અઘરું છે, સ્ત્રીઓ માટે અઘરું છે !

આજની આધુનિક નારી માટે જીંદગી કેટલી કઠીન છે ! એ તો તમને આ બધુ વાંચ્યા પછી પણ નહીં સમજાય… છતાં વાંચો !

*** 

આજની નારીએ જીંદગીભર શોપિંગ તો કરવાનું જ છે, પણ સાથે સાથે કરકસર પણ કરવાની છે !

*** 

મોંઘા ભાવની બ્રાન્ડેડ ચીજો તો લેવી જ પડે પણ એમાં પાછી ભાવતાલની કચકચ પણ કરવાની છે !

*** 

શરીરને નમણું અને એલિગન્ટ રાખવા માટે સતત ખોરાક ઉપર કંટ્રોલ કરવાનો છે પણ સાથે સાથે ‘સ્ટ્રોંગ વુમન’ તો બનવાનું જ છે ! … અઘરું છે, બેન !

*** 

વજન ના વધે એના માટે ડાયેટિંગ કરવાનું છે પણ જાતે બનાવેલી મસ્ત મસ્ત વાનગીઓ સોશિયલ મિડીયામાં પણ પોસ્ટ કરીને ‘યમ્મી ! ’ એવી કોમેન્ટ્સ પણ ઉઘરાવવાની છે !

*** 

પુરુષ સમોવડી દેખાવા માટે પુરુષો પહેરે એવાં તમામ કપડાં તો પહેરવાનાં જ છે, પણ એમાંય નવી નવી ફેશન સાથે અપ-ડેટ રહેવાનું છે ! (માત્ર બે જિન્સ અને ચાર ટી-શર્ટથી ના ચાલે.)

*** 

‘પુરુષો કરતાં ઓછો પગાર કેમ આપો છો’ એમ કહીને સતત લડતા રહેવાનું છે પણ સાથે સાથે પગારનો ત્રીજો ભાગ પોતાનાં કપડાં અને શણગાર પાછળ જ ખર્ચી નાંખવાનો છે ! (એમાંય ભાવતાલની કચકચ તો ખરી જ !)

*** 

પુરુષો આગળ સુંદર દેખાવા માટે સતત મહેનત તો કરવાની જ છે, પણ જ્યારે કોઈ પુરુષ કહે કે ‘વાહ ! તમે બહુ સુંદર છો !’ તો એની સાથે ઝગડો કરી નાંખવાનો છે ! … સહેલું છે કંઈ ?

*** 

પોતાની બ્યુટિ ઉપર કોમેન્ટ કરતા પુરુષોને સહન કરવાનું તો મુશ્કેલ છે જ, પણ પોતાની બ્યુટિ ઉપર કોમેન્ટ ‘નહીં’ કરતી સ્ત્રીઓને સહન કરવાનું કેટલું મુશ્કેલ છે ! પૂછી જોજો…

*** 

પતિ એવો પસંદ કરવાનો જે ૯ થી ૬ની નોકરી પતાવીને સીધો ઘેર આવે, રસોઈમાં મદદ કરે, છોકરાં ઉછેરવામાં મદદ કરે, કહ્યાગરો બનીને રહે… છતાં એને કહેવાનું ‘જુઓ, બીજાઓ કેટલું કમાઈ ગયા ! તમે તો આખી જિંદગી ગધ્ધાવૈતરું જ કરવાના !’

*** 

પત્નીઓ પતિ કરતાં વધારે સ્માર્ટ અને વધારે ઇન્ટેલિજન્ટ છે એવું તો માનવાનું જ, પણ સાથેસાથે એવા જ ફની વિડીયો શેર કરવાના જેમાં પત્ની ડફોળ, ગમાર અને મુરખ જ દેખાતી હોય ! …. અઘરું છે ભૈશાબ !

***

- મન્નુ શેખચલ્લી

Comments