રિટાયર્ડ લાઈફનાં ત્રણ સ્ટેજ !

પહેલી વાત તો એ સમજી લેવાની કે માત્ર પુરુષો જ નિવૃત્ત થાય છે ! સ્ત્રીઓ તો જિંદગીભર… પંચાત, કચકચ, માથાકૂટ, કજિયા ઓફ કોર્સ, રસોઈ કરતી જ રહે છે !

*** 

સ્ટેજ : (૧) વાઉ ! લાઇફ બિગિન્સ એટ સિકસ્ટી !
સ્ટેજ : (૨) ઉંમરની અસર તો વરતાય જ ને ?
સ્ટેજ : (૩) હવે કેટલાં બાકી રહ્યાં, ભગવાઆઆન?

*** 

સ્ટેજ : (૧) થોડી સમાજસેવા કરવાનો વિચાર છે.
સ્ટેજ : (૨) સાલાઓ, મફતમાં મજુરી કરાવ છે.
સ્ટેજ : (૩) અરે, કોઈ મારી તો સેવા કરો ?

*** 

સ્ટેજ : (૧) બહુ કામ કર્યું, હવે આરામ કરવો છે.
સ્ટેજ : (૨) ઘરમાં બેસી બેસીને કંટાળ્યા, ભૈશાબ !
સ્ટેજ : (૩) હોતું હશે ? કોણ કહે છે કે હું પથારીવશ થઈ ગયો છું ? હા,  જરા લાકડીનો ટેકો જોઈએ, બસ !

*** 

સ્ટેજ : (૧) કંઈક નવું શીખવું છે, નવી હોબી, નવો શોખ…
સ્ટેજ : (૨) જુઓ, આ બધું વેચવાનું છે… આ ગિટાર, આ કરાઓકે સિસ્ટમ, આ હાઈકીંગ કીટ, આ તંબૂ… અને આ પેરેશૂટ !
સ્ટેજ : (૩) શું કહ્યું ? હવું તું ‘મને’ શીખવાડીશ, એમ ?

*** 

સ્ટેજ : (૧) આઈ એમ ફીટ એન્ડ ફાઈન ! મને શું થવાનું હતું ?
સ્ટેજ : (૨) એમાં શું થયું, કે બોડી ચેક અપ કરાવ્યું ને, એમાં આ બધું નીકળ્યું ! બાકી…
સ્ટેજ : (૩) એ તો આયુષ્યમાન કાર્ડ હતું ને, એટલે સાડા ત્રણ લાખ બચી ગયા ! બોલો.

*** 

સ્ટેજ : (૧)  મને તો આજે પણ ટાઈમ ઓછો પડે છે.
સ્ટેજ : (૨) તમે ટાઇમપાસ કરવા ક્યાં બેસો છો ? હું તો રોજ મંદિરના ઓટલે બેસું છું.
સ્ટેજ : (૩) હા… બેઠાં બેઠાં મોબાઈલ મચડીએ છીએ… બીજું તો શું થાય ?

*** 

સ્ટેજ : (૧) અમારા જમાનામાં તો… ઓહોહો !
સ્ટેજ : (૨) અમારા જમાનામાં તો… અલ્યા, બેસ તો ખરો ?
સ્ટેજ : (૩) અમારા જમાનામાં તો… અલ્યા, બધા લોકો ફોન કેમ કટ કરી નાંખે છે ?

*** 

સ્ટેજ : (૧) મને બધી ખબર છે, તું મને પૂછ ને !
સ્ટેજ : (૨) અલ્યા, સ્હેજ પૂછો તો ખરા ?
સ્ટેજ : (૩) પૂછવાનું તો બાજુએ રહ્યું, કોઈ જણાવતા પણ નથી ? હે ભગવાઆઆઆન !

***

- મન્નુ શેખચલ્લી

Comments