ભારતમાં ગરીબી કેટલી છે, બેરોજગારી કેટલી છે એ તો બધા વિરોધપક્ષના મુદ્દા છે જ, પણ હવે એમાં નવો મુદ્દો ઉમેરાયો છે…
‘સુપર મોંઘવારી’નો !
***
તમને ખબર છે, ‘કોલ્ડપ્લે’ શું છે ? ના, એ ‘ઠંડુ નાટક’ નથી ! એ ‘ઠંડી રમત’ પણ નથી ! અને ઠંડુ પીણું તો હરગિઝ નથી !
વડીલોને માલુમ થાય કે ‘કોલ્ડપ્લે’ નામનું એક મ્યુઝિક ગ્રુપ છે, જે જરાય ‘ઠંડુ’ મ્યુઝિક નથી વગાડતું ! છતાં તે ભારતમાં આજકાલ ‘હોટ’ છે ! કેમ ?
કેમકે તેની ટિકીટો ઓનલાઇનમાં ૧૦ લાખ રૂપિયા સુધીમાં વેચાઈ રહી છે ! બોલો ‘મોંઘવારીએ’ હદ વટાવી છે ને ! રાહુલજી, તમે ચૂપ કેમ છો ?
***
કોલ્ડપ્લેની ટિકીટોનું વેઇટિંગ લિસ્ટ ૯૯ લાખ સુધી પહોંચી ગયું છે ! મતલબ કે એટલા બેરોજગારો નહીં, પણ ‘નવરાઓ’ કેટલા બધા છે, દેશમાં ?
***
કહે છે કે દલજિત દોસાંની વિદેશમાં જે કોન્સર્ટ થવાની છે એની ટિકીટો પણ ૩૦ લાખ અને ૪૫ લાખમાં વેચાઈ ગઈ છે !
- ઓહો ? યાર, આટલામાં તો અનુપ જલોટા આપણા ઘરે આવીને ‘કાનમાં’ ગાઈ જાય !
***
‘આઈ-ફોન’નું પણ આવું જ છે. ‘આઈ-ફોન’નો અર્થ ‘હું-દૂરભાષ યંત્ર’ એવો નથી થતો ! એનો મતલબ છે :
‘હું તમારા બધા કરતાં અલગ, સ્માર્ટ, હાઈ-ફાઈ, પૈસાદાર, રોલાદાર, કુલ, હોટ, (બન્ને), ચીલ, બબલિંગ (બન્ને), લેટેસ્ટ, ટેકનોસાવી, ઝેન-એક્સ, પ્રો-મેક્સ, પ્રો-લિજેન્ડ, ઈટીસી, ઈટીસી, ઈટીસી છું !’
***
આજે દેશનું સંઘર્ષ કરી રહેલું યુવાધન માત્ર બે જગ્યાએ જોવા મળે છે. એક, લોકરક્ષક દળના ભરતી મેળામાં અને બીજું, આઈ-ફોન પ્રો-મેક્સ માટેની લાઈનમાં !
ફરક એટલો જ, કે આઈ-ફોનવાળું યુવાધન… ‘યુવાધન’ નહીં પણ ‘ધન-યુવા’ છે ! એમાંથી અડધો અડધ તો ‘બાપ-ધન-યુવા’ છે !
***
કહે છે કે શરૂઆતમાં ‘કોલ્ડપ્લે’ની ટિકીટોના ભાવ માત્ર 2000 અને 35000 હતા પણ 30 જ મિનિટમાં બધી ટિકીટો વેચાઈ ગયા પછી એના ભાવ વધીને સીધા 50,000 થઈ ગયા !
આ સાંભળીને ભારતના શેરબજારીયા પણ આ ધંધામાં પડવા લાગ્યા છે ! ‘કેટલામાં મળે છે ? ત્રણસો ચારસો લઈ જ લો !’
***
અફવા એવી છે કે એનો એક શો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ થવાનો છે !
આહા… હવે તો રાહુલજી જરૂર કહેશે કે ‘આની પાછળ અદાણીની સાંઠગાંઠ છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment