અક્ષય કુમારની માઠી ચાલે છે !

લો, અક્ષયકુમારની વધુ એક ફિલ્મ ફ્લોપ થઈ ગઈ ! આખા મામલામાં ટ્રેજેડી કરતાં કોમેડી વધારે છે…

*** 

જુઓને, ખુદ અક્ષય કુમાર એમ માનતો હતો કે એની લેટેસ્ટ ફિલ્મ એક કોમેડી છે. પણ થયું શું ? ટ્રેજેડી !

*** 

જોકે વાંક લોકોનો પણ ખરો. ભારતમાં ‘ખેલ ખેલ મેં’માં કોને રસ પડે ? (ઓલિમ્પિક્સમાં કુલ કેટલા મેડલ મળ્યા?) ‘વેદા’માં પણ શું ટપ્પી પડે ? (‘ઉપનિષદા’ બનાવો તોય ના ચાલે) છેવટે રસ શેમાં પડ્યો ? ‘સ્ત્રી’માં ! એ પણ ‘સ્ત્રી-ટુ’ એટલે કે ‘બીજી’ સ્ત્રીમાં !

*** 

એક પોઝિટીવ સાઇડ તો છે જ… જો અક્ષયકુમાર થોડી મહેનત કરે અને વધુ ત્રણ ફિલ્મો બનાવી નાંખે તો સળંગ એક ડઝન ફ્લોપનો રેકોર્ડ બની શકે છે ! કમ ઓન અક્ષય, યુ કેન ડુ ઇટ.

*** 

કહે છે કે ‘સ્ત્રી-ટુ’ હોરર મુવી છે… હા, પણ અસલી ડરામણો સીન તો ‘ખેલ ખેલ મેં’ના શો વખતે હોય છે, કેમકે થિયેટર આખું ખાલી હોય છે !

*** 

અક્ષય કુમારે લક માટે ન્યુમરોલોજી ટ્રાય કરવી જોઈએ.પોતાનું નામ બદલીને ‘ક્ષય’કુમાર કરી જુએ… બંધબેસતું હોવાને કારણે ચાલી પણ જાય !

*** 

એમ તો ‘બડે મિયાં છોટે મિયાં’નું નામ બદલીને ‘બડે હિન્દુ છોટે હિન્દુ’ રાખીને ફરી રીલિઝ કરી જુઓ… કદાચ ચાલી જાય ! ભલું પૂછવું.

*** 

એ જ રીતે ‘સરફિરા’ ફિલ્મના નામમાં જ લોચો હતો. કેમકે નામ જ રિવ્યુ જેવું લાગતું હતું… સર ફિરા !

*** 

ખોટ ભરપાઈ કરવી હોય તો એક છેલ્લો ઉપાય છે. સોશિયલ મીડિયામાં અક્ષય કુમારનાં એટલાં બધાં મિમ્સ ફરે છે કે જો એક મિમનો એક પૈસો ચાર્જ કરે તો અક્ષય કુમારના મિમ મુજબ… ‘પૈસા હી પૈસા હોગા !’

ભલે તમે કહો કે ‘અમીર આદમી દેખા નહીં કે ભીખ માંગના શુરુ !’

(આમાં આપણે અક્ષય કુમારને કહેવું પડે કે ‘તું સમજા ? નંઈ… તું નહીં સમજા !’)

***

- મન્નુ શેખચલ્લી

Comments