સમગ્ર ગુજરાતમાં થઈ રહેલા મૂશળધાર વરસાદને લઈને હવે ખાસ નવા પ્રકારની ચેતવણીઓ આપવાનો સમય આવી ગયો છે ! જુઓ…
***
ઘરથી બહાર નીકળતી વખતે છત્રી, રેઇનકોટ કે રબરનાં જુતાં નહીં પહેર્યાં હોય તો ચાલશે, પણ તરવૈયાઓનું ‘લાઇફ જેકેટ’ પહેરીને નીકળવાનું ભૂલતા નહીં.
(ભૂવાઓમાં માત્ર સ્કૂટર કે કાર ડૂબતાં નથી, તે જાણ ખાતર.)
***
નદીમાં આવેલાં પૂર જોવા માટે જો બ્રિજ ઉપર જવાના હો તો લાઇફ જેકેટય ખાસ પહેરવું કેમકે જો એ બ્રિજ છેલ્લા ૩૦ વરસમાં બન્યો હશે તો ગમે તે ક્ષણે પૂરનો ભાગ બની શકે છે !
***
દારૂડીયાઓને ખાસ સૂચના : રાજસ્થાન તથા મહારાષ્ટ્ર તરફથી આવતી ટ્રકો ખરાબ રોડને કારણે ટ્રાફિક જામમાં ફસાયેલી હોવાથી પૂરવઠો ખોરવાઈ શકે છે. અગાઉથી પોતાના સ્ટોકની વ્યવસ્થા કરી લેવી.
(આ સૂચના બુટલેગરો તરફથી નહીં પણ રાજ્યની હપ્તાખાઉ પોલીસ તરફથી છે !)
***
ઘરમાં નવરા બેસી રહેલા પતિઓને ખાસ વિનંતી : વારેઘડીએ પત્નીને ફૂદીનાવાળી ચા બનાવવાનું કહેશો નહીં. કેમકે ખરાબ રસ્તાઓને કારણે રાજ્યભરની શાક મારકેટોમાં ફૂદીનાની પણ સખત અછત છે.
***
ન્યુઝ ચેનલોને ખાસ ચેતવણી : સુરતની શેરીઓમાં ભરાયેલાં પાણી અમદાવાદના નામે, તથા નવસારી વલસાડ વિસ્તારની ધસમસતી નદીઓના વિડીયો સૌરાષ્ટ્રના નામે બતાડવા નહીં. અને હા, આ વરસના વિડીયો આવતા વરસે પૂર આવે એ પહેલાં જ બતાડશો તો કાનૂની પગલાં લેવામાં આવશે !
***
અને છેલ્લે, સોશિયલ મિડીયા ઉપર વિડીયો મુકવા માટે નીકળી પડેલા ઘેલસઘરાઓને લાસ્ટ વોર્નિંગ : સરકારી તંત્રો કંઈ તમારા ‘ફોલોઅર્સ’ નથી કે તમે તણાઈ જાવ તો તમને ‘ફોલો’ કરવા માટે પાછળ પાછળ આવે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment