તો ટાઈમ ખરાબ છે !

જ્યોતિષીઓ ગ્રહોની ગણતરી કરીને કહેતા હોય છે કે આ તો કંઈ નથી, હજી આવનારો ટાઇમ આનાથી પણ ખરાબ છે !
પરંતુ આજકાલ ગુજરાતમાં અતિવૃષ્ટિ પછી જે હાલત છે એનાં અમુક લક્ષણો તમને આસપાસમાં જ દેખાય, તો સમજી લેવું કે…

*** 

તમે દુકાને જઈને કહો કે ‘મીણબત્તીનું એક પેકેટ અને એક માચિસ આપોને ?’ અને જવાબમાં જો દુકાનવાળો એમ કહે કે ‘છેલ્લાં બબ્બે પેકેટો જ વધ્યા છે, એકના પાંચસો રૂપિયા થશે !’

- તો સમજવું કે ટાઇમ ખરાબ છે !

*** 

ખાડાખડિયાથી ભરપૂર રસ્તા ઉપરથી પસાર થતી ટ્રકોમાં જો સામાનને બદલે માણસો ભરેલા દેખાય…

- તો સમજવું કે ટાઇમ ખરાબ ચાલી રહ્યો છે !

*** 

ગેરેજો ઉપર અને પેટ્રોલ પંપો ઉપર હવા ભરીને ફૂલાવેલી મોટી મોટી ટાયર-ટ્યૂબો લટકતી હોય, અને ઉપર ‘લાઇફ જેકેટ’ એવું લખ્યું હોય તો…

- તો સમજવું કે ટાઇમ ખરેખર ખરાબ આવી રહ્યો છે !

*** 

તમે સરસ મજાના ખળખળ વહેતા ઝરણાનો અવાજ સાંભળીને સવારે ઊંઘમાંથી ઊઠો અને પછી પલંગ નીચે પગ મુકતાં જ જો પગનાં તળિયાં ભીનાં થઈ જાય…

- તો સમજવું કે ખરાબ ટાઇમ તમારા ઘરમાં ઘૂસી ચૂક્યો છે !

*** 

તમે ટીવી ચાલુ કરો અને ટીવીમાં કોઈ અધિકારી શહેરનો નકશો બતાડીને ‘સલામત સ્થળે’ જતા રહેવાના રસ્તા બતાડી રહ્યો હોય…

- તો સમજવું કે આખા શહેરનો ટાઇમ ખરાબ ચાલી રહ્યો છે !

*** 

તમે ધાબા ઉપર બેઠા છો, વરસાદ બંધ થઈ ગયો છે, છતાં આકાશમાંથી ફૂડ પેકેટો વરસતાં દેખાય…

- તો સમજવું કે અસલી ખરાબ ટાઇમ તો હજી હવે શરૂ થઈ રહ્યો છે !

*** 

અને થોડા મહિના પહેલાં જે લોકો શેરીઓમાં વોટ માગવા નીકળી પડ્યા હતા. એ જ લોકો જો ‘ફાળો’ ઉઘરાવવા નીકળી પડ્યા હોય…

- તો સમજવું કે આ ખરાબ ટાઇમ બીજાં પાંચ વરસ તો ચાલવાનો જ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments