નવાં દિમાગ.. નવા શબ્દો !

નવી પેઢીને આપણે એક વાતે તો ક્રેડિટ આપવી જ પડે કે એમની પાસે નવા અને બહુ હાઈ-ફાઈ શબ્દો છે ! ખાસ કરીને ‘દિમાગી’ હાલત માટે…

*** 

અગાઉ આપણે અમુક બાબતોમાં ‘ઉંચા-નીચા’ થઈ જતા હતા…

પણ આજના યંગસ્ટર્સને હવે ‘એન્ઝાઈટી’ થાય છે ! વાઉ…

*** 

અગાઉ ક્યારેક આપણા ‘દિમાગનું દહીં’ અને ‘દિમાગની કઢી’ થઈ જતી હતી…

પણ આજના યંગસ્ટર્સને એવું બધું ચીપ ટાઈપનું નથી થતું ! એમને તો હવે ‘મેન્ટલ ડિસ્ટર્બન્સ’ થાય છે ! વાઉ.

*** 

અગાઉ આપણો ક્યારેક ‘મૂડ-ઓફ’ થઈ જતો હતો…

પણ આજના યંગસ્ટર્સને સરસ મજાનો ‘મૂડ-સ્વીંગ’ થાય છે ! વાઉ.

*** 

અગાઉ આપણે પરીક્ષામાં કે પ્રેમમાં ફેઈલ થઈએ ત્યારે જ ‘હતાશ’ થઈ જતા હતા…

આજે તો યંગસ્ટરને એની ગર્લ-ફ્રેન્ડ એના મેસેજનો જવાબ ના આપે એમાં તો ‘ડિપ્રેશન’ આવી જાય છે ! વાઉ.

*** 

અચ્છા, આપણા ટાઈમમાં તો ફિલ્મોનાં નામ પણ ‘પગલા કહીં કા’ ‘દિવાના’ ‘જંગલી’ ‘જાનવર’ ‘બદતમીઝ’ ‘ઘનચક્કર’ વગેરે આવતાં હતાં અને બોસ, કોઈને કશી તકલીફ નહોતી.

પણ આજના જમાનામાં ‘મેન્ટલ હૈ ક્યા’ ફિલ્મનું નામ બદલીને ‘જજમેન્ટલ હૈ ક્યા’ રાખવું પડે છે ! વાઉ.

*** 

અચ્છા, આપણા ટાઈમમાં ‘જજમેન્ટલ’ થવું એ તો કંઈ કોર્ટનો શબ્દ હોય એવું માનતા હતા, રાઈટ ?

પણ આજના યંગસ્ટરને ખાલી એટલું કહો કે, ‘અલ્યા, કેમ આટલો ઢીલો છે ?’ તો એને લાગે છે કે આપણે ‘જજ’ કરીએ છીએ ! વાઉ.

*** 

આપણને લોકો ચક્રમ, બુધ્ધુ, ડોબો, બબૂચક, બોચિયો, ડફોળ… ઇવન ‘ગધેડો’ કહી જતા હતા તોય એની જરાય અસર થતી નહોતી ! રાઈટ ?

પણ આજના યંગસ્ટર્સને તમારે ડરતાં ડરતાં ‘સ્લો લર્નર’ કહેવું પડે છે ! વાઉ... ઓસ્સમ.

*** 

અને ‘ડિપ્રેશન’ ? અગાઉ એવું કશું હતું જ ક્યાં ?

આજે તો દિપીકા પદુકોણને ડિપ્રેશન આવ્યું પણ મને કેમ ના આવ્યું ? એવા વિચારમાં જ બેનને ડિપ્રેશન આવી જાય છે ! વાઉ.

***

- મન્નુ શેખચલ્લી

Comments