જુઓ, તમારે ‘છૂટાંછવાયાં’ કાર્ટૂનો જોવાં હોય તો દેશમાં રખડતા નેતાઓને જોઈ લો ! બાકી આજે અહીં છૂટક-છૂટક વિષયો ઉપરના કાર્ટૂનોનો વારો છે…
***
એક માણસ પોતાની બાઇકની બાજુમાં ઊભો છે. સામે એક ટ્રાફિક પોલીસ ઊભો છે. બાઈકવાળાએ ૧૦૦ નંબર ડાયલ કર્યો છે… તે ફરિયાદ નોંધાવી રહ્યો છે :
‘સાહેબ, અહીં ચોક્કસ કોઈ નકલી પોલીસ લાગે છે ! કેમકે પહેલી વાત તો એ કે તે વિવેકથી વાત કરે છે ! તેની પાસે ડંડો છે છતાં હજી ઉગામ્યો નથી ! મારી પાસે લાંચ તો માગી જ નથી, ઉપરથી મને સલાહ આપે છે કે ટ્રાફિકના નિયમ મુજબ ચાલવામાં જ સૌનું ભલું છે !’
***
કપિલ શર્માના શોમાં એના પ્રોડ્યુસર એક સુંદર યુવતી જેવું દેખાતું રોબોટ લઈ આવ્યા છે અને કપિલને કહે છે :
‘અર્ચના પૂરણસિંહનું આખરે કામ શું છે ? થોડી થોડી વારે હસ્યા કરવાનું જ ને ? તો આજથી એ કામ આ રોબોટ કરશે !’
***
એક ભાઈ ચહેરા ઉપર રાહતના હાવભાવ સાથે પોતાનો મોબાઈલ બતાવતાં બીજા ભાઈને કહે છે :
‘પહેલાં તો અજાણ્યા નંબર ઉપરથી ઓટીપી આવ્યો એટલે હું ગભરાઈ ગયો ! ક્યાંક મારા પૈસા સાથે ફ્રોડ તો નહીં થાય ને ? પણ પછી ખબર પડી કે આ ઓટીપી વડે સભ્ય બનવાથી આગળ જતાં બીજાના પૈસાનો ફ્રોડ કરવા મળે એમ છે !’
***
મિનિસ્ટર સાહેબને એક કર્મચારી સલાહ આપી રહ્યો છે :
‘સાહેબ, એ પુલ તોડવા માટે વધુ બાવન કરોડ ખર્ચવાની શી જરૂર છે ? બે ચોમાસાં જવા દો ને ? એની મેળે જ તૂટી પડશે !’ ત્યાં જ બીજી બાજુ ઊભો રહેલો કોન્ટ્રાક્ટર કહે છે :
‘સાહેબ, ચાર ચાર ચોમાસામાં પણ આ પુલ નથી તૂટ્યો એ શું બતાડે છે ? કે પુલ મજબૂત છે !’
… હવે મિનિસ્ટર સાહેબ કન્ફ્યુઝ્ડ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment