શહેરોના મલ્ટિપ્લેક્સોમાં કાં તો ઇંગ્લીશ ફિલ્મો ચાલે છે, કાં તો સાઉથની ! બાકીના ટાઇમમાં ખાલી પડી રહેતા મલ્ટિપ્લેક્સોનાં હવે નવા ઉપયોગો કરવાનો સમય પાકી ગયો છે…
***
કવિ સંમેલનો યોજો :
એટલું જ નહીં, ઓડિયન્સને કહો કે કવિતા સારી લાગે તો કવિ ઉપર ‘પોપકોર્ન વૃષ્ટિ’ કરો ! (એ બહાને આપણે તો પોપકોર્ન જ વેચવા છે ને ?)
***
વાનગી સ્પર્ધા યોજો :
એટલું જ નહીં, તમામ વાનગીઓ પોપકોર્નમાંથી બનાવવાની શરત રાખો ! બનાવ્યા પછી ઓડિયન્સને ખવડાવો ! પછી ‘ઓડિયન્સ પોલ’ વડે જ ઇનામો જાહેર કરો ! (કેમકે નફો તો પોપકોર્ન વેચાય એમાં જ છે ને ?)
***
બર્થ-ડે પાર્ટીઓ માટે :
સો-દોઢસો જણા માટે સાવ ઓછું ભાડું રાખો... શરત એટલી જ કે સોફ્ટ ડ્રીંક્સ, સમોસા, વેફર્સ, બર્ગર, પિત્ઝા, આઇસ્ક્રીમ વગેરેનું કેટરિંગ આપણે જ કરવાનું ! (કેમકે નફો તો એમાં જ છે ને ? ટિકીટોનો વકરો તો પ્રોડ્યુસરો લઈ જાય છે !)
***
સગાઈ, સંગીતના પ્રોગ્રામો :
લગ્ન પહેલાં સગાઈ, મહેંદી, સંગીત સંધ્યા વગેરે માટે તો બેસ્ટ છે ! કેમકે સ્ટેજ ઉપર જે કંઈ ચાલી રહ્યું છે તે નોર્મલ હોલમાં તો માત્ર વિડીયોગ્રાફરોનું ટોળું જ જોઈ શકે છે. જ્યારે અહીં આપણે ડાયરેક્ટ મોટા સ્ક્રીન ઉપર બતાડીશું ! (અને કેટરિંગમાં તો કમાણી ખરી જ !)
***
મેરેજ વિડીયો સ્ક્રીનિંગ :
લગ્ન વખતે વિડીયો તો પંદર જણા ઉતારે છે, પણ પછી જોવા જ ક્યાં મળે છે ? તો અહીં આપણા વિશાળ સ્ક્રીન ઉપર એના શો રાખો ! (કેટરિંગ આપણું, એ કહેવાનું જ ના હોય ને ? નફો શેમાં છે !)
***
ગુજરાતી ફિલ્મોનાં પ્રિમિયર :
આમાં જરા સિસ્ટમ બદલો, યાર ! બધાને એક કલાક ટટળાવ્યા પછી સામટા છ સ્ક્રીનમાં બતાડો છો એનાં બદલે રોજનો એક પ્રિમિયર શો રાખો. એનું નામ ‘પ્રિમિયર વીક’ રાખો. અને એ બહાને પ્રોડ્યુસર પણ કહી શકે કે ‘અમારી ફિલ્મ સળંગ સાત દહાડા હાઉસફૂલ ચાલી !’ (વળી પેપ્સી પોપકોર્નમાં તો નફો છે જ ?)
***
એક્સપેરિમેન્ટનલ નાટકો :
આમાં તો દરેક શોમાં હિન્દી ફિલ્મ કરતાં ખાસ્સા વધારે લોકો આવે છે ! ક્યારેક તો વીસ જણા હોય છે ! અને ટિકીટો તો ૨૦૦થી ૫૦૦ની હોય છે ! તો પછી પલાંઠી વાળીને ભોંય ઉપર બેસવા કરતાં પોચી સીટો શું ખોટી ? (વળી આ ઓડિયન્સ તો દોઢસો રૂપિયા મામૂલી કોફીના આપે છે !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment