કોઈ ગમન ગાંડાને પરણાવો !

નવી શ્રેણી... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
***

‘હહરીનાં… ગામમાં બધા પોયરા પન્ની ચાઈલાં… મારાં તો લગને જ નીં થતાં ! કોઈ મને પન્નાવો… નીં તો મેં આપઘાટ કરી લાખા !’

ઇચ્છાપોર નામના અમારા ગામમાં જ્યારે પણ કોઈનાં લગ્ન ચાલતાં હોય ત્યારે ગામનો ગમન ગાંડો દારૂની બાટલી હાથમાં લઈને મંડપમાં ઘૂસી જ ગયો હોય ! એની વરસોથી એક જ ફરિયાદ હતી કે કોઈ એને ‘પન્નાવતું નીં મલે !’ (પરણાવતું નથી.)

આમ તો નામ એનું ગમન, પણ પાછળ ‘ગાંડો’ એ એના બાપનું નામ નહીં પણ વિશેષણ હતું. દક્ષિણ ગુજરાતમાં તો ખરેખર એક જમાનામાં ‘ડાહ્યાભાઈ’ની જેમ ‘ગાંડાભાઈ’ જેવું નામ પણ રખાતું હતું. જોકે ગમન ગાંડાનો બાપ કોણ હતો એ પણ હવે ઇચ્છાપોર ગામના લોકો ભૂલી ગયા હતાં.

ગમન ગાંડો ખાસ્સો બાવીસ વરસનો થઈ ગયો હતો છતાં નાના છોકરાંની જેમ અડધી ખાખી ચડ્ડી અને ધોળું બનિયાન પહેરીને ગામમાં રખડતો દેખાય. આમ તો એને રહેવા માટે પોતાનું કોઈ ઘર પણ નહીં પરંતુ ગામની એક ડોશી મરી ગઈ પછી ગમન ગાંડાએ એમાં જ ધામા નાંખીને રહેવા માંડેલું. કામધંધો કંઈ આવડે નહીં છતાં એ પોતાનું પેટ ભરી જ લેતો.

જ્યારે ભૂખ લાગે ત્યારે કોઈની પણ વાડીમાં ઘૂસીને ચીકુ, કેળાં કે તરોપો (નાળિયેર) પાડીને ખાઈ લેવાનું. ગામના લોકો એને ‘ચોરી’ ગણતા જ નહીં. એ તો ઠીક, ગમે તેના ઘરની સામે ગમન ગાંડો બેસી જાય અને હક્ક કરે કે ‘હહરીના મેં તો ભૂખે મરી ચાઈલો… મને કોઈ દખુ-ચોખા ખવડવહે કે નીં ?’ તો એને જમવા માટે દાળભાત મળી જાય ! ઉપરથી કેરીનું મેથિયું અથાણું પણ મળે !

હા, દારૂ પીવા માટે બિચારા ગમન ગાંડાએ મહેનત કરવી પડતી હતી ! ખેતરોમાં રોપણી, કાપણી, ખેડ, ખાતર કે માટી ખોદવા-પૂરવાનું કામ ચાલતું હોય ત્યાં જઈને ગમન ગાંડો ઊભો રહે. ‘હહરીના, મેં ડારૂ પીવાનો ! કોઈ મને પીવડાવહે કે નીં ?’ એવું ત્રાગું કરે ત્યારે ખેતરનો માલિક એને કામ સોંપે ‘ચાલ તગારાં ભરી ભરીને આ ખાડો પુરી લાખે તો તને અચ્છેર (અડધો શેર) દારૂ લેઈ આપું !’

આ જ રીતે ગમન ગાંડાને લાકડાં ફાડવાનાં, ગૂણ ઊંચકવાનાં કે બીજાં મજુરીનાં કામ ‘અચ્છેર’ દારૂના બદલામાં મળી જતાં. બસ, પછી ગમન ગાંડો દારૂ પીને સપનામાં સરી જાય… ‘હહરીની… મારી હો એક બૈરી ઓહે… તે મને રોટલા ઘડીને ખવડાવહે… મને લાપસી કરીને જમાડહે… મને હાબુ (સાબુ) ઘહીં ઘહીંને (ઘસી ઘસીને) નવડાવહે… ને લાલ લુગડું પે’રીને ગરબા હો ગાહે !’

ગમન ગાંડાની ઇચ્છા, મહેચ્છા કે સપનું… જે કહો તે એક જ હતું ‘હહરીના મને કોઈ પન્નાવોનીં !’ આમાંને આમાં છેલ્લા ચારેક વરસથી એ જીવ ઉપર આવી ગયો હતો. ગામમાં થતાં તમામ લગ્નોમાં જઈને એ રીતસર ત્રાગાં કરતો ‘મને નીં પન્નાવહે તો મેં આપઘાટ કરી લાખા !’

હવે તમે જ કહો, જાન નીકળવાની તૈયારીમાં હોય, વરરાજાને સારાં શુકન કરાવવા માટે કોઈ કન્યાને માથે બેડાં લઈને ઊભી રાખી હોય.. બરાબર એવા ટાણે ગમન ગાંડો હાથમાં બાટલી સાથે ધસી આવે અને તમાશો કરે તો કેવું લાગે ? એ તો ઠીક, ગામની દિકરી પરણતી હોય તે વખતે બરોબર જ્યાં ‘કન્યા પધરાવો સાવધાન…’ થાય ત્યાં જ ગમન ગાંડો મંડપમાં ખાબકે ! અહીંથી ત્યાં ઠેકડા મારીને હાહાકાર મચાવી મુકે તો એમાં ગામની શું આબરુ રહી ?

એકાદ બે વરસ સુધી તો ઇચ્છાપોર ગામના લોકોએ ગમન ગાંડાના આ નાટકને ‘હરિ-ઇચ્છા’ સમજીને ચલાવી લીધું હતું. પણ પછી એનો ઉકેલ શોધી કાઢ્યો હતો. જ્યારે પણ ગમન મંડપ પાસે હાથમાં બાટલી સાથે પહોંચીને ત્રાગું કરે કે ‘હહરીના મને પન્નાવો ! નીં તો મેં આપઘાટ કરી લાખા…’ ત્યારે ચાર પાંચ જુવાનિયા તાત્કાલિક એને ઘેરી વળીને કહેતા કે ‘ચાલ, હમણાં ને હમણાં તારાં લગન કરાવી લાખીએ !’

પછી એને સમજાવી પટાવીને એની જુની, મેલી ખાખી ચડ્ડી ઉતરાવીને નવી નક્કોર ખાખી ચડ્ડી પહેરાવતા, ઘસાઈ ગયેલું મેલું બનિયાન ઉતરાવીને નવું કોરું ધોળું બનિયાન ઉતરાવીને ટોપી પહેરાવી, કપાળે ટીલાં ટપકાં ચીતરીને, એના હાથમાં નાળિયેર પકડાવીને એને ગામની એકાદ દેરી પાસે લઈ જઈને બેસાડી દેતા.

‘અંઇ જ બેહજે… અમે પોરીને લેઈને આવતા છે ! હાથે બામણને હો લાવતા છે ! તારાં અ’મણાં ને અ’મણાં લગન થેઈ જવાનાં !’

ગમન ગાંડો અધીરો થઈને નાસી ના જાય એટલા ખાતર એકાદ નવરાને એની સાથે બેસાડી રાખતા. જે આશ્વાસન આપ્યા કે કે ‘અ’મણા આવતી જ છે તારી બૈરી…’

બે-ચાર વરસ તો ગમન ગાંડો આ ચાલમાં ફસાતો રહ્યો ! પણ પછી એ સમજી ગયો કે ગામવાળા મને ઉલ્લુ બનાવે છે ! હવે તો એ વધારે તોફાની થઈ ગયો હતો : ‘મને નીં પન્નાવહે તો મેં આપઘાટ કરી લાખા ! પછી તમુંને જ મારી હાય લાગહે ! મેં ભૂટ બનીને તમારાં પલંગમાં ભરાઈ જવા ! મારો નિહાપો (નિસાસો) લાગહે તો તમુંને પોયરાં (બાળકો) જ નીં થહે !’

ગમન ગાંડો એનાં ત્રાગાંને આ રીતે ‘નેક્સ્ટ-લેવલે’ લઈ ગયો ત્યારે ગામ લોકોનું પણ ટેન્શન વધી ગયું ! હવે આ ગાંડાને શી રીતે શુભ પ્રસંગથી આઘો રાખવો ? આમાંને આમાં ગામના જુવાનિયાઓએ પણ ‘નેકસ્ટ-લેવલ’નો ઉપાય અમલમાં મુક્યો.

ગમન ગાંડાને એક દિવસ તાડી પીવડાવતાં પીવડાવતાં પૂછ્યું કે ‘હારા, તું આપઘાટ તો કરહે… પણ કરહે કેમ કરીને ?’

‘એટલે ?’ ગમન ગાંડાને જુવાનિયાઓએ નાનકડું ડેમોસ્ટ્રેશન આપ્યું. ‘જો આમ ડિલ (શરીર) ઉપર ઘાંસલેટ લાખીને દિવાહળી મેલહે તો…’ એમ કરીને ગમનના ડાબા હાથને સ્હેજ દઝાડી મૂક્યો ! ગમન ગાંડો ચીસો પાડવા માંડ્યો ‘મારી લાઈખો… મને મારી લાઈખો !’

‘તો પછી ?’ જુવાનિયાઓએ બીજું ડેમોન્સ્ટ્રેશન આપ્યું. ‘દોડ્ડાંનો ગારિયો (દોરડાનો ગાળિયો) કરીને લટકી જવાનો કે ?’ ગમનના ગળે દોરડું બાંધીને સ્હેજ ખેંચ્યું ! ગમનનો શ્વાસ ફૂલી ગયો ! એ ફરી ચીસો પાડી ઊઠ્યો : ‘મારી લાખવાના… તમે મને મારી લાખવાના !’

‘તો પછી આ છેલ્લો ઉપાય છે !’ એમ કહીને ગમનને બતાડ્યું કે ‘જો ! ખેતરમાં છાંટવાની દવાથી ઈયળ, જીવડાં કેવાં મરી જતાં છે ? તુ આ દવા પીહે તો આરામથી મરી જહે !’

બસ, એ પછી જ્યારે પણ ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે ગામના લોકોને અગાઉથી તાકીદ કરી હોય કે ‘જંતુનાશક દવા કબાટમાં હંતાડી મુકજો ! ગમન ગાંડાને હાથે નીં લાગવા જોવે !’

આ ઉપાય પછી ગમન ગાંડાને કાબૂમાં રાખવું જરા સહેલું થઈ ગયું ! ગમન ત્રાગાં કરે કે ‘મેં આપઘાટ કરી લાખા…’ ત્યારે જુવાનિયાઓ પૂછે ‘કેમ કરીને મરવાનો ? ખેતરમાં છાંટવાની દવા તો લાઈવો જ નહીં ! આપઘાટ કેમ કરીને કરવાનો ? જા… પેલ્લાં દવા હોધી લાવ !’

આમાં ને આમાં ગમન ગાંડો ફાંફે ચડી જાય ! ખેતરોમાં, ઘરોમાં રખડીને દવા શોધતો રહે ! દવા તો મળે નહીં, અને આ બાજુ પ્રસંગ પાર પડી જાય ! જોકે થોડા વખત પછી ગમન ગાંડો સમજી ગયેલો કે આ ‘બાઈ બાઈ ચાયણીવારી ચાલ છે !’ એ હવે ભૂરાંટો થવા લાગ્યો હતો.

આ કહાણીમાં સૌથી મજેદાર ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે અમારા ઇચ્છાપોર ગામમાં ચંદાકાકીના ઘરે એમની દિકરીનાં લગ્ન આવ્યાં. હજી માંડવો ઊભો કરવા માટેના વાંસ રોપવા માટેના ખાડા ખોદાતા હતા ત્યાં ગમન ગાંડો આવી પહોંચ્યો.

‘ચંડાકાકી, હહરીની, તું તારી પોરીને પન્નાવાની, પણ મને કે’દાડે પન્નાવની ? મને જો નીં પન્નાવહે ટો મેં આપઘાટ કરી લાખા !’

ચંદાકાકીએ આ બલાને ટાળવા માટે મજાક મજાકમાં કહી દીધું કે, ‘જો , આ તારો ચીમનકાકો જે દા’ડે મરી જાહે, તે દા’ડે મેં તારી હાથે લગન કરા, બસ ?’

ચીમનકાકો એટલે ચંદાકાકીનો ધણી ! આમ જુવો તો ચંદાકાકી ચુમ્માળીસ વરસની ઉંમરે પણ રૂપાળાં દેખાય. ચહેરો ગોળમટોળ, રંગ ઉજળો અને હંમેશા હસતા રહેતા હોઠ ! ગમન ગાંડો કંઈ કેટલીયે વાર ભૂખ લાગે ત્યારે ચંદાકાકીના ઘરે ‘દખુ-ચોખા’ અને ‘મેથિયું અથાણું’ ખાઈ ચૂક્યો હતો. ક્યારેક ક્યારેક ચંદાકાકી એને સામેથી બોલાવીને ઘરમાં ખીર, લાપસી કે લાડવા બન્યા હોય તો બેસાડીને જમાડતાં હતાં.

પણ જ્યારથી ચંદાકાકીએ એને ‘પન્ની જવાનું’ વચન આપ્યું ત્યારથી ગમન ગાંડાનું આખું વર્તન બદલાઈ ગયું ! તમને થતું હશે કે એ ગાંડો હવે રોજ ચંદાકાકીની આગળ-પાછળ આંટા મારતો થઈ ગયો હશે ! અરે ના ! એ તો હવે ચીમનકાકાની પાછળ પાછળ ફરતો હતો ! ચીમનકાકો જ્યાં મળે ત્યાં એને પૂછે :

‘એઈ ! તું કે’દાડે મરી જવાનો ? હારા જલ્દી કરનીં… તુ મરે તો મારાં લગન ઠહે !’

ચીમનકાકો શરૂશરૂમાં એને હળવાશથી લેતો હતો પણ પછી ગમન ગાંડાનો ત્રાસ હદ વટાવવા લાગ્યો ! ચીમનકાકો ખેતરમાં બપોરે ભાથું ખાધા પછી જરીક ઊંઘી ગયો હોય તો ગમન ગાંડો એનો ખભો હલાવીને પૂછે ‘તું મરી ગિયો કે ? હાશ… અ’જુની મઈરો ?’ 

ક્યારેક એ રાતના ટાઈમે ઘરમાં ઘૂસીને બેઠો હોય ! ઘસઘસાટ ઊંઘતા ચીમનકાકાના નાક પાસે આંગળી મુકીને પૂછે : ‘અ’જુ નીં મઈરો કે ?’

એમાં ય જો ભૂલેચૂકે ચીમનકાકાને અમસ્તો તાવ આવી ગયો હોત તો ગમન ગાંડો આખા ગામમાં નાચતો કૂદતો ઢંઢેરો પીટી આવે : ‘ચીમનકાકો મરી જવાનો ! અ’વે મેં ચંદાકાકીને પન્ની જવાનો !’

જતે દહાડે ચીમનકાકા પણ ગામના મશ્કરા લોકોની મજાકનું કેન્દ્ર બની ગયા. એ જરીક છીંક પણ ખાય તો લોકો કહેતા ‘કાકા… કાકી તૈયાર જ બેઠેલી છે !’ 

ગામમાં કોઈની સ્મશાનયાત્રા નીકળે એમાં જો ચીમનકાકા સામેલ હોય તો લોકો પૂછે ‘કાકા, અ’વે તુ કે’દાડે જવાનો ? જલ્દી કરનીં, અમને કાકીનાં લગન ખાવા મલે !’

જોકે ગમન ગાંડાએ કોઈ દિવસ ચીમનકાકાને સામે ચાલીને મારી નાંખવાનો પ્રયાસ તો શું, વિચાર સુધ્ધાં નહોતો કર્યો. પરંતુ કહાણીમાં વધુ એક ટ્વિસ્ટ આવી ગયો…

ચંદાકાકીને અચાનક કમળો થયો. પછી કમળામાંથી કમળી થઈ ગઈ અને ચંદાકાકી જોતજોતામાં મરણ પામ્યાં !

બિચારો ગમન ગાંડો એ દિવસે બહુ રડેલો. એ તો રડે જ ને ? એને રડતો જોઈને ગામના કોઈ વ્યક્તિને હસવું નહોતું આવતું. બધાને એની દયા જ આવતી હતી. ચોધાર આંસુએ રડતા ગમનને આશ્વાસન આપવા માટે કોઈએ એના હાથમાં દારૂની બાટલી પકડાવી દીધી.

એ હાથમાં બાટલી લઈને જતો રહ્યો. પણ પછી ન થવાનું થઈ ગયું. ગામના લોકો ચંદાકાકીની અંતિમક્રિયામાં ગુંથાયેલા રહ્યા એમાં ભૂલી જ ગયા કે ગમન ગાંડો ક્યાં રખડે છે ? હકીકતમાં ગમનને એટલો બધો આઘાત લાગેલો કે તે ખરેખર કોઈના ઘરમાં ઘૂસીને જંતુનાશક દવાનું ડબલું ગટગટાવી ગયેલો !

જ્યારે કોઈનું ધ્યાન પડ્યું ત્યાં સુધીમાં તો ગમનના ડોળા અધ્ધર ચડી ગયેલા અને મોઢામાંથી ફીણ નીકળતાં થઈ ગયેલાં. જોકે સમયસર એને ટેમ્પામાં નાખીને હોસ્પિટલે પહોંચાડ્યો એમાં ગમન ગાંડી બચી તો ગયો…

પરંતુ એણે જે પેટમાં પીડા સહન કરી હતી પછી એની ધમકીમાં થોડો ફેર પડી ગયો હતો. હવે એ કહેતો હતો કે ‘મને જો નીં પન્નાવહે તો મેં ડવા વગર આપઘાટ કરી લાખા !’

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. Excellent description of the situation. Cannot stop laughing 😆 out loudly.

    Sir, you have the God's gift of writing in a "Phonetic " language, as if I am watching a movie or play.

    Please keep us entertaining.

    ReplyDelete
  2. Very lively presentation

    ReplyDelete

Post a Comment