અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ સમાન રણઝણસિંહ આમ તો બહુ ચકોર અને બુધ્ધિવાન છે પરંતુ આજકાલ એ અમુક બાબતોમાં એમને કંઈ સમજાતું નથી એવો ઢોંગ કરી રહ્યા છે ! સાંભળો એમના જ મોઢે…
***
કોઈ દેશના વડાપ્રધાનની શપથવિધિમાં નો હોય એના કરતાં પાંચ ગણા વીઆઈપી અંબાણી પરિવારના લગ્ન પ્રસંગે હાજરી આપી ગ્યા !
… કાંઈ હમજાણું નંઈ !
***
આપણા દેશમાં કિયો ઉદ્યોગપતિ કઈ પાર્ટીને ચૂંટણીફંડ દિયે છે. ઈ વાતે તો હોબાળા મચી જાય છે ! ’ને ન્યાં અમેરિકામાં ખુલ્લેઆમ મોટી મોટી કંપનીયુંના ઉદ્યોગપતિઓ કિયે છે કે જો બાઈડનનને ઊભા રાખશો તો અમે ફદિયું ય નંઈ દઈએ ! એ હિસાબે ન્યાંની સરકાર હલાવે છે કોણ ?
… કાંઈ હમજાણું નંઈ !
***
ઓલ્યું ઇઝરાયેલ પેલેસ્ટાઇનમાં હૂમલા પર હૂમલા કરીને હજારો લોકોને મારી રિયું છે, પણ ફ્રાન્સમાં એક પાર્ટી ચૂંટણી જીતી ગઈ તો ન્યાં પેલેસ્ટાઈનના ઝંડા એવી રીતે લહેરાયા કે જાણે પેલેસ્ટાઇન જીતી ગ્યું હોય !
… કાંઈ હમજાણું નંઈ !
***
ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીસભામાં માત્ર ૩૦૦ મીટર દૂરથી પાંચ ગોળીયું ફાયર થઈ, એમાંથી એક જ ગોળી, પરફેક્ટ રીતે માત્ર ટ્રમ્પની કાનની બૂટ વીંધીને નીકળી ગઈ !? આટલું પફેક્ટ નિશાન ?
… કાંઈ હમજાણું નંઈ !
***
ગુજરાતમાં મોરબી પુલ કાંડ, તક્ષશિલા કાંડ, ગેમિંગ ઝોન કાંડ, હરણી બોટ કાંડ, હજારો એકરના જમીન કાંડ, અરે, આખેઆખું ગામ વેચી નાંખ્યાનાં કાંડ છતાં માત્ર સરકારી અધિકારીઓની ઉપર તવાઈ આવે છે ! કોઈ નેતાનું તો નામ સુધ્ધાં બા’ર આઈવું નથી…
… કાંઈ હમજાણું નંઈ !
***
પૂલો તણાયા… કારો ડૂબી… અનંતના લગ્ન… ટ્રમ્પ ઉપર ગોળીબાર… આ હંધીય ઘટનાઉં વચ્ચે ઓલ્યા ભોલેબાબા ક્યાં ગાયબ થઈ ગ્યા ?
… કાંઈ હમજાણું નંઈ !
***
બાકી, અક્ષયકુમારની વધુ એક ફિલ્મનો ધબડકો થ્યો, ભાજપમાં ‘શુધ્ધ’ થાવા આવેલા વધુ પાંચ કોંગ્રેસી નેતા હારી ગ્યા, ઝિમ્બાબ્વેએ એક જ મેચમાં ચાર-ચાર ઇઝિ કેચું છોઈડા, અને આઈએએસ પૂજા ખેડેકરની આખી મેડિકલ ફાઈલ જ ‘ગુમ’ થઈ ગઈ…
… ઈ હંધુય હમજાય એવું છે, બાપલ્યા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment