હોલીવૂડ, બોલીવૂડ, સાઉથ...

હોલીવૂડ, બોલીવૂડ અને સાઉથ… આ ત્રણે ટાઇપની ફિલ્મોની પોતપોતાની અલગ જ દુનિયા છે ! એમાં તમે ખાસ માર્ક કરજો કે…

*** 

હોલીવૂડની ફિલ્મોમાં…
(૧) પરગ્રહવાસીઓ પૃથ્વી ઉપર હુમલો કરવા આવે ત્યારે સાઇબેરિયાના ખુલ્લા રણમાંથી ચૂપચાપ એન્ટ્રી લેવાને બદલે હંમશા અમેરિકામાં જ આવી પડશે ! (પછી માર જ ખાય ને ?)

(૨) ચામાચિડીયા જેવો માણસ, કરોળિયાથી બનેલો માણસ, લીલા પથરામાંથી બનેલો માણસ, રાત પડે ને વરૂ બની જતો માણસ… આવી બધી વિચિત્ર પેદાશો અમેરિકામાં જ જન્મે છે !

(૩) એફબીઆઈ, સીબીઆઈ, એનવાયપીડી વગેરેમાંથી સસ્પેન્ડ થયેલા ઓફિસરો જ ચસકેલ ભેજાંવાળા સનકી વિલનોનો ખાત્મો કરી શકે છે !

*** 

બોલીવૂડની ફિલ્મોમાં….
(૧) બાળપણમાં છૂટા પડી ગયેલા જોડીયા ભાઈઓમાંથી એક ભાઈ હંમેશા ખરાબ અને બીજો ભાઈ હંમેશા સારો નીકળે છે !

(૨) ઇન્ડિયાના ગિલીન્ડર ચોરો વિદેશની મોટી મોટી બેન્કો લૂંટવાના પ્લાન બનાવે ત્યારે એમને પકડવા માટે જેને કેસ સોંપવામાં આવે છે એ પોલીસ ઓફિસર ઇન્ડિયન જ હોવો જોઈએ !

(૩) ઇન્ડિયાના હીરો હીરોઇન ફોરેનની સડકો ઉપર હિન્દી ગાયન ગાતાં ગાતાં અચાનક નાચવા મંડે તો ત્યાંની ધોળી પ્રજા પણ બોલીવૂડના સ્ટેપમાં એમની જોડે નાચવામાં જોડાઈ જાય છે !

*** 

સાઉથની ફિલ્મોમાં…
(૧) મામૂલીમાં મામૂલી વિલન જ્યાં જાય ત્યાં પોતાની સાથે ૩૦-૪૦ જીંથરા જેવા, નાહ્યા વિનાના, મેલથી ભરેલી દાઢીવાળા ગુંડાઓને લઈને ફરતો હશે.. જેમના હાથમાં લાકડી કે રિવોલ્વરને બદલે નાળિયેર છોલવાના કોઈતા જ હશે ! જો જો તમે…

(૨) લવ-સ્ટોરી હોય તો કમ સે કમ ચાર સીન તો એસટી બસમાં હોવા જ જોઈએ !

(૩) અને એકશન મુવી હોય તો મારામારી વખતે ઘડીકમાં ફાસ્ટ ફોરવર્ડ તો ઘડકીમાં સ્લો-મોશનમાં ફાઈટ ચાલશે ! (નિયમ છે.)

(૪) અને હા, આટલી બધી ફાઈટમાં પણ કોઈની લુંગી ‘અધ્ધર’ નહીં ચડી જાય ! તમે જોજો.

***

- મન્નુ શેખચલ્લી

Comments