ગુજરાતમા વધુ એક પુલની પોલ ખૂલી ગઈ ! ખરેખર હવે તો સમજાતું જ નથી કે આ બધા પુલ છે કે કાર્ટુન માટેના સબ્જેક્ટ છે ?
***
ખખડી ગયેલા (હાટકેશ્વર ટાઇપના) એક પુલની ફાઈલ બતાડીને એક અધિકારી નેતાજીને કહી રહ્યો છે :
‘સાહેબ આ ભયજનક બની ગયેલા પુલને તોડી પાડવા માટેનું ટેન્ડર ઝટ પાસ કરો ! નહિંતર જો એને મેળે તૂટી જશે તો આપણા સૌની મલાઈ હાથથી જશે !’
***
સુરતના મેટ્રો ટ્રેનનાં ત્રાંસા થઈ ગયેલા પુલને જોઈને નેતાજી રીતસરના ડઘાઈ ગયા છે ! એ કહે છે :
‘હેં ? આ પુલ નીચો ઝૂકી જવાને બદલે ઊંચો કેમ થઈ ગયો છે ? નક્કી એણે મોંઘવારી ઇન્ડેક્સનો ચાર્ટ જોઈ લીધો લાગે છે !’
***
આપણે જોઈ શકીએ છીએ કે નવો નવો બનેલો એક પુલ નાની અમથી રીક્ષા પસાર થાય તો પણ રીતસર ધ્રુજી રહ્યો છે !
આ દ્રશ્ય બતાડતાં એક અધિકારી નેતાજીને કહી રહ્યા છે :
‘સાહેબ, જે થઈ ગયું તે ભલે થઈ ગયું… હવે આ પુલને ‘ઝૂલતો પુલ’ જાહેર કરી દઈએ તો કેવું ? એક ‘ટુરિસ્ટ સ્પોટ’ પણ બની જશે !’
***
નેતાજી સખત ગુસ્સામાં છે. તે અડધો ડઝન અધિકારીઓને એક દુકાનનું પેમ્ફ્લેટ બતાડીને ધધડાવી રહ્યા છે :
‘આ દુકાનનું સરનામું જુઓ ! લખ્યું છે… ફર્નાન્ડીઝ પુલની નીચે ! આવી તો ત્યાં ડઝનબંધ દુકાનો છે ! આ બન્યું શી રીતે ? આટલાં વરસોથી આ પુલ તૂટી કેમ નથી પડ્યો ? અને નીચેની દુકાનો અકસ્માત વીમો લીધા વિના જ ચાલી રહી છે ? જાવ… જઈને દરોડા પાડો !’
***
છાપામાં પુલ તૂટવાના સમાચારો વાંચીને ગભરાઈ ગયેલા નેતાજીને એક અધિકારી આશ્વાસન આપી રહ્યા છે :
‘બિલકુલ ચિંતા ના કરો, સાહેબ ! તમે પાસ કરેલા બારે બારે પુલો બાપ જન્મારામાં પણ કદી નહીં તૂટે ! કેમકે એ તમામ પુલો ‘ઓન પેપર’ જ બનેલા છે !’
***
બે મજુરો પુલમાં તૂટી પડી ગયેલું ગાબડું પુરી રહ્યા છે. બાજુમાં ઊભેલા નેતાજી કહે છે :
‘જલ્દી કરો ! મિડીયાવાળા આવે એ પહેલાં ગાબડું પુરી નાંખો !’
બાજુમાં ઊભેલો સરકારી કર્મચારી કહે છે :
‘સાહેબ, મિડીયામાં આવ્યું ત્યારે જ આપણને ખબર પડી કે અહીં ગાબડું પડ્યું છે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment