પતિ-પત્નીનાં ફેમસ સુવાક્યો !

આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. કુંવારી છોકરીઓ સારો પતિ મળે એ માટે વ્રત કરે છે. પરંતુ સારી પત્ની મળે એ માટે કેમ કોઈ વ્રત હોતું નથી ?
તો કહે છે કે એમાં તો ખુદ ભગવાન પણ કોઈ ગેરંટી આપી શકે એમ નથી ! બોલો.

આ સિવાય પણ પતિ-પત્નીના સંબંધ વિશે અમુક ફેમસ સુવાક્યો ફરતાં રહે છે. જુઓ થોડા નમૂના…

*** 

ચા અને પતિના નસીબમાં હંમેશાં ઉકળવાનું જ લખ્યું છે... એ પણ પત્નીના હાથે જ !

*** 

છોકરો કુંવારો હોય ત્યાં લગી ‘ગાણાં’ સાંભળીને સૂવે... પણ લગ્ન કરે પછી પત્નીના ‘ટોણાં’ સાંભળીને સૂવે !

*** 

લવ એ ઓટોરીક્ષા જેવો હોય. અને મેરેજ એ વિમાન જેવું હોય. કેમ ? કારણ કે રીક્ષામાંથી ગમે ત્યારે અધવચ્ચેથી ઉતરી શકાય પણ મેરેજમાં...

એ રીતે ‘લવ-મેરેજ’ એ ઉડતી ઓટોરીક્ષા જેવું છે. આમ લાગે તો સહેલું કે ચલો કૂદી પડીએ... પણ કૂદો પછી જ ખબર પડે કે આમાં તો હાડકાં ભાંગી ગયાં !

*** 

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે દરેક સ્ત્રીને ૩૦ વરસની ઉંમરે પહોંચવામાં ૪૫ વરસ લાગી જાય છે !

*** 

આજના છોકરાઓને પત્ની કેવી જોઈએ ? તો કહે, દેખાવમાં દિપીકા પદુકોણ જેવી હોવી જોઈએ એકામમાં કામવાળી જેવી હોવી જોઈએ !

*** 

અને આજની છોકરીઓને પતિ કેવો જોઈએ ? તો કહે, કમાણી અંબાણી જેવી હોવી જોઈએ અને કહ્યાગરા મનમોહનસિંહ જેવા હોવા જોઈએ !

*** 

જમતી વખતે જો ફોન હાથમાં હોય તો જમવાનું પતાવતાં બમણો ટાઈમ લાગે છે પરંતુ એ જ ફોન જો પત્નીના હાથમાં આવી જાય તો અડધા ટાઇમમાં ખાવાનું પતી જાય છે !

*** 

અગાઉ લોકો ‘જ્વેલરી’ છૂપાવતા હતા. પછી ‘સેલેરી’ છૂપાવતા થયા... હવે ફોનની ‘ગેલેરી’ છૂપાવે છે !

*** 
સુખી લગ્નજીવન માટે આ પાંચ વાક્યો શીખી લો...

(૧) ઓકે (૨) ખાવાનું સરસ બન્યું છે (૩) તું આજે બહુ સારી લાગે છે (૪) ખરીદી લે (૫) સોરી !

***

- મન્નુ શેખચલ્લી

Comments