આપણી જુની કહેવત છે કે ‘પૈસો બોલે છે.’ પણ હવે જમાનો જે રીતે બદલાયો છે એ જોતાં નવી કહેવત પાડવી પડે કે ‘પૈસો બદલે છે, માણસને !’ જુઓ કઈ રીતે…
***
પૈસા ના હોય ત્યારે...
કાચાં શાકભાજી પણ ખાઈને ચલાવી લે છે.
પૈસો આવે પછી...
એ જ કાચાં શાકભાજી ખાવા માટે (સલાડ ખાવા માટે) રેસ્ટોરન્ટમાં જાય છે !
***
પૈસા ના હોય ત્યારે...
જ્યાં જવું હોય ત્યાં પગે ચાલીને જતો રહે છે.
પૈસો આવે પછી...
કારમાં બેસીને જીમમાં ટ્રેડ મિલ ઉપર ચાલવા માટે જાય છે !
***
પૈસા ના હોય ત્યારે...
ખખડી ગયેલી સાઈકલ ઉપર માલસામાનનું વજન ઢસડે છે.
પૈસો આવે પછી...
પોતાનું વજન ઉતારવા માટે સાઈકલ ચલાવે છે !
***
પૈસા ના હોય ત્યારે...
પૈસાદાર હોવાનો દેખાડો કરવાની કોશિશ કરે છે.
પૈસો આવે પછી...
ઇન્કમટેક્સ ભરતી વખતે ગરીબ હોવાનો દેખાવ કરે છે.
***
પૈસા ના હોય ત્યારે...
બિચારો ખેતી કરી ખાય છે.
પૈસો આવે પછી...
ખેતીલાયક જમીનો ખરીદીને ‘ખેડૂત’ બની જાય છે !
***
પૈસા ના હોય ત્યારે...
લાગે છે કે ભગવાન એની સામું જોતો જ નથી.
પૈસો આવે પછી...
લાગે છે કે એ ભગવાન સામું જોતો નથી !
***
પૈસા ના હોય ત્યારે...
બૈરી ટોણા મારે છે કે આખો દહાડો નવરા જ બેસી રહો છો.
પૈસો આવે પછી...
પત્ની કહે છે, તમને તો અમારા માટે નવરાશ જ નથી ! બોલો.
***
પૈસા ના હોય ત્યારે...
બિચારો ‘ફરિયાદ’ કરે છે કે યાર, પૈસા કમાવાનું સહેલું નથી.
પૈસો આવે પછી..
એ માણસ ‘જ્ઞાન’ આપે છે કે ભાઈ, પૈસા કમાવાનું સહેલું નથી ! શું કહો છો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment