બાંગ્લાદેશની હાલત ખરેખર ગંભીર છે. પણ જો ન્યુઝ ચેનલોનું માનો તો હવે ભારતની હાલત વધારે ગંભીર થવાની છે ! આ ‘પ્રવાહી’ સ્થિતિમાં થોડાં રમૂજ અને કટાક્ષનાં ભજીયાં મુકવાં જરૂરી છે…
***
શેખ હસીનાના બંગલામાંથી લોકો સોફા, સાડી, બતક, બ્લાઉઝ અને બકરી જેવી ચીજો લૂંટી લૂંટીને રાજી થઈ રહ્યા છે !
અલ્યા, ફક્ત આટલા માટે તમે આવડી મોટી ‘ક્રાંતિ’ કરી ? આટલું તો કેજરીવાલને કહ્યું હોત તો ઘેર ઘેર આવીને આપી જાત… વોટના બદલામાં !
***
અને દેશના વડાપ્રધાનના બંગલામાંથી બસ આટલું જ મળ્યું ? ઘરેણાં, કેશ, સોનું, ચાંદી… કશું મળ્યું જ નહીં ?
બહુ ગરીબ દેશ કહેવાય, ભૈશાબ !
***
ધ્રુવ રાઠી નામના વ્લોગરે થોડા સમય પહેલાં ટોણો મારતાં લખ્યું હતું કે જુઓ, આ વરસના અંત સુધીમાં બાંગ્લાદેશનો પર કેપિટા જીડીપી ભારત કરતાં વધી જશે !
હા, પણ એના માટે તો ત્યાંના લોકોએ બીજા છ સાત વડાપ્રધાનોના બંગલાઓ લૂંટવા પડે ને ?
***
વર્લ્ડ હેપ્પીનેસ ઇન્ડેક્સ હંમેશાં એવું બતાડે છે કે બાંગ્લાદેશનાં લોકો ભારત કરતાં વધારે હેપ્પી છે !
ઓહો ? એ હિસાબે તો આ સોફા, સાડી, બતક, બકરી વગેરેની લૂંટ ચલાવ્યા પછી એમની હેપ્પીનેસમાં બમણો વધારો થઈ ગયો હશે ! (વિડીયોમાં એમની ખુશી તો જુઓ?)
***
બ્રિટને શેખ હસીનાને શરણ આપવાની ના પાડી દીધી !
યાર, એમાં વાંધો શું હતો ? જ્યાં એ લોકો નીરવ ચોકસી અને વિજય માલ્યા જેવા કરુબાજુને શરણ આપી શકે છે તો શેખ હસીનામાં શું તકલીફ હતી ?
જોકે ભૂલ શેખ હસીનાએ જ કરી લાગે છે. જે ચાર બેગો લઈને એ ભારત આવ્યાં, એમાં ખાસ કશું હશે જ નહીં ! પછી તો બ્રિટનને ક્યાંથી રસ પડે ?
***
શેખ હસીનાનાં નસીબ જ વાંકા છે. જુઓને, ઓલિમ્પિક્સમાં માત્ર દોડવાની સ્પર્ધા છે. જો ભાગવાની સ્પર્ધા હોત તો…
***
ભારતની વાત કરીએ તો…
અહીં નિતી આયોગની બેઠકનો ૧૦ વિપક્ષી મુખ્યમંત્રીઓ બહિષ્કાર કરે છે. જે એક મુખ્યમંત્રી આવ્યાં એમણે રીસાઈને વોક-આઉટ કર્યો.
પરંતુ જ્યાં બાંગ્લાદેશની સ્થિતિ માટે બેઠક બોલાવી તો તમામ વિપક્ષો ફટાફટ દોડતા હાજર થઈ ગયા !
સીધી વાત છે, વિપક્ષો માટે ભારતના ભવિષ્ય કરતાં ભારતની વોટ બેન્ક વધારે મહત્વની છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment