આપણા ગુજરાતી ફેમિલીમાં... !

આપણે ગુજરાતીઓ દરેક વાતે દુનિયાથી અનોખા છીએ. એમાંય તમે માર્ક કરજો કે આપણા ગુજરાતી ફેમિલીઓમાં અમુક નમૂના તો ચોક્કસ હોવાના જ ! જેમકે…

*** 

આપણા ગુજરાતી ફેમિલીમાં એક અંકલ તો એવા જરૂર હશે જેમને શેરબજારમાં બહુ સમજ પડતી હોય ! એટલું જ નહીં, તમે અમસ્તી તબિયત પૂછો તોય આખા શેરબજારનો રીપોર્ટ આપવા બેસી જશે !

*** 

આપણા ગુજરાતી ફેમિલીમાં કમ સે કમ ચાર અંકલ આન્ટીઓ તો ‘ફોરેન’માં જ હશે. એટલું જ નહીં, એ ત્યાંથી માત્ર ‘કેમ છો ?’ કરવા માટે જે ‘વોટ્સએપ વિડીયો કોલ’ કરશે તે અહીંના ઘરનાં તમામ સભ્યોને ‘જેશ્રીકૃષ્ણ’ કરતાં કરતાં પુરો પોણો કલાકે પુરો થશે !

*** 

ફેમિલીમાં એક ‘હરખપડુદાં આન્ટી’ જરૂર હશે ! જે ગરબાનો ઢોલ વાગતાંની સાથે જ હોલમાં, મોલમાં, ચાર રસ્તે કે ઘરમાં ગરબા કરવા ગમે ત્યારે કૂદી પડશે !

*** 

ફેમિલીમાં એક અંકલ પોલિટીક્સના ‘જાણભેદુ’ હોવાના ! એમને ફક્ત એટલું જ પૂછો કે ‘શું લાગે છે ?’ તો તરત જ એ શરૂ થઈ જશે કે હવે મોદી, મમતા, રાહુલ, કેજરીવાલ, પવાર, અખિલેશ, પુતિન, ટ્રમ્પ, ખોમૈની, કમલા, નેતન્યાહુ, ઝેલેન્સકી ઉપરાંત ચાઈના, અમેરિકા, રશિયા, વેનેઝુએલા, ફ્રાન્સ, ઈટાલી, કેનેડા, નોર્થ કોરિયા વગેરે હવે શું કરવાના છે ! અને ‘શું નું શું’ થવાનું નક્કી છે !

*** 

કમ સે કમ એક આન્ટીને જ્યારે પૂછો ત્યારે ખબર હોય છે કે ક્યાં સેલ ચાલે છે, શેની ઉપર ડિસ્કાઉન્ટ છે, કઈ વસ્તુ એક ઉપર એક ફ્રી મળે છે, શેમાં ૨૦ ટકા એકસ્ટ્રા મળે છે અને એક જ વસ્તુનો ફલાણી જગ્યા કરતાં ફલાણી દુકાનમાં કેટલો ઓછો ભાવ છે !

*** 

અચ્છા, ફેમિલીના વોટ્સએપ ગ્રુપમાં કમ સે કમ એક ઉત્સાહી વ્યક્તિ તો હશે જ, જેનાં ડેઈલી ગુડમોર્નિંગ મેસેજો ના હોત, તો વોટ્સએપ ગ્રુપ ક્યારનું બંધ પડી ગયું હોત !

*** 

અને ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં એક છોકરી એવી જરૂર હશે જેને આખા ફેમિલીના તમામ મેમ્બરોની બર્થ ડેટ અને એનીવર્સરીઓ યાદ હશે !

*** 

બાકી, તમે ખાતરીથી કહી શકો કે આપણા ગુજરાતી ફેમિલીમાં કમ સે કમ પચાસ ટકા તો ‘ભક્ત’ હશે જ !

***

- મન્નુ શેખચલ્લી

Comments