લો બોલો, ભારતીય ટીમ વર્લ્ડની ચેસ ઓલ્મિપિયાડમાં બબ્બે ગોલ્ડ-મેડલ જીતી લાવી ! આમ તો ચેસ ઇન્ટેલિજન્ટ લોકોની જ ગેમ કહેવાય છે, એટલે મારા જેવા બબૂચકને એની અમુક વાતો હજી સમજાતી નથી ! જેમકે…
***
ચેસના તમામ પ્યાદામાં એકમાત્ર ઘોડો જ એવો છે જેનો આકાર એના નામ સાથે મેળ ખાય છે !
બાકી ઊંટ આવું હોય ? માથે ડીંટડીવાળું ? અને ચહેરા ઉપર રીસાયેલા હોઠ જેવો કાપો ?
***
અચ્છા, ચેસનો ‘હાથી’ જોયો છે ? એ નળમાં લગાડવાની ટોટી જેવું પ્યાદું કયા એંગલથી હાથી જેવું લાગે છે ? કોઈ કહેશે ?
(એમાંય અમુક ચેસના સેટ ‘હાથીદાંત’ વડે બનાવે છે ! બોલો, હાથીના દાંતમાંથી બનેલો હાથી !)
***
અચ્છા, ઊંટ કેમ હંમેશાં ત્રાંસુ જ ચાલે છે ? યાર, દુનિયાના કયા રણમાં તમે ઊંટને આ રીતે ચાલતું જોયું છે ?
***
ઘોડો પણ કંઈ વિચિત્ર રીતે જ ચાલે છે. આશ્ચર્યની વાત એ છે કે ઘોડો હાથી અને ઊંટની ઉપરથી કૂદીને પેલી બાજુ જઈ શકે છે !
***
અને હલો, રાણી ઘોડા કરતાં ફાસ્ટ દોડી શકે છે ! આઈ મિન, રાણીને ઉતાવળમાં ક્યાંક જવું હોય તો ઘોડા ઉપર બેસીને જતાં શું થાય છે ?
***
સૌથી મામૂલી પ્યાદાં, જેને સિપાઈ કહે છે, તેને યુદ્ધમાં સૌથી પહેલું આગળ કરવામાં આવે છે, પણ એની પાસે તલવાર તો શું, નાનું ચપ્પું પણ નથી હોતું !
***
અને પ્યાદું જો સામા છેડાની છેલ્લી લાઈને પહોંચી જાય તો એ ‘રાણી’ બની જાય છે ! અરે, ત્યાં ‘સેક્સ-ચેન્જ’નું ઓપરેશન પણ થાય છે ?
***
બાકી, રાજા સૌથી ફિલોસોફિકલ પાત્ર છે ! કેમકે તે ‘આત્મા’ જેવો છે.. તેને કાપી શકાતો નથી, બાળી શકાતો નથી, મારી શકાતો નથી… માત્ર વોર્નિંગ જ આપી શકાય છે કે ‘ચેક કરી લો મિત્ર !’ (ચેક-મેટ)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment