નાની નાની આઝાદીઓ !

૧૫મી ઓગસ્ટે દેશનો ૭૭મો આઝાદી દિવસ ગયો. પરંતુ આપણી અમુક નાની નાની અને ‘અસલી’ આઝાદીઓ તો આખા વરસમાં ગમે ત્યારે આવતી હોય છે. જેમ કે…

*** 

યાદ છે ? નાના હતા ત્યારે સ્કુલમાં શિક્ષક ના આવ્યા હોય ત્યારે અચાનક ‘ફ્રી પિરીયડ’ મળી જતો હતો ? એ હતી અસલી આઝાદી !

*** 

આજે પણ એવી આઝાદીની ફીલિંગ મળે છે, જ્યારે આપણો મોગેમ્બો જેવો બોસ અચાનક બિમાર પડી જાય અને ઓફિસે ના આવી શકે !

*** 

પરણેલા પુરુષોને પૂછી જોજો, પત્ની જ્યારે પિયર જાય છે ત્યારે, ‘અસલી’ આઝાદીવાળી ફીલિંગ આવે છે ને ?

*** 

એમ તો ચિલ્લ એસવાળી લકઝરી બસ સળંગ ચાર કલાક હાઈવે પર ચાલ્યા પછી જ્યારે કોઈ રેસ્ટોરન્ટ પાસે ઊભી રહે ત્યારે નીચે ઉતરીને આપણે જે સીધા ‘રેસ્ટ રૂમ’ તરફ દોટ મુકીએ છીએ, એ પછી જે આઝાદીની ફીલિંગ આવે છે…
આહાહા !

*** 

અને ત્રણ ત્રણ દિવસની કબજિયાત પછી જ્યારે… (એને જ કહેવાય સાચી ‘મુક્તિ’!)

*** 

મહિલાઓ ભલે કબૂલ ના કરે, પણ મેરેજ ફંકશન માટે જે તસતસતાં ટાઈટ અને ચળકતાં કપડાં પહેરી રાખ્યાં હોય છે, તે ઘરે આવીને બદલ્યા પછી ‘ફ્રીડમ’વાળી ફીલિંગ આવે છે કે નહીં ? સાચું બોલજો.

*** 

સેઇમ ટાઈપની ‘ફ્રીડમ’વાળી ફીલિંગ સ્ક્રીન ટાઇટ જિન્સ ઉતાર્યા પછી છોકરાઓને થાય છે !

(એ હિસાબે સાઉથમાં લુંગી પહેરનારા તો ‘ફ્રીડમ ફાઈટર્સ’ કહેવાય, નહીં ?)

*** 

એ જ રીતે જે લોકોને ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા આગળ ફરજિયાતપણ હાજર રહીને મોદી સાહેબનું ૧ કલાક ૩૯ મિનિટનું ભાષણ સાંભળવું પડ્યું હોય…

- એ લોકો પણ ‘ફ્રીડમ ફાઈટર્સ’ કહેવાય ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments