કેવાં કેવાં કારણ ?!

અમુક ઘટનાક્રમ આજકાલ એવી વિચિત્ર રીતે આકાર લઈ રહ્યા છે કે જ્યારે એ ઘટના બનશે ત્યારે આપણને નવાઈ લાગશે કે…

*** 

જો ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સ્પીકર જગદીપ ધનખડને રાજીનામું આપવાનો વારો આવશે તો…

- એનું કારણ એમના બોલવાનો ‘ટોન’ હશે !

*** 

જો કમલા હેરિસ આવનારી ચૂંટણીમાં અમેરિકાની પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો…

- એનું મૂળ કારણ એક ટીવી ડિબેટમાં બાઈડનની હાર હશે !

*** 

જો ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશના સંબંધો ખરાબ થઈ જશે તો…

- એનું કારણ એક ‘હસીના’ હશે ! (બહુ કહેવાય, નહીં ?)

*** 

જો બાંગ્લાદેશમાં નવી બનેલી સરકારમાં ત્રણ વિદ્યાર્થી નેતાઓ મિનીસ્ટરો બની ગયા હોય તો…

- એનું કારણ એટલું જ કે એમણે માત્ર ૧૫ દિવસ સુધી આંદોલન ચલાવ્યું હતું !

*** 

જો અર્શદીપ સિંહને ભારતની વન-ડે ટીમમાંથી પડતો મુકવામાં આવશે તો…

- એનું કારણ એટલું જ હશે કે એણે પેલી ટાઈ થયેલી મેચમાં છેલ્લા બોલે સીધી સાદી સિંગલ લેવાને બદલે ‘વિનીંગ શોટ’નો ચોગ્ગો મારવાની કોશિશ કરી હતી !

*** 

વીનેશ ફોગાટને સિલ્વર મેડલ જીત્યા વિના હરિયાણામાં સિલ્વર મેડલ વિજેતા જેટલું જ સન્માન અને ઇનામ મળશે તો…

- એનું કારણ માત્ર ‘૧૦૦ ગ્રામ વજન’ હશે !

*** 

ભારતમાં જો બાંગ્લાદેશ જેવાં તોફાનો પછી સત્તાપલટો થશે તો…

- એનું એકમાત્ર કારણ સલમાન ખુર્શીદે કરેલી ‘ભવિષ્યવાણી’ હશે !

*** 

અને જો અક્ષયકુમારની ફિલ્મો આવતી બંધ થઈ જશે તો…

- એનું કારણ કોઈએ મારેલી ‘ગોળી’ હશે ! (કેવા કેવા વાહિયાત વિચારો આવે છે ?)

*** 

બાકી, આવનારી મેરેજ સિઝન પછી જે બેફિકરા યુવાનોની જીંદગી જેલ જેવી બની જશે તો…

- એનું કારણ સગાઈમાં ખાધેલા પેલા ‘ગોળધાણા’ હશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments