આપણને ઉચ્ચાર શીખવનારાઓ !

અંગ્રેજો આ દેશ છોડીને ગયા તેને ૭૭ વરસ થઈ ગયાં છતાં આપણે હજી અંગ્રેજીની ગુલામી છોડી નથી ! એ ગુલામોના નમૂનાઓ હજી આપણા દેશમાં છૂટા ફરે છે, જુઓ…

*** 

જે લોકો હજી ‘પંડ્યા’ને ‘પાંડ્યા’ કહે છે, ‘જાડેજા’ને ‘જડેજા’ કહે છે એ લોકો આપણને શીખામણ આપે છે કે ‘નોર્ત્જે’ નહીં, ‘નોર્યે’ બોલાય ! ‘ક્લાસેન’ નહીં ‘કલાસેં’ બોલાય !

***
 
હજી જે લોકો સરખી રીતે ‘વારાણસી’ તો બોલી નથી શકતા, ‘વિશાખાપટ્ટનમ’ બોલતાં બોલતાં તો જીભનાં ગૂંચળાં વળી જાય છે એ લોકો આપણને શીખવે છે કે ‘મોન્ટ્રિઆલ’ નહીં, પણ ‘મોંત્રિએલ’ એવું બોલવાનું હોય ! અને ‘હેનોવર’ નહીં પણ ‘હેન્નોવા’ એવું બોલાય !
(જાણે પોતે તો જર્મનીમાં જઈને બાલમંદિર સુધીનું ભણી આવ્યા હોય.)

*** 

‘અલ્પાહાર’ એટલે શું, એની તો ખબર ના હોય એવા લોકો આપણને કહે છે કે ‘રેસ્ટોરન્ટ’ નહીં, ‘રેસ્ત્રાં’ કહેવાય !
એ જ લોકોને પૂછો કે ‘કેશકર્તનાલય’ એટલે શું ? તો માથાના વાળ ખંજવાળશે. છતાં એ લોકો આપણને શીખવાડે છે કે ‘સલુન’ નહીં ‘સલોં’ કહેવાય !

*** 

‘જળ’ અને ‘નળ’માં આવતા ‘ળ’ તો હજી સરખી રીતે બોલતાં આવડ્યું નથી એ લોકો હવે આપણને કહે છે કે ‘પ્લમ્બર’ નહીં, ‘પ્લમર’ કહેવાય !

*** 

પોતે મુંબઈમાં ગુજરાતી પરિવારમાં જન્મ્યા છે, સત્તર વાર ગુજરાત આવી ચૂક્યા છે છતાં ‘ઢોકળાં’ને ‘ઢોકલા’ જ કહે છે ! અને પોતે ઇટલીનું મોં સુધ્ધાં જોયું નથી એવા જુવાનિયાઓ આપણને કહે છે ‘અંકલ, ‘પિઝા’ નહીં ‘પિત્ઝા’ કહેવાય ‘પિત્ઝા’ !’
(તું પહેલાં સરખી રીતે ‘પૂરણપોળી’ તો બોલી બતાડ ?)

*** 

જે લોકો ‘ગણેશ’ને ‘ગનેશા’, ‘રામ’ને ‘રામા’, ‘શિવ’ને ‘શિવા’ અને ‘બ્રહ્મ’ને ‘બ્રહ્મા’ કહે છે (ડોબાઓને બ્રહ્મ અને બ્રહ્માનો ફરક ખબર હોય તો ને ?)

એ જ લોકો આપણને શીખવાડે છે કે ખ્રિસ્તીઓને ‘ક્રિશ્ચીયન્સ’ નહીં, પણ ‘ક્રિશ્ચન્સ’ કહેવાય !

ટુંકમાં, ગુલામોનાં ગામ ના હોય, અહીં તો આખેઆખો દેશ છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments