કોર્ટોનું શાબ્દિક ચક્કર !

કોલકાતા રેપ-મર્ડર કેસમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જે રીતે ધસી આવી એનું પરિણામ એ આવ્યું કે જે આરોપીની ધરપકડ બીજા જ દિવસે થઈ હતી તેને ૧૪ દિવસના રિમાન્ડ ૧૩ દિવસ પછી કોર્ટ દ્વારા મળ્યા !

આવું બધું થતું જ રહે છે કેમ કે દેશનાં સરકારી તંત્રો કોર્ટ માટે વપરાતા શબ્દોનો સાચો અર્થ બહુ સારી પેઠે જાણે છે ! જુઓ…

*** 

કોર્ટ આકરા પાણીએ
આ પાણી ક્યાં હોય છે એ તો ખબર નથી પણ જ્યારે સેંકડો મુદતો પડ્યા કરતી હોય, કેસો બે વરસથી બાર વરસ લગી ખેંચાયા કરતા હોય અને બળાત્કારના આરોપીઓ ૩૨ વરસ પછી ઘરડા થઈ ગયા હોય… ત્યારે હજી તો ‘ડિસ્ટ્રીક્ટ’ કોર્ટનો ચૂકાદો આવે… ત્યારે કોર્ટને ‘ઠંડા પાણીએ’ ગણવામાં આવે છે !

*** 

કોર્ટ લાલઘુમ
આતંકવાદ, ગેંગ રેપ, સામુહિક હત્યા કે પૂર્વઆયોજિત કોમી રમખાણો વખતે કોર્ટ લાલઘુમ નથી હતી. એ તો ક્યારેક ક્યારેક સરકારી તંત્રો સામે જ લાલઘુમ થઈ જાય છે ! એ પણ એકાદ દિવસ પુરતી જ, પછી તો પાછી ‘લીલીછમ’ થઈ જાય છે !

*** 

કોર્ટે ખખડાવી નાંખ્યા
શહેરમાં પાણી ભરાઈ જાય, રોડમાં ખાડા પડી જાય, ગટરો ઉભરાય કે મચ્છરોનો ત્રાસ વધી જાય ત્યારે નામદાર કોર્ટ સરકારી અધિકારીઓને ‘ખખડાવી’ નાંખે છે. અધિકારીઓ પણ ‘ખખડ્યા’ પછી ફરી ઢીલા થઈ જાય છે !

*** 

કોર્ટે ઉધડો લીધો
આ ખખડાવી નાંખ્યાનું માત્ર નેકસ્ટ લેવલ જ છે ! સરકારી તંત્રોએ આ સારી પેઠે જાણે છે એટલે પુરેપુરી તકેદારી રાખે છે કે ઉઘડો લેવાતો હોય ત્યારે મૂછમાં પણ હસવું ના આવી જાય !

*** 

કોર્ટે રિપોર્ટ માગ્યો
આહાહા… આ વખતે પ્રજાને લાગે છે કે હવે જરૂર કંઈક હલશે ! પણ એવું કંઈ થતું નથી. કેમકે રિપોર્ટ અધકચરો, અધૂરો અને ધડમાથા વિનાનો જ હશે !

*** 

કોર્ટે આદેશ આપ્યો
એ તો આપે ! અમલ તો તંત્રોએ કરવાનો છે ને ? એમને ખબર છે કે અમલ નહીં થાય તો કોર્ટ પહેલાં આકરા પાણીએ થશે, પછી લાલઘુમ થશે, પછી ખખડાવશે, પછી ઉઘડો લેશે… આ તો ચક્કર છે, ચાલતું જ રહેશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments