી એ રીતે હવે પાર્ટી કાર્યાલયે પૂર ઓસર્યા પછીનાં ‘ભયજનક’ સ્થળોની યાદી જાહેર કરી છે તે જોઈ લેવી. ખાસ તો વડોદરામાં હજી ‘રેડ એલર્ટ’ છે !

*** 

નદીનો પ્રવાહ રોકાય એ રીતે કરેલાં બાંધકામો તોડવાની વાત તો કરવાની જ નથી ! કેમકે એમાંથી જ પાર્ટી ફંડનો નવો પ્રવાહ આવી શકે છે.

*** 

અને ‘નલ સે જલ’ વિશે બોલવાનું કોણે કહ્યું હતું ? અહીં ‘જલ સે દલદલ’માં ભરાયા છીએ એનું વિચારોને !

*** 

ફ્લડ-ટુરિઝમ માટે ડમ્પર, ટ્રેક્ટર કે જેસીબીમાં તો નીકળતા જ નહીં ! હવે તો ‘ગુપ્તવેશે’ નીકળવામાં પણ જોખમ છે, શું સમજ્યા ?

*** 
અને હા, જો 'ગુપ્ત ફ્લડ-ટુરિઝમ' વખતે મગરનાં દર્શન ન થાય તો મોબાઈલમાં સેલ્ફી લઈને તેનાં દર્શન કરી લેવાં. જય ગુજરાત.

***

- મન્નુ શેખચલ્લી

Comments