નવી શ્રેણી.... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
***
આ વખતે અમારા નાંદરખા ગામનો કિસ્સો… આમાં સસ્પેન્સ છે, ડ્રામા છે, કોમેડી તો છે જ, પણ ઉપરથી ભૂતની ભૂતાવળ પણ છે !
વાત એમ હતી કે સુમો ફકીર નામનો એક ચોર એ વિસ્તારમાં નાની મોટી ચોરીઓ કરી ખાય. કોઈની વાડીમાંથી ટોપલા ભરીને કેરીઓ ચોરી જાય તો કોઈના વાડામાંથી બે પાંચ મરઘીઓ ઉઠાવી જાય. લાગ આવે તો કોઈના ઘરમા ઘૂસીને તાંબા પિત્તળનાં વાસણોની સાથે રૂપિયા પૈસા ઉપર પણ હાથફેરો કરી જાય.
આ સુમા ફકીરને કાને વાત આવી કે અમારા નાંદરખા ગામની રમલી ડોશીના પટારામાં એટલાં બધાં સોના-ચાંદીના દાગીના છે કે જો એક જ વાર હાથ માર્યો તો પછી જીંદગીભરની નિરાંત થઈ જાય !
અને વાત પણ ખોટી નહોતી. એંશી વરસની રમલી ડોશી હજી પાંચેક વરસ પહેલાં જ વિધવા થયેલી. બાકી એ પહેલાં ડોશીનો એટલો વટ હતો કે જ્યારે જુઓ ત્યારે ગળામાં પુરા વીસ તોલાનો અછોડો (હાર) હોય, નાકમાં રાણી છાપ અધેલી (આઠ આના) જેવડી મોટી નથણી પહેરે અને કાનમાં કાણાં ખેંચાઈને અડધો ઇંચ લાંબા થઈ જાય એવાં ભારી 'કાપ' પહેરે !
ડોસાના ગયા પછી રમલી ડોશીએ પોતાનાં તમામ ઘરેણાં, સોનાના તારવાળી કંઈ બે ડઝન જેટલી સાડીઓ ઉપરાંત પોતાની મિલકતોનાં કાગળિયાં ઘરના મોટા પટારામાં રાખી મુકેલાં. રમલી ડોશી સ્વભાવે કકરી અને બોલકણી પણ ખરી એટલે વાતવાતમાં બોલતી હોય ‘હવા લાખ રૂપિયાનું હોનું-ચાંદી (સોના-ચાંદી) મારા પટારામાં ભરીને બેઠેલી છું, એટલે જ તો મારી વોહુઓ મને રોજ ચોખ્ખા ઘીનો હીરો (શીરો) કરીને ખવડાવતી છે !’
બસ, આ ‘હવા લાખ’નાં સોના-ચાંદીની વાતો સાંભળીને સુમા ફકીરના કાન ચમકેલા ! જમરૂખ વેચનારો ફેરિયો બનીને એણે રમલી ડોશીના બે માળની બંગલાની રેકી પણ કરી લીધેલી.
એક રાતે એ ઘરમાં ઘૂસ્યો. નીચેના મોટા હોલ જેવડા ઓરડામાં ડોશી પોતાના ઝોળી જેવા ખાટલામાં મચ્છરદાની તાણીને સૂતાં હતાં. સુમા ફકીરે ધીમે રહીને મચ્છરદાની ખોલીને ડોશીના ઓશિકા નીચે હાથ નાંખ્યો. પટારાની ચાવી ત્યાં જ હતી !
જુના જમાનાનો આ પટારો કેવો હતો ? તો સમજોને, ચાર સાડાચાર ફૂટ ઊંચો, સાડા ત્રણ ફૂટ બાય અઢી ફૂટની સાઈઝના એ લાકડાના પટારાનું ઢાંકણું જ કોઈ કારના બોનેટ જેવુડું હોય. અંદરના ભાગે બે-ત્રણ ‘ચોર-ખાનાં’ હોય અને બાકીનો ભાગ એટલો મોટો કે એક આખો માણસ એમાં આરામથી સમાઈ જાય.
સુમા ફકીરે ચાવી વડે તાળું ખોલીને હજી એ અધમણીયું ઢાંકણ ખોલ્યું… ત્યાં તો ડોશી ખાટલામાં સળવળી ! સુમો સાવધ થઈ ગયો ! ડોશીને પેશાબ લાગ્યો હશે એટલે તે ખાંસી ખાતી ડામચિયા જેવા ખાટલામાંથી ઉતરી. હાથમાં લાકડી ઝાલીને જ્યાં એ બારણાની બારસાખ ઓળંગવા જાય છે ત્યાં રસ્તામાં પડેલી એક પિત્તળની રકાબી ઉપર એનો પગ પડ્યો !
બીજી જ ક્ષણે રમલી ડોશી લપસીને ધબ્બ કરતાંક પડી ! લાકડી છૂટીને પછડાઈ ! પિત્તળની રકાબી ‘ખણખણ’ કરતી ગોળ ગોળ ફરતી રહી… અને ડોશીની એક તીણી ચીસ સંભળાઈ !
સુમો ફકીર હજી કંઈ વિચારે એ પહેલાં જ એ ઓરડાના બીજા ખૂણામાં સૂતેલો નોકર ઝબકીને જાગ્યો. ‘કોણ છે ? કોણ છે ?’ કરતો એ આ તરફ દોડતો આવ્યો. સુમો ફકીર ગભરાયો. હવે ભાગવું કઈ બાજુથી ? છેવટે એને પટારામાં જ ‘સેફ કસ્ટડી’ દેખાઈ ! એ ઝટપટ અંદર ઉતરી ગયો અને સિફ્તથી ઢાંકણું વાસી દીધું.
આ તરફ નોકર આવીને જુએ છે કે ડોશી નથી હાલતાં કે નથી તરફડતાં. એણે તરત જ બૂમ પાડી : ‘ઓ છનિયાભાઈ, ડોહી માંય (ડોશીમા) પડી ગિયાં !’
ઉપરના માળે સૂતેલો રમલી ડોશીનો નાનો દિકરો છનાભાઈ અને એની પત્ની કાંતા ધબાધબ કરતાં લાકડાનો દાદર ઉતરીને નીચે આવીને જુએ છે તો રમલી ડોશીના ડોળા અધ્ધર ચડી ગયેલા ! ફટાફટ આખા ઘરની લાઈટો ચાલુ થઈ ગઈ (આ ’૮૦ના દાયકાની વાત છે) આ બધી ધડબડાટી સાંભળીને મોટા દિકરા મંગુભાઈની પત્ની શાંતા પણ દોડી આવી !
ડોશીને મરેલી જોતાં બન્ને વહુઓએ પોક મુકી ! (જેથી લાગે કે સાસુમા મને કેટલી વ્હાલી હતી. બાકી, મનમાં તો પેલા પટારામાં જે ઘરેણાં હતા એમાંથી ડોશી મારે ભાગે કેટલાં લખી ગઈ હશે એ જ વિચાર ચાલતો હતો.) પોતાની મમ્મીઓને રડતી જોઈને એમનાં બબ્બે છોકરાં પણ હિબકે ચડ્યાં ! જોતજોતામાં ફળિયું ભેગું થઈ ગયું…
હવે ? પટારામાં પુરાયેલો સુમો ફકીર હલવાયો ! જઈ જઈને જાય ક્યાં ? એને તો અંદર ટુંટિયું વાળીને બેસી રહેવા સિવાય છૂટકો જ નહોતો ને ? એવામાં મોટી વહુની નજર પટારા ઉપર પડી :
‘આ પટારાનું તાળું કોણે ખોઈલું ?’ એણે સીધો આરોપ દેરાણી ઉપર મુક્યો ‘આ કાંતાએ જ ડોહીની ચાવી લેઈને ઘરેણાં ચોરવાનો ઘાટ ઘડેલો લાગે !’
શાંતા તરત ભડકો થઈ ઊઠી ‘હાય હાય ! મેં તો મારે રૂમમાં હૂતેલી ઉ’તી… આ કાંતાએ જ પટારામાંથી કંઈ કાઢી લીધેલું લાગે ! પછ ડોહી જાગી ગેઈ એટલે એને માલ્લાખી !’ (મારી નાંખી.)
‘મને ચોર કે’વાવારી તું પોતે જ ચોર લાગે ! હારી ડાકણ !’ કાંતા સામી થઈ.
‘અરે ચૂપ મરો બન્ને કાગડીઓ ! આખા ફળિયા હાંમે ફજેત કરવા લાગી તે !’ નાનો દિકરો છનાભાઈ વચ્ચે પડ્યો. ‘હૌથી પેલ્લાં એક કામ કરો, આ પટારાને મારો તાળું !’
પત્યું ? પટારાને લાગી ગયું તાળું ! અંદર ફસાયો આપણો સુમો ફકીર ! બહાર ઓરડામાં, ઘરના ઓટલે અને ફળિયામાં કમ સે કમ પચાસ માણસ ભેગું થઈ ગયેલું. બિચારો સુમો અંદર બેઠો બેઠો વિચારે છે :
‘હહરીની ડોહી અમણાં જ મરવાની થૈલી કે ? અ’વે જાં લગી ડોહીને કા’ડી નીં જાય (સ્મશાને ના લઈ જાય) તાં લગી ઘર ખાલી નીં થવાનું !’
સુમા ફકીરને હતું કે સવાર સુધીમાં જો રમલી ડોશીને ઠાઠડીમાં સૂવડાવીને આ લોકો સ્મશાને લઈ જાય તો પછી સૂના પડેલા ઘરનો લાભ લઈને તે કોઈ રીતે પટારામાંથી છટકી જવાનો ખેલ પાડી શકે. કેમકે તાળાં તોડવાનાં અને બારીઓના નકુચા સાથે ઉખાડવાના ઓજારોની પોટલી તો એ પોતાની સાથે જ કમરમાં બાંધીને રાખતો હતો.
પણ સુમા ફકીરને કોઈ અંદાજ નહોતો કે તેની આ ‘પટારા-કેદ’ કેટલી લાંબી ચાલવાની છે. કેમકે રમલી ડોશીનો મોટો દિકરો મંગુ પોતાના ખાસ ‘રાજકીય’ કામસર દિલ્હી ગયેલો હતો !
હવે આ ‘રાજકીય’ કામ શું હતું ? તો વાત એમ હતી કે મંગુભાઈ હાલમાં જિલ્લા પંચાયતનો માનવંતો પ્રમુખ હતો. એટલું જ નહીં, આવનારી ચૂંટણીમાં મંગુભાઈને ધારાસભ્ય બનવાના અભરખા હતા એટલે તે દિલ્હી ખાતે આવેલી પાર્ટીની હાઈકમાન્ડની ઓફિસમાં પોતાના નામની ભલામણ માટેના તાર હલાવવા ગયો હતો.
જેવા એને ડોશીના ખબર મળ્યા કે તરત જ એસટીડી પર એણે ચેતવણી આપી કે ‘જાં લગી મેં નીં આવું તાં લગી કોઈ વિઢી કરતા નખે ! મારે મારી માયની અંટિમવિઢીના ફોટા પડાવવા પડહે ! મેં નેટા છું, હમઈજા કે ?’
હવે તમે જ કહો, મંગુભાઈ છેક દિલ્હીથી માર-માર કરતો નાંદરખા ગામ આવે તોય સાંજ તો પડી જ જાય ને ? અને ખરેખર એવું જ બન્યું. દિલ્હીથી વિમાનમાં અમદાવાદ, પછી અમદાવાદથી ટેક્સી લઈને નાંદરખા પહોંચતા મંગુભાઈને રાત પડી ગઈ !
બિચારો સુમો ફકીર હજી પટારામાં જ ! ચાલો, માની લઈએ કે એ ભૂખ્યો તરસ્યો ચોવીસ કલાક કાઢી પણ નાખે, પરંતુ કુદરતી હાજતનું શું ? અરે, હજી માની લઈએ કે સુમો ફકીર બે નંબર અટકાવી રાખી શકે પણ ‘એક નંબર’નું શું ?
ટુંકમાં સમજોને, રમલી ડોશીની સોનાના તારે મઢેલી મોંઘી સાડીઓ અને અત્તરની શીશી ગોઠવીને ગડી વાળેલાં પટોળામાં ભીનાશ અને ગંધ બન્ને પચવા લાગ્યાં ! જોકે પટારો એટલો મોટો કે બહાર કોઈને કશી ‘ગંધ’ પણ આવી નહીં.
પરંતુ હવે રાત પડી ગઈ હતી. સ્મશાનયાત્રા તો સવારે જ નીકળે ને ? ફળિયાનાં લોકોએ રમલી ડોશીની કાયા ઉપર અત્તર છાંટ્યું, ફૂલોથી ઢાંકી રાખી અને આખી રાત બેસીને ભજન કર્યાં !
પટારામાં બેઠેલો સુમો ફકીર પણ ભજન કરવા સિવાય બીજું શું કરી શકે ?
છેવટે સવાર પડી… દશ અવતારની આરતી ગવાયા પછી અને ઠાઠડીને ઘરની બહાર લાવ્યા પછી જ્યારે ‘રામ બોલો ભાઈ રામ’ થવાનું શરૂ થયું ત્યારે સોમાભાઈએ ડોશીની ઠાઠડીને ખભે ઊંચકીને ફોટા પડાવ્યા. મંગુભાઈના રાજકીય ચમચાઓએ ‘મંગુભાઈની જય’ બોલાવી ! આ બધું જોઈને તાનમાં આવેલા મંગુભાઈએ ગામ લોકો સામે નાનકડું ભાષણ પણ ફટકાર્યું ! માતુશ્રીના નામે ગામના મંદિરના જિર્ણોધ્ધાર માટે રૂપિયા ૫૦૦૧નું દાન જાહેર કર્યું…
પેલી બાજુ પટારામાં ટુંટિયું વાળીને બેઠેલો સુમો ફકીર દાંત ભીંસીને બબડે છે : ‘હહરીનાઓ, અજુ કેટલી વાર ? ઝટ નીકળોનીં ? મેં તો મારા જ ગૂ-મૂતરમાં ગંધાઈને મરી જવાનો !’
ખેર, સ્મશાનયાત્રા છેવટે દસેક વાગે નીકળી તો ખરી ! ઘર ખાલી થઈ ગયું. ઘરનાં બે બૈરાં ખૂણે બેઠાં અને ફળિયાનાં ચાર બૈરાં રસોડામાં જઈને ડાઘુઓ માટે રસોઈ કરવામાં પડ્યાં. ઓરડો હવે ખાલીખમ હતો…
સુમા ફકીરને થયું ‘આ જ લાગ છે. પટારાના નકૂચા અંદરથી ખોલીને ભાગવાનો !’
એણે પોતાનાં ઓજાર કાઢીને કારીગરી કરવા માંડી પણ એમ કંઈ પટારો ચસકે ? સુમા ફકીરે વધારે જોર લગાવ્યું. આમાં ને આમાં પટારો થોડો હલબલ્યો !
હવે સંજોગો જુઓ ! એ જ વખતે બે ભાઈઓનાં બાળકો ઓરડામાં રમતાં હતાં. એમણે પટારાને હલતો જોયો ! એમાંથી એકે બૂમ પાડી ‘ભૂત ! ભૂત ! પટારામાં ભૂત !’
હવે તો ફળિયાનાં બૈરાં પણ ભેગાં થઈ ગયાં ! અંદર બેઠેલા સુમા ફકીરને હવે અદ્ભૂત વિચાર આવ્યો : ‘પટારામાંથી છટકવા આ જ ભૂત કામમાં આવહે !’
સુમા ફકીરે તો હવે જાણી જોઈને પટારો અંદરથી હચમચાવવા માંડ્યો ! ફળિયામાં હાહાકાર મચી ગયો ! સ્મશાનેથી ડાઘુઓ પાછા ફર્યા ત્યાં લગીમાં તો બાજુના ગામમાંથી લોકો આ ‘ચમત્કાર’ જોવા માટે એકઠા થઈ ગયા હતા !
આ ભૂતનો તો હવે એક જ ઉપાય હતો. ‘ઝટ જાવો, પેલા ભગત ભવાનીશંકરને તેડાવો ! એ જ પટારાનું ભૂટ કાડહે !’
ભગત ભવાનીશંકર એટલે ત્રણ ગામ દૂર રહેતો ભૂવો. એ પોતાની સામગ્રી લઈને આવ્યો ત્યાં સુધીમાં તો આજુબાજુનાં પાંચ ગામની ભીડ તમાશો જોવા એકઠી થઈ ગયેલી !
ભગત ભવાનીશંકરે ધૂણી સળગાવી, ડાકલાં વગાડ્યાં, લીંબુમાંથી લોહી કાઢી બતાડ્યું, ખુલ્લા કેશ રાખીને ધૂણતાં ધૂણતાં તેણે પટારાના ભૂતને ધમકી આપી : ‘પટારામાંથી નીકળીને જતો રેજે ! નીં તો લીંબુની જેમ કાપી લાખા !’
‘જતો રેવા !!’ પટારામાંથી અવાજ આવતાંની સાથે જ ચારેબાજુ સોપો પડી ગયો ! હહરીનું આ ભૂત તો બોઈલું ! ભૂત ખરેખર બોલ્યું :
‘એક શરતે જાઉં ! જો અડધી રાતે પટારો ઊંચકીને મહાણમાં (સ્મશનામાં) મુકીને બધા બે કિલોમીટર આઘા ચાલી જાય તો જ જાઉં ! નીં તો રમલી ડોહીની રાખમાંથી પાછો બેઠો થવા !’
લોકો તો આ સાંભળીને હબકી ગયા પણ ભગત ભવાનીશંકર સમજી ગયા કે અંદર કંઈ ભૂત-બૂત છે જ નહીં ! એમણે ધીમે રહીને યજમાન મંગુભાઈને બોલાવીને કાનમાં ફૂંક મારી…
બસ. પછી તો શું ? પટારો ખુલ્યો ! પેશાબથી ગંધાતું ‘ભૂત’ બહાર કાઢવામાં આવ્યું ! સુમા ફકીરનાં નસીબ સારાં કે એને બહુ માર ના પડ્યો કેમકે મંગુભાઈને પોતાની ‘રાજકીય’ ઇમેજ પણ સાચવવાની હોય ને ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment