નવી શ્રેણી.... ઝાંઝવું નામે ગામ
ગામડાના લોકો ભોળા હોય છે. એમના ભોળપણને લીધે ઘણીવાર સાચૂકલા રમૂજી કિસ્સા બનતા હોય છે. તો આવો, એમનું માસૂમ અને નિર્દોષ હાસ્ય માણીએ, દર રવિવારે…
***
અમારા વ્યારા તાલુકાના મોટી ખેરવણ ગામની આ વાત. અહીંની અડધી વસ્તી આદિવાસી, એમાંની આ કહાણી છે, છનિયા નામના જુવાનિયાની.
છનિયાનું નામ છનિયો કેમ પડ્યું ? એનું સિમ્પલ લોજિક છે. એ જમાનામાં જે બાળક સોમવારે જન્મે એનું નામ સોમલો, મંગળવારે જન્મે તે મંગલો, એ જ રીતે શનિવારે જન્મે તે ‘છનિયો’ !
પણ છનિયાની કુંડળીમાં શી ખબર, શુક્રનો ગ્રહ કોઈ એવી જગ્યાએ પડ્યો હતો કે એ ઇચ્છે નહીં છતાંય કુંવારી કન્યાઓ અને પરણેલાં બૈરાં એની તરફ કારણ વિના આકર્ષાય !
આમ તો છનિયો કરે મજુરીનું જ કામ, કાયા પણ પાતળી સરખી જ, ઉપરથી અવાજ પણ એટલો જ પાતળો. હા, નેણ માંજરાં, વાળ વાંકડિયા અને સ્વભાવે સાવ ભોળિયો. સરવાળે ગામની જુવાન છોકરીઓને તો એને જોતાંની સાથે જ કાચો ખાઈ જવાનું મન થઈ જાય !
બિચારો છનિયો હજી પંદર વરસનો થયો ત્યાં તો ગામની અડધો ડઝન છોકરીઓએ એને કાચો ખાઈ લીધો હતો ! એ છનિયો જ્યારે વીસેક વરસનો થયો ત્યારે એ સોનગઢ ગામ છોડીને ઉકાઈ ડેમ ઉપર મજુરી કરવા ગયો. આમ જોવા જાવ તો ગામની જુવાનડીઓનો ‘શિકાર’ રંગીન સ્વભાવના બૈરાંઓનું ખેતરનું ‘ભાથું’ બે મહિના માટે દૂર થઈ ગયું. બીજી રીતે જોવા જાવ તો એમના માટે આ એક જાતના ‘ઉપવાસ’ હતા.
પણ આ શું ? છનિયો જ્યારે બે મહિને ઉકાઈ ડેમથી પાછો આવ્યો ત્યારે એની સંગાથે પૂનમના મેળાની કોઈ રંગીન ફરકડી જેવી જુવાનડી પણ હતી ! આવતાંની સાથે જ એણે છનિયાનું આખું ઘર સંભાળી લીધું. સોનગઢ ગામની છોકરીઓનો તો જીવ બળી જાય ! કેમકે હવે આ ચંપા નામની ચોકીદારણીની ચોકી લાગી ગઈ !
ચંપા છનિયાને બે મિનિટ માટે પણ રેઢો મુકે નહીં. છનિયો લાકડાં ફાડવા માટે જાય તો ચંપા એની આસપાસ જ ક્યાંક ઘાસ કાપતી હોય. છનિયો તગારાં ઉંચકતો હોય તો ચંપા એટલામાં જ કોઈકનાં છાણાં થાપતી હોય ! અને આ તો થઈ દિવસની વાત, બાકી રાત્રે તો…
ગામની જુવાનડીઓને તો જાણે દેવ પોઢી અગિયારસ થઈ ગઈ ! હવે આ ચંપા નામની નાગણ છનિયાની પાછળ પાછળ આવી ક્યાંથી ? તો વાત એમ હતી કે ઉકાઈ ડેમ ઉપર મજુરી કરતાં કરતાં ચંપાની આંખ છનિયા સાથે લડી ગયેલી. છનિયો ત્યાં ડેમ બાંધવા માટે પથ્થર ફોડતો હતો ત્યાં ચંપાએ એના પથ્થર ફાડીને પાણી કાઢી લીધેલું ! ‘ખેર, હશે છનિયાનાં નસીબ…’ એમ કરીને ગામની જુવાનડીઓએ છનિયા તરફથી આશાઓ છોડી દીધી હતી.
પરંતુ એક દિવસ પેલું કહે છે ને ‘કંઇ નિરાશાઓમાં ક્યાંક આશા છૂપાઈ છે’, એ રીતે ઉકાઈ ડેમ બાજુથી જ બીજી એક રંગીન ફટાકડી જેવી જુવાનડી આવીને છનિયાના ઘરમાં બેસી ગઈ !
નામ એનું શામલી. એ રંગેરૂપે પણ શામળી જ, પણ સ્વભાવે અને દેખાવે શિકારી સમડી જ જોઈ લો. મામલો અહીં પણ એ જ હતો. છનિયો ત્યાં ઉકાઈ ડેમનું સરોવર બનાવવા માટે કોદાળી વડે માટી ખોદતો હતો ત્યાં શામલીએ છનિયાને પોતાની માટીમાં રગદોળી નાંખ્યો હતો.
હવે અહીં ખેરવણ ગામમાં છનિયાના ઝુંપડામાં જામી ઝુંટાઝુંટ ! બે ચાર દિવસ તો ખુદ છનિયો જ એમાં પીંખાઈ ગયો પણ પછી જે ‘પહેલી’ હતી તે, ચંપા, રીસાઈને જતી રહી !
એને એમ કે એનો ધણી એને મનાવવા માટે પાછળ પાછળ આવશે જ આવશે. પણ પેલી ‘બીજી’ સમડી જેવી શામલી, છનિયાને છટકવા દે તો ને ? છનિયો છટપટાઈને છેવટે શામલીના શરણે થયો.
પરંતુ વાત અહીંથી અટકી નહીં. હજી પંદરેક દિવસ નહીં થયા હોય ત્યાં ચંપા ખેરવણ ગામમાં પાછા ફરી અને વીજળીની જેમ ત્રાટકી ! એણે આવતાંની સાથે જ શામળીનો અંબોડો છોડીને એના વાળ ખેંચી ખેંચીને ઘરમાંથી બહાર કાઢી મુકી !
અને તમને શું લાગે છે, શામળી એમ જતી રહેતી હશે ? એ ચાર ડગલાં પાછળ જઈને પછી ટોર્નેડો વાવાઝોડાની માફક ત્રાટકી ! બસ, પછી તો ફળિયું આખું ભેગું થયું આ વીજળી અને વાવાઝોડાની લડાઈ જોવા માટે !
તમે ખાસ માર્ક કરજો. જ્યારે બે સ્ત્રીઓ લડતી હોય છે ત્યારે તેમને સામેવાળીના વાળ ઉપર સૌથી વધારે ગુસ્સો આવતો હોય છે ! અહીં તો બંનેના લાંબા લાંબા વાળ હતા ! એ પણ લડાઈમાં ચંડિકાઓની માફક છૂટા થઈ ગયેલા ! ઉપરથી બંને જણી એકબીજના સૌંદર્ય ઉપર જ પ્રહાર કરવાની હોય તેમ ચહેરા ઉપર જ નહોરિયાં ભરે !
છેવટે છનિયાને વચ્ચે પડવું પડ્યું. ‘તમે બે જણી આ જ લડિયા કરહે તો મેં જ ચાલી જવા !’ (ચાલી જવા એટલે ‘મરી જઈશ’ના અર્થમાં નહીં, પરંતુ ‘મહાભિનિષ્ક્રમણ’ના અર્થમાં બોલાયું હતું.) બન્ને જણીને સમજાયું કે હવે ઝગડવામાં માલ નથી એટલે વિના મધ્યસ્થીએ બન્ને વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો.
જોકે યુદ્ધવિરામ થવા છતાં જ્યાં મોટા મોટા દેશો વચ્ચે સંપૂર્ણ શાંતિ સ્થપાતી નથી ત્યાં આ તો બે ફાટફાટ થતી જુવાનડીઓ જ હતી ને ? એટલે હવે બન્ને એકબીજા સામે ગેરિલા પધ્ધતિથી હુમલાઓ કરવા લાગી.
જો ચંપાએ શાક રાંધવા મુક્યું હોય તો શામલી એમાં ડબલ મીઠું નાંખી આવે ! જો શામલીએ છનિયાના નહાવા માટે ચૂલ્હા ઉપર ગરમ પાણીનું તપેલું ચડાવ્યું હોય તો ચંપા એ જ તપેલું ચૂલ્હામાં ઢોળી મુકે ! અને આ તો દિવસની વાત થઈ રાતે તો શું થતું હશે તે કોણ જોવા ગયું ?
આમાં ને આમાં બિચારો છનિયો સૂકાતો ચાલ્યો. ગામના પુરુષોને, ખાસ કરીને ગામના જુવાનિયાઓને તો આ જોઈને પેટમાં મીઠો મજાનો શીરો પડ્યો એવી ટાઢક થતી હતી. બીજી બાજુ ગામની જુવાનડીઓને છનિયાની દયા આવતી હતી. પરંતુ ગામનાં જે બૈરાઓને છનિયા માટે કૂણી લાગણી હતી એમણે સલાહ આપી કે ‘એક કામ કર છનિયા, વારા પાડી લાખ ! એક દા’ડો ચંપાનો ને એક દા’ડો શામલીનો. હમઈજો કે નીં ?’
જોકે આ તો થઈ દિવસની સમજૂતી, પણ રાતની સમજૂતીનું શું ? તો એમાં એવું નક્કી થયું કે એક ખાટલો ચંપાનો અને એક ખાટલો શામલીનો ! (વચ્ચે છનિયો બની ગયો શટલિયું !) પરંતુ આગળ જતાં એમાંય યુદ્ધવિરામનો ભંગ થવા લાગ્યો..
એક દિવસે સાંજ પડતાં પહેલાં શામલીએ ચંપાનો ખાટલો જ તોડી નાંખ્યો ! ‘લેતી જા !’ તો બીજા દિવસે ચંપાએ શામલીના ખાટલાનું ગોદડું બાળી મુક્યું ! ‘તું હો લેતી જા !’
જોવાની વાત એ છે કે મોટાં ઘરની વહુઓમાં જો ઝગડા હોય તો એ મિલકતના હોય, પણ અહીં તો બન્ને નાગણો માટે છનિયો જ આખી ‘પ્રોપર્ટી’ હતો. આખરે છનિયો કંટાળી ગયો. એક વહેલી પરોઢે જ્યારે બન્ને બલાઓ ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે એ ઘર છોડીને ભાગી ગયો !
ચંપાને અને શામલીને જ્યારે ખબર પડી ત્યારે એમને ફાળ પડી ! એ બન્ને નીકળી પડી છનિયાંને શોધવા ! બિચારો છનિયો જઈ જઈને જાય પણ કેટલે ? બીજા જ દિવસે બન્ને જણી છનિયાને પકડીને પાછો લઈ આવી !
જોકે હવે બન્ને મહારાણીઓ સમજી ગઈ કે મહારાજાને રાજી રાખવામાં જ એમનાં રજવાડાં સચવાઈને રહેશે, એટલે બંને સંપી ગઈ, અગાઉ યુદ્ધવિરામની જે શરતો નક્કી થઈ હતી એ મુજબ સંસાર ચાલવા માંડ્યો. પણ હા, બન્નેના દિમાગમાં કંઈક તો ખટપટ ચાલતી જ હતી કે સામેવાળીને શી રીતે હરાવી દઉં !
એમાં શામળી જીતી ગઈ !
એક દિવસ એણે જાહેર કર્યું કે ‘છનિયા, તું બાપ બનવાનો છે !’ આ સાંભળતાં જ ચંપા ઘીસ ખાઈ ગઈ.
છનિયો ભલે ચંપાને સાચવતો પણ શામલી માટે એણે ખાસ ‘પેકેજ’ તૈયાર કરેલું જેમાં સાંજની રસોઈ શામલીએ નહીં કરવાની, દિવસની મજુરીમાં શામલી નહીં જાય અને શામલીને અડધી રાતે કાચાં કરમદાં (એક જાતનાં બોર) ખાવાનું મન થોય તો છનિયો દોડતો દોડતો શોધવા જાય.
ચંપા બળીને રાખ થતી ચાલી. એણે ગામની સૂયાણી પાસેથી સત્તર જાતનાં ઓસડીયાં મંગાવીને ખાવા માંડ્યા. પાંચ ગામના ભૂવા પાસે જઈને સાત જાતની માનતા રાખી. છતાં રેસમાં શામળી હજી આગળ જ હતી.
પરંતુ બરાબર ત્રણ મહિને ભાંડો ફૂટ્યો ! ચંપાએ એક રાત્રે જાગીને જોયું તો શામલી એનાં એંઠાં કપડાનાં ગાભા સૂકવવા માટે કાંટાની વાડ ઉપર નાંખી રહી હતી ! એનો મતલબ શું થયો ? કે શામલી પેટથી હતી જ નહીં !
બસ પછી તો શું ? બે બિલાડીઓ એકબીજાને નહોરિયા ભરી ભરીને જે રીતે જાતજાતનાં ચિચિયારીઓ પાડતી હોય એવાં તમામ વેરિએશનો આખા ફળિયાને છેક સવાર સુધી સાંભળવા મળ્યાં ! હા, ફળિયાવાસીઓને આ તમાશો ‘લાઈવ’ જોવા માટે આખી રાતનો ઉજાગરો થયો, એ અલગ વાત છે.
પરંતુ હવે છનિયાની ઊંઘ ઊડી ગઈ હતી. એણે ગામની પંચાયતને ભેગી કરીને ફરિયાદ કરી કે ‘મને આ બન્ને ડાકણોથી છેડો-છૂટકો કરી આલો !’ પંચાયતે પૂછ્યું ‘બન્ને હાથે તે લગન કરેલાં છે તેના દાખલાં કાં છે ?’
હવે છનિયાએ વિધિસર લગ્ન કર્યાં હોય તો કોઈ દાખલા હોય ને ! આ તો અસલ આદિવાસી પ્રણાલી મુજબ બન્ને જોગમાયાઓ છનિયાના ઘરમાં જબરજસ્તીથી આવી ગઈ હતી. ટુંકમાં, હવે છનિયો સમજી ગયો કે ઘંટીના બે પડ વચ્ચે તેણે જીંદગીભર ભીંસાતા રહેવાનું છે. બીજી તરફ ઘંટીના બન્ને પડ પણ સમજી ગયાં હતાં કે બેટો છનિયો જઈ જઈને જશે ક્યાં ?
આમાંને આમાં જીવ ઉપર આવી ગયેલા છનિયાએ એક વરસતી રાતે જઈને તાપી નદીમાં પડતું મુક્યું !
એ તો સારું થયું કે છનિયો બચી ગયો. એ પછી બન્ને અભણ ધણિયાણી સમજી ગઈ કે ટોલ્સટોયની મહાન નવલકથા ‘વોર એન્ડ પીસ’માં ‘પીસ’ જ અંતિમ સત્ય છે.
એ પછી બિચારા છનિયાની જીંદગીમાં શાંતિનો પ્રવેશ થયો. જોકે તમે સમજો છે એ રીતે નહીં હોં ?
વાત એમ બની કે પંદર પંદર દિવસના અંતરે ચંપા અને શામલી બન્ને પેટથી થઈ. એ પછી આવનારા સંસારનું ભરણપોષણ કરવા માટે છનિયો ફરીવાર ઉકાઈ ડેમ ઉપર મજુરી કરવા માટે ગયો. આ બાજુ બન્ને ઘરવાળીએ ઘરે જ રહેવું પડે તેમ હતું. બન્ને વાટ જોતી હતી કે ક્યારે છનિયો રૂપિયા કમાઈને લાવે અને ક્યારે પોતે ‘બીજી’ કરતાં સારી સાડી, સારાં ઝાંઝર અને સારાં કડલાં કરાવે...
પણ છનિયો જ્યારે પાછો આવ્યો ત્યારે એની પાછળ પાછળ એક જંગલી પોપટી જેવી સુંદર કન્યા હાલી આવતી હતી. એનું નામ જ શાંતિ !
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment