ગુજરાતભરમાં અતિશય વરસાદ પછી માંડમાંડ પૂર તો ઓસર્યા છે પણ એ પછીની કડવી વાસ્તવિક્તા હવે બહાર આવી રહી છે.
પરંતુ એક વિડીયોમાં ગુજરાતણો પાણીમાં મસ્તીથી ગરબા રમતી દેખાઈ છે ! તો હવે આગામી ગરબા પણ સાંભલી લો…
***
લગભગ અડધો અડધ રોડમાં ખાડે ખાડા પડી ચૂક્યા છે. એ ખાડામાં જ હવે ગરબા ગાવા પડશે કે...
ખાડા પુરાવો રાજ
થીગડાં સંધાવો રાજ
નહિતર મારા મણકા
દુખાડશે આ રસ્તા કાળા !
***
ધોવાઈની ચંદ્રની સપાટી જેવી બની ગયેલી સડકો અને પૂરમાં રમકડાંની જેમ તણાઈ ગયેલા પુલો જોઈને જનતા પૂછે છે :
કોણ બનાવે સડકો ?
ને કોણ બનાવે પુલો ?
નેતાની વ્હાલી કંપની
ને કંપનીને વ્હાલો કડદો !
***
વડોદરાની હાલત તો સૌથી ખરાબ છે. અહીં ઘેર ઘેર ગરબા ગાવા પડે છે કે...
ઊંચી સુરસાગરની કોર
પાણી ઘૂસ્યાં ઘરમાં...
એમાં તો આવ્યા મગરો !
***
એમાં વળી સરકારના બે મંત્રીઓ વડોદરામાં ‘ફ્લડ-ટુરિઝમ’ માણીને હાલતા થયા ! હવે વડોદરાની જનતા ગાય છે...
મગરનાં આંસુઓ પાડીને
ચાલ્યા ક્યાં તમે ?
હાથમાં ચાંદ દેખાડીને
ચાલ્યા ક્યાં તમે ?
***
નેતાઓ હવે ડરી રહ્યા છે કે જનતાની પાસે જઈશું તો માર પડશે ! એટલે એ બધા ગાંધીનગરમાં જ ગરબા ગાય છે કે..
નહીં મેલું રે...
તારા ફળિયામાં પગ
નહીં મેલું !
મને લાગે મતદાર
હવે તારો ધોકો !
***
જનતા પણ હવે અસલી મિજાજ બતાડી રહી છે. એ નેતાઓને ચેતવણી આપતાં કહે છે...
શેરી વળાવીને
સ્વચ્છ કરાવો...
પછી આવો રે !
મારે આંગણે ચટાવું ધૂળ
નેતાજી ઘરે આવોને !
***
એમ તો મોબાઈલમાં રીલ્સ બનાવનારી આઇટમો પણ ઓછી નથી ! એમનો ગરબો પણ સાંભળો...
પાણીમાં ગ્યા તાં રે
બેની અમે સેલ્ફીવાળાં
ખાડામાં લપસ્યો પગ
રીલ્સ મારાં નંદવાણાં રે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment