કેન્દ્ર સરકારે પેન્શન યોજનામાં નવો પ્લાન રજૂ કર્યો છે, એ તો સમજ્યા, પણ જેમ જેમ તમે વધુને વધુ ‘વડીલ’ થતા જાવ છો તેમ તેમ ઘણા ‘ફાયદા’ થવા લાગે છે ! જુઓ…
***
લોકો બેસવાની જગ્યા આપી દે છે...
ખાસ કરીને દવાખાના અને હોસ્પિટલોના વેઇટિંગ રૂમમાં, મંદિરના ઓટલે તથા ઈવન સ્મશાનમાં !
***
લોકો તબિયતનું ધ્યાન રાખે છે...
- ખાસ કરીને વરસના વચલે દહાડે ફોન કરનારા, છ મહિને એકાદ વાર મળનારા, ફેમિલી પ્રસંગ વખતે મોં દેખાડવા આવનારા, દિવાળી વખતે પગે પડનારા અને ઇવન સંતાનોનાં ફ્રેન્ડ્ઝ લોકો પણ તમને પૂછતા હોય છે : ‘કેમ છો અંકલ ? તબિયત સારી ને ?’
***
લોકો દલીલો કરતા નથી...
- ખાસ કરીને યંગ લોકો ! હજી તમે કોઈ વાતે દલીલની શરૂઆત કરો કે તરત જ કહેશે ‘હા, અંકલ તમે જ સાચા, બસ ?’
***
લોકો સ્કોર પૂછે છે !
- હાસ્તો ? જે મળે તે તમને પછે છે : કેટલા થયા ? હજી કેટલા બાકી ? સેન્ચુરી થશે ને ? ટાર્ગેટ શું રાખ્યો છે ?
***
લોકો એકાંત આપે છે...
- ખાસ કરીને ઘરના જ લોકો ! તમને અલગ રૂમ આપી દે છે, અલગ કબાટ આપી દે છે, તમારા માટે અલગ ભોજન હોય છે, જે તમને તમારા અલગ રૂમમા આપી દેવામાં આવે છે ! અને ભલેને તમારે મહેમાનોને મળવું હોય ? મહેમાનોને સ્પષ્ટ સુચના હોય છે : ‘એમને ડિસ્ટર્બ ના કરતા, હોં !’
***
લોકો તમારો અભિપ્રાય માગે છે...
- ખાસ કરીને તમારી પુત્રવધુ ! ‘તમે મગની ખિચડી ખાશો કે સાદી ? સૂપ ફાવશે કે રાબ ? ઉકાળેલું પાણી આપું કે સાદું ? દવાખાને જવું છે કે ડોક્ટરને ઘરે બોલાવીએ ? વ્હીલચેર બારી આગળ મુકું કે બાલ્કનીમાં ?’
***
લોકો નાણાંકીય બાબતોમાં મદદ કરે છે...
- ખાસ કરીને તમારું બેન્ક ખાતું સંભાળવામાં, તમારું પેન્શન જમા કરાવવામાં, તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો મેનેજ કરવામાં, તમારી પ્રોપર્ટીનાં યોગ્ય પેપર્સ જાળવવામાં અને.... ખાસ તો તમારું વિલ તૈયાર કરાવવામાં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment