વો કુછ ભી કર સકતી હૈ !

માત્ર ભારત નહીં, દુનિયાભરની લોકશાહીમાં એ પહેલી ઘટના હશે કે જ્યાં નવાં નીમાયેલાં મુખ્યમંત્રી અગાઉના મુખ્યમંત્રીની ‘ખાલી ખુરશી’ પોતાની બાજુમાં રાખીને વહીવટ ચલાવશે !

કેમ કે… વો સ્ત્રી હૈ, વો કુછ ભી કર સકતી હૈ !

‘સ્ત્રી-ટુ’ સુપરહિટ થયા પછી તમને તમારી લાઇફમાં પણ આ સત્ય સમજાશે ! જુઓ…

***

પોતે ડફોળ છે, બુધ્ધુ છે, મુરખ છે એવું બતાડતા ફની વિડીયો પણ પોતે જ શૂટ કરશે !

… વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ !

***

એ તો ઠીક, પુરુષના જાડા, ઘોઘરા જેવા અવાજમાં પોતે જોક્સ સંભળાવતી હોય એવા વિડીયો પણ બનાવશે !

(કોઈ પુરુષને બૈરીના અવાજમાં ડબિંગ કરતો વિડીયો જોયો ? નહીં ને ?) કેમ કે –

… વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ !

***

પોતાના વિડીયો ઉપર સેંકડો પુરુષોની લાઇક અને ‘બ્યુટિફૂલ’ ‘ચાર્મિંગ’ જેવી કોમેન્ટો જોઈને રાજી રાજી થશે પણ પતિની એકાદ પોસ્ટ ઉપર જો બે ચાર સ્ત્રીઓની કોમેન્ટ જોઈ તો ઝગડો કરી નાંખશે !

… વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ !

***

અરે, પોતે પતિ પાસે ઝા઼ડૂ-પોછા કરાવતી હોય, હિસાબમાં પતિને ઉલુ બનાવતી હોય, દલીલમાં પતિની બોલતી બંધ કરતી હોય અને પતિને લાફા પણ ઠોકી દેતી હોય…

એવા વિડીયો બનાવવા માટે એ પોતાના પતિને તૈયાર પણ કરી શકે છે ને ?!

… વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ !

***

હમણાં આફ-ફોન ૧૬નો જુવાળ જરા ઠંડા થવા દો. પછી એ ‘એપલ’ના શો રૂમમાં જઈને જરાય ખચકાયા વિના પૂછશે :

‘બોલો, તમારો જુનો આઈ-ફોન ૧૫ અડધા ભાવે આપવો છે ?’

… વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ !

***

એ સુનીતા વિલિયમ્સ માટે બાધા રાખી શકે છે, નીતા અંબાણીના દિકારના લગ્નમાં ચાંલ્લો મોકલી શકે છે, દિપીકા પદુકોણની દીકરી માટે બે ડઝન નામો સજેસ્ટ કરી શકે છે, કંગના રાણાવતને ‘અન-ફોલો’ કરી શકે છે, ‘અનુપમા’ દુઃખી થાય તો રડી શકે છે અને નરેન્દ્ર મોદીને રાખડી પણ મોકલી શકે છે…

છતાં કહી શકે છે કે ‘ભૈશાબ, મને તો બીજા લોકોની પંચાત ફાવતી જ નથી !’

… વો સ્ત્રી હૈ, કુછ ભી કર સકતી હૈ !

***

- મન્નુ શેખચલ્લી

Comments