શ્રાવણ મહિનો ચાલે છે. પત્તાંના શોખીનો તો સાતમ-આઠમ પહેલાં જ મચી પડ્યા છે. એ જ રીતે રાજકારણમાં પણ પત્તાંની જેમ નવી નવી બાજુઓ ખૂલી રહી છે…
***
રોન કાઢી...
મમતા બેનરજીએ કોલકાતા રેપ-મર્ડર કેસમાં ખરેખર રોન કાઢી છે ! પહેલાં પોલીસ તપાસમાં ગડબડો કરી, પછી રવિવાર સુધીની વોર્નિંગ આપી ! પછી પોતે જ સીબીઆઈની માગણી કરી ! અને પછી પોતે જ ન્યાય માટે રેલી કાઢી !
***
પેક થઈ ગયા...
મોદી સરકારે સળંગ ત્રણ બાજી રમતાં પહેલાં જ પેક કરીને ખસી જવાનું નક્કી કર્યું ! પહેલાં વકફ બોર્ડ કાનૂન સુધારામાં, પછી સોશિયલ મિડીયામાં કંટ્રોલ બિલમાં અને લેટરલ ભરતીમાં ! સાલું પોતાનાં જ પત્તાં નબળાં નીકળ્યાં...
***
કલર થઈ ગયો...
ન ટ્રાયો હતો, ના સિકવન્સ હતી, કે ના તો કોઈ ભારે પત્તું હતું... પણ ‘જયા અમિતાભ બચ્ચન’ એવું નામ બોલવાના ‘ટોન’માં રાજ્યસભાના સ્પીકરનો કલર થઈ ગયો... (રાતોપીળો)
***
પપલુ ગેમ
જરા માઇન્ડ ફ્રેશ થાય એટલા ખાતર કોઈ સાવ ફાલતુ પત્તાને ટ્રમ્પ કાર્ડ બનાવવામાં આવતું હોય છે. જેમકે ઝારખંડમાં ચંપઈ સોરેન પાર્ટી છોડીને બહાર તો નીકળી ગયા... પણ બે ઘડી ગમ્મત સિવાય કંઈ મોટી ઉથલપાથલ ના થઈ !
***
બંધ બાજીમાં રમવું...
મોદીજી રશિયા જઈને પુતિનને મળ્યા... શું વાત થઈ ? ગુપ્ત રહ્યું ! હવે યુક્રેન ગયા છે... શેના માટે ? પછી પોલેન્ડ પણ જવાના છે... ટુંકમાં મોદીજી બંધ બાજી રાખીને રમી રહ્યા લાગે છે !
***
બ્લફ ખેલ...
હાથમાં પત્તાં ભલે ફાલતુ હોય પણ દેખાવ એવો કરવો કે જાણે ટ્રાયો લઈને બેઠા છીએ ! જેમકે ભારત વિશ્ર્વગુરુ બની જશે... વર્લ્ડની ત્રીજા નંબરની ઇકોનોમી બની જશે... અબ કી બાર ચારસો પાર... વગેરે.
***
શો ડાઉન...
બાંગ્લાદેશમાં થઈ ગયો ! અને અમુક લોકોના મોંમાં લાળ આવી રહી છે કે ભારતમાં પણ થશે ! બોલો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment