લો, બે ગઠીયાઓ ૧ કરોડ ૩૦ લાખની નકલી નોટો પધરાવીને બે કિલો જેટલું સોનું, લૂંટી ગયા !
ગુજરાતમાં તો હવે ‘નકલી’ની નવાઈ જ નથી રહી… નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી કોલેજ, નકલી સ્કૂલ, નકલી માર્કશીટ, નકલી ટોલનાકાં, નકલી સરકારી ઓફિસ અને નકલી દારૂ તો ખરો જ !
છતાં બોસ, વિચારો… આપણે પોતે જ કેટલું બધું નકલી ચલાવી લઈએ છીએ !
***
નકલી આઈ-ફોનમાં
નકલી આઈડી રાખ્યાં છે
દસ બાર નકલી નામોથી
એકાઉન્ટો ખોલી રાખ્યાં છે !
એમાં હજારો નકલી ‘ફ્રેન્ડો’
ને સેંકડો ‘ગર્લફ્રેન્ડો’ છે !
જે નકલી ‘વાઉ’ નકલી ‘લવલી’
ને નકલી ‘ઓસ્સમ’ વરસાવે છે !
***
ઇન્સ્ટા, ટ્વીટરને યુ-ટ્યુબમાં
ફોલોઅર્સ, વ્યુઅર્સ, સબસ્ક્રાઈબર્સ
મામૂલી ખર્ચ ખરીદીને
‘શો-ઓફ’માં રાખ્યા છે !
નકલી આંકડાની માયાએ જેને
‘ઇન્ફ્લુએન્સર’ માન્યા છે !
***
નકલી સમસ્યાના, નકલી આન્સર
અસલી ફેસ પર, નકલી ફિલ્ટર !
ચોરેલી જોક્સનાં બનાવે રીલ્સ
ચોરેલાં ગાયન પર મારે સ્ટાઈલ્સ !
વોઇસ પણ જેનો અસલી નંઈ
લાફ્ટર પણ કોઈના અસલી નંઈ
બોલો, નકલમાં એની અક્કલ નંઈ ?
***
જ્ઞાનને વહેંચે કોપી-પેસ્ટ
ભલે બગડતો દુનિયાનો ટેસ્ટ
શાયરીઓની કરે ઉઠાંતરી
કવિ બનવામાં શું ધાડ મારી ?
ફેક-ન્યુઝ અને ફેક-વ્યુઝ
અસલી સચ્ચાઈ ? જુત્તે મારી !
***
પણ મિત્ર…
એન્કાઉન્ટર કદી અસલી ના હોય
નેતાનાં વચન ? નકલી જ હોય !
ફિલ્મોની ફાઈટ, અસલી ના હોય
‘કોલ્ડપ્લે’ની હાઈપ ? નકલી જ હોય !
વૉરની ગેઇમ્સ અસલી ના હોય
ક્રિપ્ટો કરન્સીઓ નકલી જ હોય !
નકલી સંબંધો, નકલી લાગણીઓ
નકલી ગુરુઓના નકલી શિષ્યો..
આચરણ સૌનાં નકલી જ હોય !
***
નકલી પ્રસાદનો હવે
ડાઉટ થઈ રહ્યો છે…
તો જેમ છે તેમ રહેવા દો,
ક્યાંક ઇશ્વર પણ આપણો
નકલી ના હોય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment