અમુક સમાચારો જ એવા હોય છે કે એમાં અમારા જેવા બબૂચકને બહુ ભોળા સવાલો થવા લાગે છે ! દાખલા તરીકે….
***
સમાચાર :
ગુજરાત સરકાર અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવશે.
ભોળો સવાલ :
મોદી સાહેબ બોલ્યા હતા કે ‘હું કદાચ ‘નોન - બાયોલોજીકલ’ જીવ (અવતારી પુરુષ) છું એવું મને લાગે છે’… તો એમની ઉપર આ કાયદો લાગુ પડે ખરો ?
***
સમાચાર :
મહારાષ્ટ્રના બદલાપુર ગામની સ્કુલમાં બાલમંદિરની બાળાઓ ઉપર ત્યાંના પટાવાળાએ પાશવી દુષ્કર્મ કર્યું. તેના વિરોધમાં લોકોએ થાણે સ્ટેશન પર જઈ અનેક ટ્રેનો અટકાવી દીધી.
ભોળો સવાલ :
આખી વાતમાં ટ્રેનોનો શું વાંક ? કોઈ કહેશે ?
***
સમાચાર :
કોલકતાના રેપ-મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે બધાને ખખડાવી નાંખતાં પૂછ્યું : ‘પોલીસ, હોસ્પિટલ અને પ્રિન્સીપાલ શું કરી રહ્યા હતા ?’
ભોળો સવાલ :
આવું તો છેલ્લા છ દિવસથી આમ જનતા, મિડીયા, ડોક્ટરો, વિપક્ષો અને સીબીઆઈ પણ પૂછી રહ્યા છે ! હવે સુપ્રીમ કોર્ટ પૂછશે તો શું કેસ ઉકલી જવાનો છે ?
***
સમાચાર :
રશિયાએ દાવો કર્યો છે કે યુક્રેન હવે રશિયાનાં ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ ઉપર હૂમલો કરવાની ફિરાકમાં છે.
ભોળો સવાલ :
રાહુલ ગાંધી પણ આવું જ કંઈક બોલ્યા હતા ને, કે હવે મારી ઉપર ઈડીની રેડ પડશે ! પછી પડી ? સ્ટ્રેટેજી સરખી નથી લાગતી ?
***
સમાચાર :
કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપીનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરવામાં આવશે.
ભોળો સવાલ :
આવા ટેસ્ટ ક્યારેય કોઈ નેતાઓના કેમ નથી થતા ? જનતા જાણવા માગે છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment