મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ...

આજકાલ મધ્યમ વર્ગમાં પણ, બે અલગ ટાઇપના મધ્યમ વર્ગ છે. એક છે ‘રેગ્યુલર મિડલ ક્લાસ’ અને બીજો છે ‘અપર મિડલ ક્લાસ’ ! શું ફરક છે બેમાં ? વાંચો…

***  

મિડલ ક્લાસિયા માણસ પાસે કાર નથી હોતી, સ્કુટર હોય છે. છતાં માત્ર પાનના ગલ્લે માવો ખાવા જવું હોય તોય સ્કુટર લઇને જ નીકળશે !

***  

અપર મિડલ ક્લાસિયા માણસ પાસે કાર તો હોય છે છતાં નારણપુરાથી નરોડા નોકરી કરવા જવાનું હોય તો રોજ બાઇક પર જશે !

***  

મિડલ ક્લાસિયો માણસ મહિને એકાદ વાર ફેમિલી લઈને બહાર જમવા તો જશે, પણ એવી જગ્યાએ, જ્યાંની ‘પાંવભાજી’ ફેમસ હોય !

***  

અપર મિડલ ક્લાસિયો મહિને એકાદ વાર ફેમિલીને લઈને ‘મોંઘી રેસ્ટોરન્ટમાં જશે પણ ઓર્ડર આપતાં પહેલાં સાત વાર મેનુ વાંચશે અને સૌથી સસ્તી આઇટમ જ મંગાવશે !’

***  

મિડલ ક્લાસિયો માણસ ટીવી ચેનલોનું પેકેજ નક્કી કરતાં વિચાર કરશે કે આપણે તો બે ચાર સિરિયલો જ જોવી છે ને ? બાકી આઇપીએલ મેચોમાં શું દાટ્યું છે ? અને જોવી હોય તો ‘જિયો’વાળા ફ્રીમાં બતાડે જ છે ને !

***  

અપર મિડલ ક્લાસિયો માણસ ફાંકામાં આવીને ઓટીટીનાં લવાજમો ભરી દેશે ! પછી વિચારે છે કે હાશ, હવે મલ્ટિપ્લેક્સોમાં જઈને મોંઘા ભાવના પોપકોર્ન સમોસાના ખોટા ખર્ચા તો બચી ગયા ? હેં ને…

***  

મિડલ ક્લાસિયો માણસ વેકેશનમાં ફરવા જવા માટે ચાર-ધામ, બદરી-કેદાર, શીરડી-ત્રંબકેશ્વર વગેરેની તપાસ કરે છે… પછી એકાદ દિવસ માટે પાવાગઢ કે અંબાજી જઈ આવે છે.

***  

અપર મિડલ ક્લાસિયાઓ ઓનલાઇનમાં સર્ચ તો ગોવા, ઉટી, કોડાઈ કેનાલ વગેરેની કરે છે… છેવટે આબુ, મહાબળેશ્વર કે દમણ… એ ત્રણમાંથી એકની પસંદગી કરે છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments