આ દેશના જુગારીઓને તો સુચના આપવા શાહરૂખ ખાન જેવા મોટા ફિલ્મ સ્ટારો બેઠા જ છે કે ‘જિમ્મેદારી સે ખેલેં !’ (એટલે શું ? કોઈ સમજાવશે ?)
જોકે અમે તો એવા લોકોને સુચનાઓ આપવા માગીએ છીએ જે સાતમ આઠમમાં પત્તાં રમતા નથી પણ રમનારાઓની આજુબાજુ બેસી રહેતા હોય છે ! લો સમજી લો…
***
પહેલી સુચના તો એ કે હખણા બેસો ! વારેઘડીએ અહીંથી ઊઠીને તહીં બેસો છો એમાં રમનારાને ખલેલ પડે છે.
***
બીજું, કોઈનાં પત્તાં જોઈને મોં બગાડવું નહીં ! એ જ રીતે આંખો પહોળી કરીને રાજી પણ થવું નહીં ! તમારુ ડાચું જોઈને સામેવાળો આખી બાજી સમજી જાય છે.
***
ત્રીજું, જે રમતા હોય એને સલાહો આપવી નહીં… મુંગા મરો ! જો એટલું બધું આવડે છે તો રમવા કેમ નથી બેસતા ?
***
કોઈ હારતું હોય એની સામે દિવેલિયું ડાચું કરવાનું નથી. અને જે જીતતો હોય એનાં વખાણ કરવાની પણ જરૂર નથી. ખરેખર સપોર્ટ કરતા હો તો રૂપિયા આપો ને રૂપિયા !?
***
રમનારા જ્યારે કહે ત્યારે ડાહ્યા ડમરા થઈને ચા કહેવા જવું… અને વળતાં સૌ માટે માવા લેતા આવવા ! ઓકે ?
***
રમનારાની પત્નીનો ફોન આવે તો જાતે ઉપાડીને કોઈ દોઢ-ડહાપણ કરવું નહીં.
***
થોડી થોડી વારે બહાર જઈને નજર રાખતા રહેવું કે આસપાસમાં પોલીસ તો નથી ને.
***
પોલીસની રેડ પડે ત્યારે ‘હું તો ક્યાં રમતો હતો ?’ એમ કહીને છૂટી પડો તે નહીં ચાલે ! મફતના ચા-નાસ્તા અને માવા ખાધા છે તો પોલીસ સ્ટેશને પણ હારે આવવાનું રહેશે.
***
પોલીસ સ્ટેશનમાં પુરાયા પછી રમી રમીને થાકેલા ખેલીઓના પગ દાબી દેવા પડશે.
***
અને છેલ્લી છતાં સૌથી મેઈન સુચના… તમે પોતે બહુ ‘લકી’ છો અને બીજા કોઈ ‘બુંદિયાળ’ છે એવું નક્કી કરતાં પહેલાં પોતાની પત્નીને પૂછી જોવું ! ઔકાત ખબર પડી જશે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment